શ્રીફળની કાચલીની કાયા May 1, 2009
Posted by Jaydeep in પ્રકીર્ણ.trackback
આટલોક દેહ, એમાં આટલુંક હૈયું ને હૈયામાં સમંદર શી માયા,
બ્હારથી જુઓ છો એવી અંદરથી હોય નહીં, શ્રીફળની કાચલીની કાયા.
આખાય જીવતરનો માંડો હિસાબ,
એમાં કેટલી ક્ષણોની થઈ ચોરી.
આપણે તો પળ-બે પળ જીવ્યા તે યાદ,
પછી આખી કિતાબ ભલે કોરી.
સુક્કા રણોને હજી ઢાંકી શકે છે, એક લીલેરા પાંદડાની છાયા,
બ્હારથી જુઓ છો એવી અંદરથી હોય નહીં, શ્રીફળની કાચલીની કાયા.
છોડી જવું તો એક ઘટનાનું નામ,
નથી અંદરથી કાંઈ કદી છૂટતું.
પાણીમાં એકાદો પથ્થર ફેંકાય,
એથી કોઈ પ્રતિબિંબ નથી તૂટતું.
આટલીક વારતામાં આટલો બનાવ, એ જ વારતા બનાવવાની માયા,
બ્હારથી જુઓ છો એવી અંદરથી હોય નહીં, શ્રીફળની કાચલીની કાયા.
–ધ્રુવ ભટ્ટ
બહુ સુંદર ગીત. ધ્રુવ ભટ્ટનાં ગદ્ય અને પદ્ય બન્નેમાં તાજગી અને ઊંડું ચિંતન સહજ રીતે તરી આવે છે
‘નવનીત સમર્પણ’માં આવતી ધ્રુવ ભટ્ટની લઘુનવલ ‘અકુપાર’ ખુબ જ સરસ બાનીમાં ગીર સાથે સાક્ષત્કાર કરાવે છે…
-જયદીપ
આવી સુંદર રચના મૂકવા બદલ ધન્યવાદ.