jump to navigation

ગુજરાતીમાં ગઝલ October 8, 2006

Posted by Jaydeep in ગઝલનો ઈતિહાસ.
trackback

1995 માં IAS પરીક્ષાની તૈયારી કરતી વેળાએ ગુજરાતી ગઝલો વિષે નાવેલી વિસ્તૃત નોંધનો એક હિસ્સો અહીં મૂક્યો છે:

ગઝલ એ એક અરબી-ફારસી સાહિત્યપ્રકાર છે. ગઝલનો શાબ્દિક અર્થ થાય છે, તીરથી ઘવાયેલા હરણની ચીસ.  ગુજરાતીમાં ગઝલની શરૂઆતને સો કરતા પણ વધુ વર્ષો થઈ ગયા છે. ભારતમાં મુઘલ સામ્રાજ્યની સ્થાપના થઈ એ સાથે જ ફારસી ભાષાનો પ્રયોગ વધ્યો. મુઘલ લશ્કરમાં સામેલ ભારતીય અને મુઘલ સૈનિકોની ભાષાના સંમિશ્રણથી ઉર્દૂ ભાષાનો જન્મ થયો. ગુજરાતમાં મુસ્લિમ શાસનનાં પ્રારંભ સાથે ફારસી પણ આવી. ઉચ્ચ હોદ્દાઓ પર બિરાજમાન ગુજરાતના નાગરોએ ફારસી શીખી અને તેમાં ગ્રંથો પણ લખ્યાં. ધીમે ધીમે તેઓનો પરિચય ઉર્દૂ સાથે પણ થયો અને તેમના દ્વારા ગુજરાતીમાં ગઝલની શરૂઆત પણ થઈ. પ્રારંભમાં દયારામે રેખતાઓ લખ્યા. રેખતા એ ઉર્દૂ માટે પ્રયોજાતો શબ્દ છે.

ગઝલ લખવા માટે કુલ 19 છંદો છે: તવીલ, મદીદ, બસીત, વાફિર, કામિલ, હઝજ, રજઝ, રમલ, મુક્તઝબ, મનસરિહ, સરિહ, ખફીફ, મુજતસ, મજગરિઅ, મુતકારિબ, મુતહારિફ, કરીબ, જદીદ અને મશાકિલ. ગઝલનાં સ્વરૂપને સમજવા માટે મત્લા, મક્તા, શેર, રદીફ, કાફિયા, બહેર, ઉલા અને સાની જેવા કેટલાંક શબ્દો સમજવા જરૂરી છે. ગઝલના પ્રથમ શેરને મત્લા અને અંતિમ શેરમાં જ્યારે કવિ પોતાના નામ કે તખલ્લુસનો સમાવેશ કરે, ત્યારે તેને મક્તા કહેવાય છે. પ્રત્યેક શેરના અંત્યાનુપ્રાસ-બીજી પંક્તિના અંતિમ શબ્દથી મળતો પ્રાસ-ને રદીફ તરીકે ઓળખવામાં આવે છે. રદીફની પહેલા આવતા શબ્દથી દર બીજી પંક્તિમા જે પ્રાસ મળે છે, તે શબ્દને કાફિયા કહેવાય છે. જે છંદમાં ગઝલ લખાઈ હોય તે છંદને બહર કહેવાય છે. શેરની પ્રથમ પંક્તિને ઉલા અને દ્વિતીય પંક્તિને સાની કહેવાય છે. ગઝલમાં સામાન્યત: પાંચથી ઓગણીસની સંખ્યામાં જ શેર હોવા જોઈએ.   

દયારામ અને નર્મદે રેખતાઓ જરૂર આપ્યાં, પરંતુ, બાલાશંકર કંથારિયાએ રચનાને ર્દષ્ટિએ ઉત્તમ ગઝલો આપી. જો કે કેટલાંક સાહિત્યકારો ગુજરાતી નાટકમંડળીઓ દ્વારા નાટક માટે રચાયેલી બેતને શરૂઆતની ગઝલ ગણે છે. પણ નામ સૂચવે છે તેમ મોટાભાગની બેત બે પંક્તિની હતી, પૂર્ણ ગઝલ નહોતી. ત્યાર બાદ, કવિ કાન્તે પણ ગઝલ પ્રકાર ખેડ્યો. પણ ગઝલને જનતા સુધી પહોંચાડી કલાપીએ. બાલાશંકર કંથારિયાએ સૌપ્રથમ ગુજરાતીમાં ચૂસ્ત ગઝલો આપી. ત્યાર બાદ, મણિલાલ દ્વિવેદી, સાગર, કલાપી, કાન્તને ગઝલના નોંધપાત્ર રચયિતાઓ કહી શકાય. ગુજરાતી ભાષા પણ ગઝલ માટે સમર્થ છે એમ પોતાને વિપુલ રચનો દ્વારા સાબિત કર્યું શયદાએ. એ ગાળાનાં બીજા નોંધપાત્ર ગઝલકારો છે સાબિર મજનૂ, નસીમ અને સગીર. શયદા, શાહબાઝ, મરીઝ, શૂન્ય, સૈફ તથાં ગની દહીંવાલા જેવાં સર્જકો દ્વારા ગઝલ વધારે ખીલી અને તેમનાં અનુગામી કવિઓએ ઉત્તમ રચનાઓ દ્વારા ગુજરાતીમાં ગઝલને ઉચ્ચ દરજ્જો અપાવ્યો.

મરીઝના આગમન સાથે જ ગુજરાતીને સંપન્ન ગઝલકારોને જાણે કે એક સમૂહ મળી ગયો. જેમાં મરીઝની સાથોસાથ, શૂન્ય, સૈફ, ઘાયલ, ગની, બેફામ, પતીલ, અનિલ, ગાફિલ તથાં મકરંદ દવેનો સમાવેશ થાય છે. આ પછીની પેઢીમાં શેખાદમ આબુવાલા, આદિલ મન્સૂરી, મનહર, ચિનુ મોદી, રાજેન્દ્ર શાહ, મનોજ ખંડેરિયા ઉપરાંત, વ્રજ, જલન માતરી, કાબિલ, હરીન્દ્ર દવે, નૂરી, ઓજસ અને નઝીર ભાતરી આપણા નોંધપાત્ર ગઝલકારો છે. આ બધામાં મરીઝ ટોચ પર રહે છે.

આધુનિક ગુજરાતી ગઝલોની શરૂઆત સુરેશ જોષીથી થઈ. ઉપરાંત, શેખ ગુલામ મોહમ્મદ, અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ, પ્રાસન્નેય, લાભશંકર ઠાકર, શ્રીકાન્ત, ચિનુ મોદી, મનહર મોદી, રાવજી પટેલ, સિતાંશુ યશશ્ચંદ્ર, રાજેન્દ્ર શુક્લ, મનોજ ખંડેરિયા, રમેશ પારેખ, પ્રબોધ પરીખ, દિલીપ ઝવેરી, મણિલાલ દેસાઈ  નોંધપાત્ર પ્રદાન કરે છે. આ પછીનાં તબક્કામાં ભગવતીકુમાર શર્મા, જવાહર બક્ષી, અદમ ટંકારવી, હનીફ સાહિલ, જયેન્દ્ર શેખડીવાળા, સરૂપ ધ્રુવ, શ્યામ સાધુ, હરીશ મીનાશ્રુ, રાજેશ વ્યાસ, દિલીપ વ્યાસ, જગદીશ વ્યાસ, હરીશ ધોબી, હર્ષદ ત્રિવેદી, બાપુદાન ગઢવી, મુકુલ ચોક્સી, વિનોદ જોશી જેવા સર્જકો નોંધપાત્ર છે.

આ ઉપરાંત પણ બીજા ઘણા નામી-અનામી સર્જકો ગુજરાતી ગઝલ ક્ષેત્રે પ્રવૃત્ત છે.

                                                                                           *********

Advertisements

Comments»

1. amitpisavadiya - October 8, 2006

વાહ ,
સરસ માહિતિ આપી તમોએ
ખુબ ખુબ આભાર.

2. ગુજરાતી ગઝલનો ઇતિહાસ « કાવ્ય સૂર - October 9, 2006

[…] આ માટે અહીં ‘ક્લીક’ કરો. […]

3. વિવેક - October 10, 2006

‘ગઝલ’ એટલે તીરથી ઘવાયેલા હરણની ચીસ… આ વાત પહેલી વાર જ જાણી….થોડો હકીકતદોષ જણાય છે… ‘ગઝલ’ નહીં પણ ‘ગઝાલ’ એટલે હરણનું બચ્ચું… એ પરથી ગઝાલચશ્મી એટલે મૃગનયની…

‘ગઝલ’ એટલે ‘પ્રિયતમાને કરેલું સંબોધન’… બીજા અર્થ છે: પ્રેમની લાગણી દર્શાવવી, સ્ત્રીની સુંદરતાના વખાણ કરવા, પ્રેમયુક્ત ભાષામાં બોલવું…

… આ ઉપરાંત ગુજરાતી ગઝલના પ્રણેતા તરીકે વલી ગુજરાતી અથવા વલી દખ્ખની મનાય છે, જેઓ મારા જ શહેર સુરતના વતની હતા…

4. Jaydeep - October 10, 2006

પ્રિય વિવેકભાઈ,

આપના પ્રતિભાવો માટે આભાર. આમ તો, ‘ગઝલ’ના ઘણાં બધા અર્થો ચલણમાં છે, પરંતુ સાહિત્યકારો અને વિવેચકો ‘તીરથી ઘવાયેલા હરણની ચીસ’ને જ ‘ગઝલ’નો અર્થ માને છે.

મારી પાસે ઉપલબ્ધ માહિતી પ્રમાણે, મુહમ્મદ વલી દકનીની રચનાઓ આરંભિક ઉર્દૂ, કે જે ‘દકની’ કે ‘દખ્ખની’ તરીકે ઓળખાતી હતી, તેમાં હતી. ઉર્દૂ ભાષામાં પ્રદાન અને ઉત્ક્રાંતિની ર્દષ્ટિએ અમીર ખુસરો પછી મુહમ્મદ વલી દકનીનું નામ લેવામાં આવે છે. વલી દકનીની પ્રારંભિક રચનાઓ મારી પાસે અમદાવાદમાં ઉપલબ્ધ છે, જે અનુકૂળતાએ આપને મોકલીશ.  વધારે માહિતી તો હું અમદાવાદ જઈને જ આપી શકીશ.
–જયદીપ.

5. manvant - October 12, 2006

મને છંદ વિશે થોડું જ્ઞાન છે : પણ ગઝલ અંગે આજે ખૂબ વિસ્તૃત અને
ઉપયોગી માહિતી 77મા વર્ષે મળી….આભાર જયદીપભાઈ ને ઈશનો !
ખૂબ જ આનંદ થયો.ભાઈશ્રી વિવેકભાઈને સમજ્વામાં હવે થોડી રાહત થશે !

6. વિવેક - October 12, 2006

પ્રિય જયદીપભાઈ,

વલી ગુજરાતી વિશેની વાત આપની કદાચ સાચી છે.

બહેરામ મલબારી નામના પારસીએ ‘નીતિ અને વિનોદ’ નામના પુસ્તકમાં 1870ની સાલમાં થોડી ગઝલો લખેલી જોવા મળે છે. એ પહેલાંની ગઝલો ક્યાંય પ્રાપ્ય નથી.. ‘લગાગાગા’ના ચાર આવર્તનમાં લખાયેલી વ્યવસ્થિત ગઝલો આ પુસ્તકમાં જોવા મળે છે. એને કદાચ પ્રથમ ગુજરાતી ગઝલ કહી શકાય. એ પહેલાં 1845ની સાલમાં મુહમ્મદ કાસિફની ગુજરાતી ગઝલોનું પુસ્તક પ્રસિદ્ધ થયાની માહિતી છે પણ એ પુસ્તક અપ્રાપ્ય હોવાથી વધુ કહી શકાય એમ નથી.

ઉર્દૂ ગઝલોમાં વર્ષો સુધી વલી દખનીને પ્રથમ શાયર માનવામાં આવ્યા હતાં. પણ ઈ.સ.
1580માં ગોલકોંડાના રાજા કુલી કુતુબસાહે પ્રથમ ઉર્દૂ ગઝલો લખી હોવાનું પણ મનાય છે. અમીર ખુશરો પણ સર્વપ્રથમ ઉર્દૂ શાયરોની હરીફાઈમાં આગળ પડતું નામ ધરાવે છે.

રઈશ મનીઆરનું ગઝલના ઈતિહાસ ઉપરનું પુસ્તક થોડા સમયમાં પ્રસિદ્ધ થનાર છે, જે આ વિષય પર વધુ પ્રકાશ પાડી શક્શે…

‘ગઝલ’ શબ્દના અર્થ વિશે મારે ફરીથી એટલું જ જણાવવાનું કે મકરંદ દવે-અમૃત ઘાયલના પુસ્તક ‘છીપનો ચહેરો ગઝલ’, ઉર્દૂ સાહિત્ય અકાદમી દ્વારા પ્રકાશિત ‘ઉર્દૂ-ગુજરાતી શબ્દ કોશ’ તથા મારી પાસે ઉપલબ્ધ ગઝલ વિષયક તમામ ગુજરાતી અને હિન્દી પુસ્તકો ( ગઝલ-સંવિધા(હિન્દી), ‘ગઝલ-સ્વરૂપ અને વિચાર’- હરિશ વટાવવાલા)માં ‘ગઝલ’ શબ્દનો પ્રચલિત અર્થ ‘પ્રિયતમાને સંબોધન’ જ લખવામાં આવ્યો છે. શરૂઆતની મોટાભાગની ગઝલોમાં એટલે જ તમને આશૂક-માશૂકની જ વાતો પણ જોવા મળશે… આપના સંદર્ભગ્રંથોનો ઉલ્લેખ કરશો તો જ્ઞાનમાં અભિવૃદ્ધિ થશે…

7. Jaydeep - October 12, 2006

પ્રિય વિવેકભાઈ,
ફક્ત જયદીપ લખશો તો મને ગમશે.
ઉર્દૂનો જન્મ અને પ્રારંભિક વિકાસ ડૅક્ક્ન કે દખ્ખણમાં જ થયો હતો. ગોલકોન્ડા અને બિજાપુરના શાસકો દ્વારા ઉર્દૂના શાયરોને પ્રોત્સાહન સાંપડતુ હતું. જ્યારે તે સમયે ઉત્તર ભારતમાં વ્રજ ભાષા તથા ફારસીનું મહત્વ સાહિત્યીક ર્દષ્ટિએ વધારે હતું. કુલી કુતુબશાહે પણ ગઝલોની રચના કરી હોવાનું મનાય છે. ‘પિયા બાજ પ્યાલા, પીયા જાયે ના’ કુલી કુતુબશાહની હોવાનું જ મનાય છે. પરંતુ, સંરચના અને સ્વરૂપની ર્દષ્ટિએ વલી દકની જ ઉર્દૂમાં પ્રથમ મનાય છે. તેમનાં ઉપરાંત વજહી, હાશમી અને નુસરતી પણ જાણીતા શાયરો હતાં. તેમાં સૌથી ધ્યાનાકર્ષક વલી દકની જ હતાં. તેમ્અનો જન્મ ઈ. સ. 1667માં ઔરંગાબાદ ખાતે થયો હતો. તેમની ઈ.સ. 1700ની દિલ્હીની મુલાકાત ઐતિહાસિક સાબિત થઈ, અને તેમની ઉર્દૂ રચનાઓ દિલ્હીના ફારસી શાયરોનો આદર-સત્કાર પામી. આ મુલાકાતના પરિણામે, ઉત્તર અને દ્ખ્ખ્ણની સાહિત્યીક ધારાનું સંમિલન થયું અને આ પછી ઉત્તરમાં પણ ઉર્દૂ ગઝલોની વિકાસ અને પ્રસાર ઝડપથી થયાં. હા, વલી દકની ઈ.સ. 1707માં અમદાવાદ આવ્યાં અને તે જ વર્ષે ત્યાં જ તેમનું અવસાન થયું અને તેમને અમદાવાદમાં જ દફનાવાયા.
હવે ‘ગઝલ’ શબ્દના અર્થની વાત કરીએ તો, ખ્યાતનામ શાયર આગા શાહિદ અલી પ્રમાણે, ‘અરેબિકમાં, શિકારનો ભોગ બનેલાં હરણને ખાતરી થઈ જાય કે હવે તેનો અંત નજીક અને નક્કી છે, ત્યારે નીકળતી ચીસ એટલે ગઝલ. સર્જક અને સર્જન એટલે કે શાયર અને ગઝલ બન્નેમાંથી કોઈ એક શિકારી અને એક શિકારના ભાવમાં હોય છે, અને આ ભાવ કે રૉલ ગઝલ પૂર્ણ થાય ત્યાં સુધી જારી રહે છે. ઉપરાંત, અરેબિકમાં જ ‘ગઝલ’ ના અન્ય અર્થોમાં ‘પ્રિયતમા સાથે ગૂફ્તગુ’ નો ચોક્ક્સ સમાવેશ થાય છે.
‘ગુજરાતીમાં ગઝલ’ ના પ્રારંભમાં જ લખ્યું છે કે આ મારી ગઝલ વિષેની વ્યાપક નોંધનો એક ભાગ છે. મેં ગુજરાત વિદ્યાપીઠ, અમદાવાદનાં ખૂબ જ પુરાણા ને વિરલ પુસ્તકોને મદદ લીધી છે. એમાનાં લગભગ બધાં જ પુસ્તકો અત્યારે બહાર ઉપલબ્ધ નથી. ઉપરાંત, ઘણાં બધાં અંગ્રેજી પુસ્તકોની મદદ પણ લીધી છે.
મને ગઝલનો રંગ ગુજરાતી સાહિત્યના રંગ કરતા ઘણો વહેલો લાગ્યો છે. આ માટે 1985માં જેતપુરમાં મેં સૈયદ સલાહુદ્દીન કાદરી પાસેથી ઉર્દૂ શીખી. અત્યારે હું પવિત્ર કુરાનનો ગેય ગુજરાતીમાં અનુવાદ કરવાનો પ્રયત્ન કરી રહ્યો છું. કાચો ડ્રાફ્ટ છે અને હજું નિષ્ણાંત મૌલવીનો અભિપ્રાય બાકી છે, એટલે અહીં મુકતો નથી. જો આપ મદદ કરી શકો તો આનંદ થશે અને આભારી રહીશ.
આપે દાખવેલ રસ-રુચિથી અતિશય આનંદ થયો.
-જયદીપ.


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: