હરિ તમારી કટ્ટી November 27, 2008
Posted by Jaydeep in પ્રકીર્ણ.7 comments
હરિ તમારી કટ્ટી
કડવી કડવી જિંદગી આપી વાત કરો ગળચટ્ટી!
લોકલ ટ્રેનમાં ઊભા રહીને એક દિવસ તો આવો
હું ય જોઉં છું કેમ કરીને બંસી તમે બજાવો
યાદ આવશે પળભરમાં તો ગયા જનમનાં ઘાવો
કાશી હો કે કુરૂક્ષેત્રે હો બધ્ધે પીડે અભાવો
દરેક યુગને માપવાની આ જુદી જુદી ફૂટપટ્ટી
…હરિ તમારી કટ્ટી
કદીક ધરતીકંપ કરાવો કદીક લાવો પૂર
અજગર જેવો દુકાળ દઈને કેમ ભીંસો ભરપૂર?
છાતીમાં છે ધબકારા પણ ધબકારામાં ઝૂર
નીર ખૂટ્યા છે ધરતીના ને નભના ખૂટ્યા નૂર
અડતાવેંત જ લોહી નીકળે એવી થઈ છે મટ્ટી
…હરિ તમારી કટ્ટી
-હિતેન આનંદપરા