jump to navigation

આંધળી માનો કાગળ October 4, 2006

Posted by Jaydeep in મારી પ્રિય કવિતાઓ.
trackback

અમૃત  ભરેલું   અંતર   જેનું,  સાગર   જેવડું  સત,

પૂનમચંદના પાનિયા આગળ  ડોશી  લખાવતી  ખત,

ગગો  એનો  મુંબઈ  કામે;  ગીગુભાઈ  નાગજી  નામે.

લખ્ય કે, માડી ! પાંચ વરસમાં પહોંચી નથી એક પાઈ,

કાગળની એક  ચબરખી પણ,  મને મળી નથી, ભાઈ !

સમાચાર   સાંભળી    તારા;  રોવું મારે કેટલા દાડા ?

ભાણાનો ભાણિયો લખે છે કે, ગગુ રોજ મને ભેળો થાય,

દન  આખો  જાય  દાડિયું  ખેંચવા, રાતે હોટલમાં ખાય,

નિત  નવાં   લૂગડાં   પેરે,   પાણી   જેમ   પૈસા  વેરે.

હોટલનું  ઝાઝું  ખાઈશમા,  રાખજે  ખરચીખૂટનું  માપ,

દવાદારૂના   દોકડા   આપણે   કાઢશું   ક્યાંથી,  બાપ !

કાયા   તારી   રાખજે   રૂડી;  ગરીબની   જ છે મૂડી.

ખોરડું  વેચ્યું  ને  ખેતર  વેચ્યું,  કૂબામાં  કર્યો  છે વાસ,

જારનો  રોટલો  જડે  નહિ  તે  દિ પીઉં છું એકલી છાશ,

તારે    પકવાનનું   ભાણું;   મારે   નિત   જારનું   ખાણું.

દેખતી    તે    દિ    દળણાં-પાણી     કરતી   ઠામેઠામ,

આંખ   વિનાનાં   આંધળાને   હવે  કોઈ    આપે  કામ,

તારે   ગામ   વીજળીદીવા,   મારે   આંહી   અંધારાં પીવાં.

લિખિતંગ   તારી   આંધળી   માના   વાંચજે  ઝાઝા  જુહાર,

એકે  રહ્યું  નથી  અંગનું   ઢાંકણ,   ખૂટી   છે   કોઠીએ  જાર,

હવે   નથી   જીવવા  આરો,   આવ્યો  ભીખ   માંગવા વારો. 

                                                                  –ઈંદુલાલ ગાંધી 

                         **********

Comments»

1. "UrmiSaagar" - October 4, 2006

SV has ‘દેખતા દીકરાનો જવાબ’… read it… that’s nice 2.
http://www.forsv.com/guju/?p=322

2. જયદીપ ટાટમીયા - October 4, 2006

ઊર્મિ,
દેખતા દીકરાનો જવાબ’ રૂપે ત્રણ કવિઓ એ અલગ અલગ રચનાઓ કરી છે. જે ક્રમશ: અહીં મૂકીશ.

–જયદીપ.

3. સુરેશ જાની - October 5, 2006

અરે, વાહ, જયદીપ આ વાત તો આજે જ જાણી. ત્રણે ય જવાબ જરૂર વંચાવો ભાઇ !

4. Bharat - April 20, 2007

I am crying…