આપણી રાત May 27, 2008
Posted by Jaydeep in મારી પ્રિય કવિતાઓ.1 comment so far
મિત્રો, આજે ફરી એક વાર મારા પ્રિય કવિ કાન્તનું મસ્ત પ્રણયશૃંગાર કાવ્ય ‘આપણી રાત ‘…
શરદ પૂનમની રઢિયાળી સદા,
મને સાંભરે આપણી રાત, સખી !
હસે આકાશે ચંદ્રમા, તારા લસે;
મને સાંભરે આપણી રાત, સખી !
વદને નવજીવન નૂર હતું;
નયને પ્રણયામૃત પૂર હતું,
હૃદયે રસમાં ચકચૂર હતું;
મને સાંભરે આપણી રાત, સખી !
ન્હાતાં ન્હાતાં પ્રકાશમાં, પ્રેમ તણી
કીધી વિશ્રબ્ધ વાતો રસીલી ઘણી;
કલ્પનાની ઇમારત કૈંક ચણી;
મને સાંભરે આપણી રાત, સખી !
તારું સ્વાર્પણ અંતરમાં જ લહું;
કથા અદભુત એ જઈ કોને કહું ?
સ્મરનાં જલ માંહિં નિમગ્ન રહું;
મને સાંભરે આપણી રાત, સખી !
રાત રૂપાળી, રૂડી, રસાળી હતી;
આશકોની અપૂર્વ દિવાળી હતી;
આખી ઉત્સવ માફક ગાળી હતી;
મને સાંભરે આપણી રાત, સખી !
પ્રાણો આપણાનો ત્યારે યોગ થયો,
અંગે અંગનો ઉત્તમ ભોગ થયો;
અને આખર આમ વિયોગ થયો !
મને સાંભરે આપણી રાત, સખી !
હસે આકાશે ચંદ્રમા, તારા લસે,
મને સાંભરે આપણી રાત, સખી !
શરદ પૂનમની રઢિયાળી સદા;
મને સાંભરે આપણી રાત, સખી !
*************
થાઉં તો સારું… May 23, 2008
Posted by Jaydeep in ગઝલો.1 comment so far
હવે બસ બહુ થયું બુદ્ધિ ! હું પાગલ થાઉં તો સારું !
છલકવાનો સમય આવ્યો, છલોછલ થાઉં તો સારું !
જીવનનો ગરજતો સાગર ઘણો ગંભીર લાગે છે,
હવે હું ચાંદનીની જેમ ચંચલ થાઉં તો સારું !
જુઓ કિરણો વિખેરાયાં, ને ગુંજનગીત રેલાયાં,
હૃદય ઈચ્છી રહ્યું છે આજ : શતદલ થાઉં તો સારું !
મને આ તારી અધબીડેલી આંખોમાં સમાવી લે,
મને તો છે ઘણી ઈચ્છા કે કાજલ થાઉં તો સારું
ભલે હું શ્યામ લાગું, પણ મિલન આવું મળે કોને ?
તમન્ના છે કે તારા ગાલનો તલ થાઉં તો સારું !
યુગો અગણિત ભલે વીતે, મને એની નથી પરવા,
હું પ્રેમી કાજ એક જ પ્રેમની પલ થાઉં તો સારું !
મને એવા રૂપાળા ઘાવ દુનિયાએ કર્યા અર્પણ–
કે ખુદ દુનિયાને થઈ આવ્યું : ઘાયલ થાઉં તો સારું !
જીવનમાં આમ તો ક્યાંથી મળે લયબદ્ધ ચંચળતા
હું તારા ખૂબસૂરત પગની પાયલ થાઉં તો સારું !
તને તો આવડે છે ઠંડી ઠંડી આગ થઈ જાતાં,
મને છે મૂંઝવણ કે આંખનું જલ થાઉં તો સારું !
–શેખાદમ આબુવાલા