jump to navigation

ચારણ કન્યા December 13, 2006

Posted by Jaydeep in મારી પ્રિય કવિતાઓ.
trackback

ગીરમાં તુલસીશ્યામ પાસેના એક નેસમાં હીરબાઈ નામની ફક્ત 14 વર્ષની ચારણ કન્યાએ એકલે હાથે પોતાની વાછરડીને મારનાર સિંહને એનું માંસ ચાખવા નહોતું દીધું અને ફક્ત લાકડીએથી ગીરના સાવજને હાંકી કાઢ્યો હતો. ઝવેરચંદ મેઘાણીની આ કવિતા પ્રાથમિક શાળામાં ભણવામાં આવતી હતી. એનો લય અને શોર્યવંતી ભાષા આજે પણ એવા અને એટલાં જ મોહક છે…

સાવજ ગરજે !

વનરાવનનો રાજા ગરજે
ગીરકાંઠાનો કેસરી ગરજે
ઐરાવતકુળનો અરિ ગરજે
કડ્યપાતળિયો જોદ્ધો ગરજે
મોં ફાડી માતેલો ગરજે
જાણે કો જોગંદર ગરજે
નાનો એવો સમદર ગરજે !
ક્યાં ક્યાં ગરજે ?

બાવળના જાળામાં
ગરજે ડુંગરના ગાળામાં ગરજે
કણબીના ખેતરમાં ગરજે
ગામ તણા પાદરમાં ગરજે
નદીઓની ભેખડમાં ગરજે
ગિરિઓની ગોહરમાં ગરજે
ઉગમણો, આથમણો ગરજે
ઓરો ને આઘેરો ગરજે

થર થર કાંપે !
વાડામાં વાછડલાં કાંપે
કૂબામાં બાળકડાં કાંપે
મધરાતે પંખીડાં કાંપે
ઝાડ તણાં પાંદડલા કાંપે
પહાડોના પથ્થર પણ કાંપે
સરિતાઓના જળ પણ કાંપે
સૂતાં ને જાગંતાં કાંપે
જડ ને ચેતન સૌએ કાંપે

 આંખ ઝબૂકે
કેવી એની આંખ ઝબૂકે
વાદળમાંથી વીજ ઝબૂકે
જોટે ઊગી બીજ ઝબૂકે
જાણે બે અંગાર ઝબૂકે
હીરાના શણગાર ઝબૂકે
જોગંદરની ઝાળ ઝબૂકે
વીર તણી ઝંઝાળ ઝબૂકે
ટમટમતી બે જ્યોત ઝબૂકે

જડબાં ફાડે !

ડુંગર જાણે ડાચાં ફાડે !
જોગી જાણે ગુફા ઉઘાડે !
જમરાજાનું દ્વાર ઉઘાડે !
પૃથ્વીનું પાતાળ ઉઘાડે !
બરછી સરખા દાંત બતાવે
લસ લસ કરતા જીભ ઝુલાવે.

બ્હાદર ઊઠે !

બડકંદાર બિરાદર ઊઠે
ફરસી લેતો ચારણ ઉઠે
ખડગ ખેંચતો આહીર ઊઠે
બરછી ભાલે કાઠી ઊઠે
ઘર ઘરમાંથી માટી ઊઠે
ગોબો હાથ રબારી ઊઠે
સોટો લઈ ઘરનારી ઊઠે
ગાય તણા રખવાળો ઊઠે
દૂધમલા ગોવાળો ઊઠે
મૂછે વળ દેનારા ઊઠે
ખોંખારો ખાનારા ઊઠે
માનું દૂધ પીનારા ઊઠે !
જાણે આભ મિનારા ઊઠે !
ઊભો રે’જે
ત્રાડ પડી કે ઊભો રે’જે !
ગીરના કુત્તા ઊભો રે’જે !
કાયર દુત્તા ઊભો રે’જે !
પેટભરા ! તું ઊભો રે’જે !
ભૂખમરા ! તું ઊભો રે’જે !
ચોર લૂંટારા ઊભો રે’જે !
ગા-ગોઝારા ઊભો રે’જે !

ચારણ કન્યા
ચૌદ વરસની ચારણ કન્યા
ચૂંદડીયાળી ચારણ કન્યા
શ્વેતસુંવાળી ચારણ કન્યા
બાળી ભોળી ચારણ કન્યા
લાલ હિંગોળી ચારણ કન્યા
ઝાડ ચડંતી ચારણ કન્યા
પહાડ ઘૂમંતી ચારણ કન્યા
જોબનવંતી ચારણ કન્યા
આગ ઝરંતી ચારણ કન્યા
નેસ નિવાસી ચારણ કન્યા
જગદમ્બા શી ચારણ કન્યા
ડાંગ ઉઠાવે ચારણ કન્યા
ત્રાડ ગજાવે ચારણ કન્યા
હાથ હિલોળી ચારણ કન્યા
પાછળ દોડી ચારણ કન્યા
ભયથી ભાગ્યો !
સિંહણ, તારો ભડવીર ભાગ્યો
રણ મેલીને કાયર ભાગ્યો
ડુંગરનો રમનારો ભાગ્યો
હાથીનો હણનારો ભાગ્યો
જોગીનાથ જટાળો ભાગ્યો
મોટો વીર મૂછાળો ભાગ્યો
નર થઈ તું નારીથી ભાગ્યો
નાનકડી છોડીથી ભાગ્યો !
***************

Comments»

1. સુરેશ જાની - December 13, 2006

વાહ ! અમદાવાદમાં રાજકોટના એક રેડીઓ આર્ટીસ્ટના કંઠે આ રચના અસલ, સોરઠી બુલંદીમાં સાંભળી ત્યારે ગીરનું દૃષ્ય ખડું થઇ ગયું હતું.

2. Mehul Shah - December 13, 2006

Thanks Jaydeep !
i just love it ! can i take this for my Prarthnamandir Blog?

3. Neela Kadakia - December 14, 2006

મારો દિકરો શાળામાં હતો ત્યારે આ કવિતા તેના સીલેબસમાં હતી. ઘણા વર્ષે યાદો તાજી થઈ
આભાર
નીલા

4. જયદીપ - December 14, 2006

Dear Neela Aunty and Mehul,

I am happy that you love that creation of Zaverchand Meghani. And Mehul, feel free to take…

–Jaydeep.

5. Urmi Saagar - December 14, 2006

Vaah Jaydeep… maja aavi gai!

I had completely forgotten this one….
thanks for bringing back such a nice memory!

6. prarthnamandir - December 14, 2006

Thanks Jaydeep !

7. vijayshah - December 17, 2006

Jaydeepbhai

maza avi gayi

8. વિવેક - December 23, 2006

આવી જ કવિતાઓમાં ગુજરાત અને ગુજરાતી સંસ્કૃતિ સદા જીવતી રહેશે..

9. Amit pisavadiya - December 26, 2006

ઘણા વર્ષો પછી આ કાવ્ય વાંચ્યુ, ખમીરવંતુ કાવ્ય…
આભાર…

10. Dilip Patel - January 14, 2007

આ શૌર્યવંતુ ગીત બે ત્રણ મહિના પહેલાં પ્રથમ વખતે સાંભળતાં જ ઘણું ઉત્સાહ અને જુસ્સાભર્યું લાગેલું. એને લખી લેવાની ઈચ્છા થયેલી અને પ્રયાસ પણ કરેલો. આ ગીતની ઝડપને કારણે લખવાનું પડતું મૂકેલું; પણ આજે અત્રે વાંચતા વિશેષ આનંદ થયો. જયદીપભાઈ આપની કાવ્ય રચનાઓ અને લેખો ગમ્યાં.
આપનો આભાર.

11. HARISH N GHELANI - March 16, 2009

AFTER HEARING THIS SONG AS A SON OF BAGASARA I FEEL PRRRRROUD THAT I AM FROM THE SAME PLACE WHERE THE “RASHTRIYA SHAYAR” OF INDIA TOOK THE BIRTH