ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ
January 15, 2007 by Jaydeep
ગરવા ગિરનારની તળેટીમાં પ્રાચીનકાળનાં ત્રણ શિલાલેખો છે. એ પૈકીના એક પર સમ્રાટ અશોકની 14 આજ્ઞાઓ કોતરાયેલી છે, બીજા પર ક્ષત્રપ રાજા રુદ્રદામન અને ત્રીજા પર ગુપ્ત સમ્રાટ સ્કંદગુપ્તના આલેખો છે. ગુપ્તવંશનું શાસન ગુજરાતમાં ફક્ત 70 વર્ષ જ રહ્યું હતું. પરંતુ, ગુપ્તવંશની ખ્યાતિનો લાભ એમનાં વારસ મૈત્રકોને પણ મળ્યો હતો. મૈત્રક કાળનાં મનાતા આશરે 30 જેટલા મંદીરો સૌરાષ્ટ્રમાં છે.
ઘણી બધી જાતિઓ-જનજાતિઓ ગુજરાતમાં આવી અને વસી ગઈ એને કારણે જ ગુજરાતીઓનો સ્વભાવ સહિષ્ણુ રહ્યો છે. સૂર્ય, વિષ્ણુ, શિવ, મહાવીર અને પીર—બધાં જ ગુજરાતમાં પૂજાય છે. આંધ્રપ્રદેશના વલ્લભાચાર્યના ‘પુષ્ટિમાર્ગ’ અને ઉત્તરપ્રદેશના સહજાનંદ સ્વામીનાં ‘સ્વામીનારાયણ સંપ્રદાય’ અનુયાયીઓ સૌથી વધુ તો ગુજરાતમાં જ છે. ચીની યાત્રી હ્યુ-એન-ત્સંગે નોંધ્યું છે કે, મૈત્રકોની વલભી વિદ્યાપીઠ એ વેદીક, જૈન અને બૌદ્ધ ધર્મ અને શિક્ષણનું અગત્યનું કેન્દ્ર હતું.
ગુજરાતની પોતાની આગવી કોઈ શિલ્પ કે સ્થપત્યની શાખા નથી, પરંતુ, ગુજરાતમાં 5મી સદીથી શરૂ કરીને 13મી સદી સુધીના સ્થાપત્યના નોંધપાત્ર નમૂનાઓ જોવા મળે છે. મોઢેરાનું સૂર્યમંદીર, સિદ્ધપુરની રુદ્રમાળ, ઘુમલી અને સેજકપુરના નવલખી મંદીરો એ ગુજરાતના શિલ્પ-સ્થાપત્યના કેટલાક નમૂનાઓ છે.
ગુજરાતના મુસ્લિમ સુલતાનોએ કલાને તથા કારીગરોને પ્રોત્સાહન આપ્યું. 13મી સદી અને તે પછીના સમયમાં સ્થપત્યમાં નવા ઉન્મેષો જોવા મળે છે. મસ્જિદો અને અન્ય ઈસ્લામી સ્થપત્યોમાં સુંદર વૃક્ષો, લતા, ફૂલો અને ભૌમિતીક ડિઝાઈનો જોવા મળે છે. અમદાવાદની સીદી સૈયદની જાળી એ સ્થપત્યનો એક અજોડ નમૂનો છે. ગુજરાતના સ્થાપત્યની કોતરણીના આવા ઘણા નમૂનાઓ દિલ્હી અને આગ્રાના મોગલ સ્થાપત્ય કરતાયે ચઢિયાતા મનાય છે.
વિશિષ્ટ પ્રકારનું ગુજરાતી સંગીત ન હોવા છતાંયે, ‘સરસ્વતીકંઠાભરણ’ માં નોંધાયેલા કેટલાક રાગો જેવાકે, ગુર્જરી, વેળાવલી (બિલાવલ), ત્રાવણ, સૌવિરી, ખંભાવતી, આહિરી, લાટી, સોરઠી વગેરે ગુજરાતનાં સ્થળોના નામ ઉપર આધારિત છે, અને એ કંઈ નાનીસૂની વાત નથી. ‘વિચીત્ર-વીણા’ કે જે આજે પણ વગાડાય છે, એની શોધ અમદાવાદના સંગીતજ્ઞ જેસંગભાઈ એ કરી હતી. નાયક, ભોજક, તરગાળા, ગંધર્વ, મીર, લાંઘા જેવાં કેટલાક જાતિસમૂહો સંગીતની સાધના માટે જાણીતા છે તથા તેઓ તો સંગીતકળાનો ઉપયોગ જીવનનિર્વાહ માટે પણ કરતા હતાં.
રાસ, ગરબી અને લોકનૃત્યો એ ગુજરાતનો પ્રાચીન કલાવારસો છે. રાસ જો કે, થોડાંઘણાં ફેરફારો સાથે ભારતના અન્ય ભાગોમાં પણ જોવા મળે છે, પરંતુ, ‘ગરબો’ તો માત્ર અને માત્ર ગુજરાતને જ વિશિષ્ટતા છે.
પૂર્વભૂમિકા અહીં સમાપ્ત. આવતા સોમવારે જૂના ગુજરાતી સાહિત્યની એક ઝલક…
આપનું સંશોધનકાર્ય કાબિલ-એ-દાદ છે… અભિનંદન, જયદીપ!
આને ‘ગુજરાતની કળાનો ઇતિહાસ’ નામ વધુ યોગ્ય ન હોત?
આભાર, વિવેકભાઈ,
સુરેશભાઈ, આપની વાત સાચી છે, પરંતુ, અહીં એ પૂર્વભૂમિકાના એક ભાગ સ્વરૂપે છે.
- જયદીપ.
PLEASE TRY TO TAKE A TRIP TO:ADALAJ-NI-VAV NEAR AHD.