તું હતી ત્યારે
તારી ક્ષણ ક્ષણની હાજરી
ને ક્ષણ ક્ષણની ગેરહાજરીથી
મેં મારો શૂન્યાવકાશ ભર્યો.
તારી એક એક કલ્પના
ને એક એક તરંગોને
મેં ઉમંગથી કેદ કર્યાં,
તારી એક મીઠી નજર
ને તારાં એક સ્પર્શ માટે
હું કેટલું બધું તડપ્યો?
તારા એક એક હાસ્ય
ને એક એક આંસુને
મારી કોરીધકોર આંખોમાં સજાવ્યા.
તારાં એક એક ઉચ્છવાસને મેં કેટલા વિશ્વાસથી
મારાં વિશ્વાસમાં પૂર્યાં?
તારા એક એક ધબકારને
મારા ધબકારો વચ્ચેની ખાલી જગ્યામાં પૂર્યો.
છતાં પણ તું હતી ત્યારે,
હું તારાં તારાપણાથી સજાગ હતો.
તું તું છે અને હું હું છું
તે પ્રત્યે સભાન હતો.
તારી હાજરીની નોંધ અને તારાં સ્પર્શનો આનંદ
આપણાં અલગ અલગ અસ્તિત્વના પ્રમાણ હતાં.
પણ, આપણે જુદાં થયા ને
જેમ જેમ સમય જતો જાય છે
અને હું
મારાં ફેફસામાં પુરાયેલા
તારાં શ્વાસોથી શ્વસુ છું
અને ધબકારો વચ્ચે પુરાયેલા
તારાં ધબકારોથી જીવું છું
ત્યારે,
તારી સાથેની મારી એકરૂપતાનો અહેસાસ
વધતો જાય છે…
બસ, વધતો જ જાય છે…
વધતો જ જાય છે…
ડૉ. જયદીપ શાહ,
અમદાવાદ