jump to navigation

દેખતા દીકરાનો જવાબ:1 October 6, 2006

Posted by Jaydeep in મારી પ્રિય કવિતાઓ.
trackback

શ્રી ઈન્દુલાલ ગાંધીના આંધળી માનો કાગળ કાવ્યના જવાબરૂપે શ્રી મીનુ દેસાઈની રચના:

દુ:ખથી જેનું મોઢું સુકાયેલું, ચહેરે કુંડાળાના પટ,

ઝવેરચંદના ઝીણિયા આગળ ગગો લખાવતો ખત,

માડી એની અંધ બિચારી, દુ:ખે દાડા કાઢતી કારી. 

લખ્ય કે ઝીણા માફી પહેલી માગી લઉં છું હું આજ,

જ્યારથી વિખૂટો પડ્યો હું તારાથી ગમે ના કામ કે કાજ,

હવે લાગે જીવવું ખારું, નિત લાગે મોત જ પ્યારું. 

ભાણાના ભાણિયાની એક વાત માવડી છે સાવ સાચી,

હોટલમાં જઈ ખાઉં બે આનામાં પલેટ અરધી કાચી,

નવાં જો હું લૂગડાં પ્હેરું, કરું ક્યાંથી પેટનું પૂરું ? 

દનિયું મારું પાંચ જ આના, ચાર તો હોટલે જાય,

એક આનાની ચાહ બીડી માડી ! બચત તે કેમ થાય ?

કરું ક્યાંથી એકઠી મૂડી ? કાયા કેમ રાખવી રૂડી ? 

પાંચ આનાની મૂડીમાંથી હવે સંઘરીશ રોજના બે,

મોકલી આપીશ માસને છેડે હું રકમ બચશે જે,

જેથી કંઈક રાહત થાશે, કદી હાથ લાંબો ન થાશે. 

માસે માસે કંઈક મોકલતો જઈશ ત્હારા પોષણ કાજ,

પેટગુજારો થઈ જશે માડી ! કરતી ના કામકાજ,

કાગળ ન ચૂકીશ માસે, લખાવીશ ઝીણિયા પાસે.

 લિખિતંગ ત્હારા ગીગલાના માડી ! વાંચજે ઝાઝા પ્રણામ,

દેખતી આંખે અંધ થઈ જેણે માડીનું લીધું ના નામ,

દુ:ખી તું ના દિલમાં થાજે, ગોવિંદનાં ગીતડાં ગાજે.      

                                                             —મીનુ દેસાઈ

 

Comments»

1. nilam doshi - October 7, 2006

આંધળી મા ના દીકરાનો જવાબ વરસો પહેલા વાંચેલ અને થોડો આવડતો પણ હતો,પણ પૂરી રચના શોધતી હતી.આજે અહી જોઇને મળી ગયાની ખુશી થઇ.આભાર.

નીલમ દોશી
http://paramujas.wordpress.com