મહાપ્રસ્થાન
September 3, 2007 by Jaydeep
ભીમ: ધબ અવાજ ફરી થયો.
પડ્યું શું કો?
અર્જુન: નકુલ…
યુધિષ્ઠિર: હા, જોડિયો એ બંધુ શેણે
દૂર રહે ઝાઝો સહદેવ થકી?
નકુલ: જાણું છું હું–
સહદેવ જેટલોયે ખપનો હું ન્હોતો કદી,
ભારતના મહાયુદ્ધે અર્પણ નથી કૈં મારું
એવું, કિંતુ જનકુલે જીવવું વર્તવું રહેવું
કેવી રીતે તેનો કૈં મેં પ્રત્યક્ષ પદાર્થપાઠ
છે ખરો. આ ક્ષણે ક્ષીણ પ્રાણશક્તિ થયે
પડ્યો હું ઢળી અવશ અસુભગ જે પ્રકારે
નથી તે ગમ્યું મને કૈં. મૃત્યુ સામે અમર્ત્ય તે
જીવનસૌન્દર્ય તણો જયજયકાર બોલી
માગું હું વિદાય. જયજય બંધુવરો!
ત્રણે: જય બંધુ!
ભીમ: મહારાજ, કેમ તમે જેને યક્ષપ્રશ્ન-
વેળાએ જિવાડ્યો પ્હેલો, નકુલ તે રૂપ રૂપ-
નો અંબાર ગ્રસી લીધો હિમે? કેમ રૂપ એહ
અપ્રતિમ નામશેષ થઈ ગયું?
યુધિષ્ઠિર: બંધુ ભીમ,
નકુલના દેહરૂપગર્વનો ન પાર હતો.
ભીમ: ભારતમાં હતો વધુ રૂપવાન કોઈ!
યુધિષ્ઠિર: ભલા કૃષ્ણ દ્વૈપાયન વ્યાસ કિંચિતે જોયા રૂપાળા?
માતા અંબિકાએ મીંચી આંખોને અંબાલિકા તો
ફિક્કી થઈ ગઈ લોહી ઊડી ગયા સમી. –ભીમ,
રૂપ તું શામાં શોધે છે? રૂપ રૂપના અંબાર
કૃષ્ણ દ્વૈપાયન મહીં ઉલ્લસ્યા, કે ઉલ્લસ્યા’તા
કૃષ્ણ વાસુદેવ મહીં, જેની તો આંતરબાહ્ય
મુરત હતી જ રૂપલાવણ્યસભર. અરે
નકુલની સુકુમાર કલાર્દષ્ટિ, રસરુચિ,
સૌન્દર્ય-અભિનિવેશ, –ચિત્તના ને કર્મ તણા
ખમીરની ઊણપે સૌ વરવાં બની જતાં એ.
નકુલના રૂપ પરે કેટલીક વારી ગઈ
કૃષ્ણા, એ જ જોને? ભીમ, નકુલની કરૂણતા
એ જ કે એ લોભાઈને બાહ્ય સૌન્દર્યથી રહ્યો
રીઝી, ન અંત:સૌન્દર્ય ખીલવવા આકર્ષાયો.
ભીમ: શો ધુબાકો કારમો આ?
યુધિષ્ઠિર: અર્જુન હા ધરાશાયી
થયો! ભીમ, અર્જુન જે હાથપગ આપણા—સૌ
પાંડવોના પરિવાર બૃહતનો સ્તંભ જેહ.
અર્જુન: હતો કૃષ્ણનું કરણ, ઉદ્યત બાહુ હું હતો
દિવ્યતાનો. કૃષ્ણ જતાં ગાંડીવધારીને લૂંટ્યો
કાબે. સ્વંયવરકાલે અંતરમાં પૂછ્યું’તું મેં:
કૃષ્ણ, કહો, આ કાર્યમાં સ્હાય શી તમારી હશે?
અંતર્યામી ત્યાં તો તો બોલ્યા: પલ્લામાં રાખી ધારણ
ઊભા રહેવું, ચકરાતા મત્સ્યની પાણીમાં છાયા
જોઈ એને વીંધવું, –એ સર્વ કૈં તારે જ પાર
પાડવાનું… કૃષ્ણ ત્યારે, તમારી શી સ્હાય હશે?
વદ્યા અંતર્યામી: કહું? હું તો માત્ર નીચેનું આ
પાણી ના ડ્હોળાય તેની રાખીશ, અર્જુન, ભાળ.
તે દીથી આ હૃદયને અણડ્હોળ્યું રાખી, તેમાં
લક્ષ્યની છબી સુરેખ સ્વચ્છ ઝીલવા મથ્યો છું
ઘાતક, શિખણ્ડી-ઓથે રહી શર વર્ષનાર
વીર! વીરા કર્ણનો છું પ્રાણાઘાત કરનારો–
રથચક્ર પૃથ્વીગ્રસ્યું કાઢતા મહારથીનો.
જ્યેષ્ઠ હે બંધુઓ, ભીમ મહારાજ યુધિષ્ઠિર.
કૃષ્ણની આંખે જો રહ્યો દેખતો, દેખતો, વિસાર્યા યદિ
તમોને, ક્ષમા કરો. હે બંધુવરો જયજય!
–ઉમાશંકર જોશી
(અંતિમ ભાગમાં ભીમ અને યુધિષ્ઠિરના સ્વર્ગારોહણ વિષે…)
ખૂબ ખૂબ આભાર જયદીપ… મજા આવે છે.
અંતિમ ભાગ મૂકો ત્યારે પણ જણાવવા વિનંતી.
સ્વર્ગારોહણની પરાકાષ્ઠા પ્રતિ દોરી જતી પંક્તિઓ ભારે કરુણા જગાવી જાય છે. …. હરીશ દવે અમદાવાદ