રમા February 15, 2007
Posted by Jaydeep in મારી પ્રિય કવિતાઓ.trackback
વ્યોમથી જલની ધારા જોરમાં પડતી હતી;
ઢળી પલંગને પાયે સુંદરી રડતી હતી !
ન્હાના સાદા શયનગૃહમાં સ્વચ્છ દીવો બળે છે,
વિદ્યુદ્વલ્લિ પ્રબલ ચમકી જ્યોતિ સાથે મળે છે;
સાહિત્યો કૈં બહુ નહિ દિસે, એક પર્યંક માત્ર,
થોડાં ઝીણાં રજનીવસનો, પાસમાં વારિપાત્ર.
અષાઢી કૃષ્ણ રાત્રિના બાર વાગી ગયા હતા;
પતિની રાહ જોવામાં બે કલાક થયા હતા !
વારે વારે પ્રથમ દિવસો લગ્નના યાદ લાવે,
સાથે સાથે અનુભવ તણું ધ્યાનમાં ચિત્ર આવે;
બાલાથી એ સહન ન થયું, આર્દ્ર હૈયું ભરાયું,
મૂંઝાવાથી કરુણ સ્વરમાં ગીત એકાદ ગાયું.
પતિનું ભવભૂતિનું ત્યાં ભાષાંતર સાંભર્યું;
પોતાને યોગ્ય શોધીને અશ્રુ સાથે શરૂ કર્યું:–
“છત્ર જેવા બેઠા હતા પિતાજી,
લગ્નગ્રંથિ અભિનવ રસાલ તાંજી;
જનેતાઓ રહેતાં સચિંત જ્યારે,
તે અમારા દિવસો વહી ગયા રે !”
ફેરવી પલટાવીને વનિતા રડતી હતી;
બારીએ જલની ધારા જોરમાં પડતી હતી !
થોડી વારે ત્વરાથી પરિચીત ચરણો સીડીએ સંભળાય,
”આવ્યા છે, હાશ !” એવા વચન ઉચરતી દાદરા પાસે ધાય;
માની, પ્રેમી, પ્રમાદી, અનિયમિત પતિ વાંકને કેમ જાણે ?
પોતાની ન્યૂનતા છે પ્રણય મહિં, કદી એમ ચિત્તે ન આણે !
“ બહુ વાર થઈ !” એવું કહી માત્ર રહી ગયો;
રમાહૃદયનો બંધ, હાય ! તેથી વહી ગયો !
વદનકમલ મ્લાનતા ધરે છે,
ઝળઝળિયાં નયનો જરા ભરે છે;
પતિ પણ નિરખી હવે રહે છે,
હૃદય દબાવી પછી પ્રિયા કહે છે:-
“નજર નાથ ! તમે કરતા નથી,
પ્રબલ ખેદ થતો હરતા નથી;
નહિ જરા દરકાર દિસે, અહો !
અરર ! વાંક થયો મુજ ! શું, કહો !
“આષાઢી કૃષ્ણ રાત્રિના બાર સુદ્ધાં થઈ ગયા;
ન આવી આપને તોયે આવવા જેટલી દયા !”
નીચું જોયું તરત પતિએ, ભૂલને સ્પષ્ટ જોઈ,
હૈયું ભીનું સદય બનતાં માનિતા સર્વ ખોઈ;
ચાલી લે છે કર મહિં પ્રિયા, હાથમાં હાથ જોય,
”દેવી મારી થઈ કઠિનતા: છું ક્ષમાપાત્ર તોય !”
“નથી, નાથ ! તમારો કૈં વાંક મારો જ છે સહુ;
ક્ષમા હુકમથી માગો, દીનતા ન કરો બહુ !
“મારા મહીં જ નથી માલ ખરૂં કહું છું,
મિથ્યાભિમાની મન નાહક હું રહું છું;
રે ! આપને સુખ જરાય કરી શકું જો,
શાને રહો અવર પાસ કદી તમે તો?”
“લગ્નના દિવસમાં નવી હતી,
ઠીક તેથી રમણીય લાગતી;
આપ તો પણ હતા જ તે રહ્યા;
માહરા ગુણ બધા ગયા વહ્યા !”
“પ્રેમ છે, એટલા માટે પ્રેમ માગી શકું નહીં;
ક્ષમા, નાથ ! નહીં એ મેં જાણેલું મનની મહીં !”
* * * * * * * * * * * * * *
ત્યાં તો શાથી કંઈ થઈ ગઈ બોલતી બંધ જાયા,
શબ્દો બોલ્યો પતિ પણ, અરે ! તે નહીં સંભળાયા;
કાંકે જોતાં ઝટ થઈ ગયું મેઘનું ખૂબ જોર,
વ્યાપ્યું આખા નગરની મહીં તુર્ત અંધારૂ ઘોર !
રહી જરા જરા વ્યોમે ચમકારી થતી હતી;
સુવાડી સર્વને રાત્રિ એ પ્રમાણે જતી હતી !
-કાન્ત
વાંચવાની બહુ મજા આવી
સુંદર કાવ્ય… અને તમારી ધીરજ અને મહેનત પણ સાથે દાદ માંગી લે એવા છે. અભિનંદન.
ઘણા વખત પછી આવુ સુંદર કાવ્ય વાંચવા મળ્યુ
આભાર
જયદીપ