કશ્મીરના સૂફી સંતો November 12, 2006
Posted by Jaydeep in કશ્મીર ડાયરી.trackback
કશ્મીરની સંસ્કૃતિ તથા પરંપરા પર સૂફી ફિલસૂફીની ગાઢ અસર રહી છે. ઈરાન અને મધ્ય એશિયાના ફિલસૂફો દ્વારા અહીં સૂફી પરંપરાના પગરણ થયા. સ્થાનિક લોકો તો કહે છે કે, પહેલાં જ્યારે ઝઘડો થતો ત્યારે કાંગડી એ સૌથી મોટું ‘હથિયાર’ હતું. એટલે જ તો, કશ્મીરમાં ક્યારેય હિંદુ-મુસ્લિમ રમખાણો થયા નથી. શાહ, ભટ, પંડિત, બઝાઝ, કૌલ, ચલ્લૂ, હન્ડૂ, લાલા, જાલા, ખાન, મલ્લા, કલ્લા, મચામા, મુન્શી, થપલૂ, રેષિ વગેરે જેવી અટકો કશ્મીરી પંડિતો અને મુસ્લિમો બંનેમાં જોવા મળે છે. ત્રાસવાદ તો બહુ પાછળથી આવ્યો. (અત્યારે તો એકે-47ની બોલબાલા છે. ઘણાં કહે છે કે, કોઈ પણ પ્રકારના હથિયારો શ્રીનગરમાં સહેલાઈથી પ્રાપ્ય છે. સાદી હૅન્ડગ્રેનેડને અહીં ‘આલૂ’ તરીકે ઓળખવામાં આવે છે. ઉપરાંત, હમણાં હમણાંથી ચાઈનીઝ બનાવટની આકારમાં ચોરસ અને વધુ ઘાતક એવી ગ્રેનેડ પણ આવી પહોંચી છે…)
12મી સદીમાં બુલબુલ શાહ ઈરાનથી કશ્મીર આવ્યા હતા. તેમની મઝાર શ્રીનગરના આલી કદલ વિસ્તારમાં મોજૂદ છે. એને કશ્મીરમાં ઈસ્લામના પગરણની શરૂઆત માની શકાય. 1314માં ઈરાનના હમદાનમાં જન્મેલા વિદ્વાન સૈયદ અલી હમદાની ઈ.સ. 1372માં પ્રથમ વાર કશ્મીર આવ્યા હતા. 1379માં બીજી વાર અને 1383માં ત્રીજી વાર તેમણે કશ્મીરની મુલાકાત લીધી હતી. એ સમયે હિન્દુ ધર્મના અગત્યના સ્થળો જેવા કે અવંતિપુર અને મટનમાં તેઓ ઈસ્લામના અનુયાયીઓને મુકતા ગયા હતા. સૈયદ અલી હમદાનીની મઝાર પણ આલી કદલ વિસ્તારમાં જ આવેલી છે. આમ, ‘શાહ-એ-હમાદાન’ સૈયદ અલી હમદાનીની મુલાકાતો બાદ કશ્મીરમાં ઈસ્લામના પ્રસારની પ્રક્રિયાને બળ મળ્યુ હતું. સૈયદ અલી હમદાની બાદ તેમનું કાર્ય તેમના પુત્ર સૈયદ મુહમ્મદ હમદાનીએ આગળ ધપાવ્યું. જો કે તેમનો અભિગમ વધારે આક્રમક હતો.
આ પછી થયેલા સ્થાનિક કશ્મીરી સૂફી-ઋષિઓ એકદમ ઉદાર અને સહિષ્ણુ હતાં. આ પરંપરામાં લલ્લેશ્વરી (લાલ દેદ) અને શેખ નૂરૂદ્દીન (નંદ ઋષિ) મુખ્ય છે. લલ્લેશ્વરીનો જન્મ 1317માં શ્રીનગરની ભાગોળે આવેલા પમ્પોરમાં થયો હતો. આ પમ્પોરમાં જ જગવિખ્યાત કશ્મીરી કેસરની ખેતી થાય છે. લલ્લેશ્વરી સુખી કુટુંબનું સંતાન હતી, પરંતુ લગ્ન બાદ સાસરિયામાં દુ:ખી થતાં તેમણે ગૃહત્યાગ કર્યો હતો. ત્યારબાદ, એ જંગલોમાં ભટકતા અને ક્યારેક તો તેમના શરીર પર પૂરતાં કપડાં પણ ન રહેતા. પરંતુ, લલ્લેશ્વરીના મુખમાંથી નીકળતો દરેક શબ્દ મંત્ર બની જતો. લલ્લેશ્વરી પાસે ગૂઢ ભાષામાં, થોડા શબ્દોમાં ઘણું બધું કહી દેવાની અદભૂત શક્તિ હતી.
શેખ નૂરૂદ્દીન (નંદ ઋષિ)નો જન્મ 1378 આસપાસ થયો હતો. એવું કહેવાય છે કે, જન્મ બાદ શેખ નૂરૂદ્દીન સ્તનપાન કરતા નહોતા. એટલામાં ત્યાં લલ્લેશ્વરી આવી ચડતાં તેમણે સૂફિયાના અંદાજમાં કહ્યું, ‘યલિ ન ઝેન્ય મંદછોખ, ચેનઅ ક્યાઝિ છૂખ મંદછાન’, અર્થાત, ‘જનમ લેતી વખતે શરમ ન આવી અને હવે સ્તનપાન કરવામાં શેની શરમ આવે છે?’. બસ, તુરંત જ શેખ નૂરૂદ્દીને સ્તનપાન શરૂ કરી દીધું હતું. શેખ નૂરૂદ્દીનના ભાઈઓ ચોરી કરતા હતા. શરૂઆતમાં શેખ નૂરૂદ્દીન પણ ચોરીના રવાડે ચડ્યા હતા. પરંતુ, એ પવિત્ર આત્માએ જલ્દીથી એ બધું છોડી, સત્યનો માર્ગ અપનાવ્યો. ‘નંદ ઋષિ’ તરીકે આજે પણ તેમનું નામ લેતાં જ તમામ હિન્દુ-મુસ્લિમોના મસ્તક આપોઆપ નમી જાય છે. નંદ ઋષિની મઝાર કશ્મીરના ચરાર ગામમાં છે. (એ જ ચરાર ગામ કે જ્યાંની પવિત્ર દરગાહ ‘ચરારે-શરીફ’ મસ્ત ગૂલ નામના ત્રાસવાદીએ જલાવી દીધી હતી.)
આ સંસ્કારી અને સ્વર્ગસરીખા કશ્મીરમાં કોણ જાણે કોના પાપે આજે છાશવારે ગ્રૅનેડ ફેંકાય છે, અને બેરહમીથી નિર્દોષોને હણવામાં આવે છે. રાજકારણ અને રાજકારણીઓ સ્વર્ગને પણ નર્ક બનાવી શકે છે અને છતાંયે તેમના પેટનું પાણી પણ હલતું નથી. કશ્મીર એનું જ્વલંત ઉદાહરણ છે…
સરસ માહિતી.
Hi
We would like to inform you that now Online Gujarati Type pad is available. Visit http://service.monusoft.com/GujaratiTypePad.htm . You can open this web page on your site and users can easily write Gujarati for putting comments on your site. Moreover Gujarati plug-in for WordPress is also available.
Thanks Jaydeep, for some really good info !
સાચી વાત છે તમારી… હું નાની હતી ત્યારથી એમ હતું કે મોટી થઇશ પછી જીવનમાં એકવાર આ ‘પૃથ્વી પરનાં સ્વર્ગ’ની મુલાકાત જરૂર લઇશ… પણ આ ત્રાસવાદને લીધે તો એ સપનું પણ એક સપનું જ રહેવાનું હવે! વળી, નિર્દોષ માણસોની સાથે સાથે કુદરતની પણ કેટલી ખુબસુરતી નષ્ટ થઇ હશે?!… અને હજી કોણ જાણે કેટલી થયા કરશે!
ક્યારેક તમે કશ્મીરનાં ચિત્રરૂપી દર્શન પણ કરાવતાં રહેજો તો વધુ મઝા આવશે….
આભાર…
HAMIDASTO HAMIDASTO HAMIDAST !!!
Please try to put some colorful pictures of K.Thx.