jump to navigation

માગ્યા વગર મળે November 30, 2006

Posted by Jaydeep in ગઝલો.
1 comment so far

લજ્જત મળે તો એવી કે આઠે પ્રહર મળે,
હર દર્દની છે માગણી, મારું જીગર મળે.

આંખોની જિદ કે અશ્રુ નિરાધાર થઈ જશે,
અશ્રુની જિદ કે તેમના પાલવમાં ઘર મળે.

મારી નજરને જોઈને દુનિયા ફરી ગઈ,
દુનિયા ફરી વળે જો તમારી નજર મળે.

ભટકી રહ્યો છું તેથી મોહબ્બતના રાહ પર,
પગથીઓ આવનારને આ પંથ પર મળે.

ઓછી નથી જીવનને કટુતા મળી છતાં,
હર ઝેર પચતું જાય છે જે પ્રેમ પર મળે.

અલ્લાહના કસમ કે એ રહેમત ગુનાહ છે,
રહેમત કદી ન લઉં જો ગુનાહો વગર મળે.

મંજિલ મળી જશે તો ન રહેશે કશું પછી,
મુજને સતત પ્રવાસ એ ઠોકર વગર મળે.

ઈચ્છાઓ કેટલી મને ઈચ્છા વગર મળી,
કોણે કહ્યું ‘અમીન’ ન માગ્યા વગર મળે.

                                                   –‘અમીન’ આઝાદ
                            *********

Advertisements

હિન્દુ ધર્મ: કેટલીક વિભાવનાઓ November 28, 2006

Posted by Jaydeep in પ્રકીર્ણ.
add a comment

સાંપ્રત સમયમાં હિન્દુ ધર્મ અને તેની વ્યાખ્યા વગેરે વિષે ઈચ્છનીય અને અનિચ્છનીય ચર્ચાઓ થઈ રહી છે, ત્યારે હિન્દુ ધર્મની કેટલીક અવધારણાઓ ઉપર મનન કરવું રસપ્રદ થઈ પડશે. સર્વવિદીત છે કે, હિન્દુ ધર્મ એ વિશ્વનો પ્રાચીનતમ ધર્મ છે કે જેના મૂળિયાં ઈતિહાસના આરંભ સાથે જોડાયેલા છે. હિન્દુ ધર્મ અદ્વિતીય છે, કારણ કે તે કોઈ એક જ ધર્મગ્રંથ, વ્યક્તિ, સમય કે સ્થળ સાથે જોડાયેલ નથી. આ કારણોસર હિન્દુ ધર્મમાં એક નોંધપાત્ર અંતર્નિહિત બહુમતૈકય રહ્યું, જેથી યુગ-યુગાંતરમાં હિન્દુ ધર્મમાં દાર્શનિક, ધાર્મિક અને સામાજિક વિભાવનાઓના વિવિધ પરિમાણોનો સમાવેશ થયો. આજ કારણે વિવિધ પડકારો અને પરિવર્તનો હોવા છતાયે હિન્દુ ધર્મ નિરંતર પ્રગતિશીલ રહ્યો છે.

વેદિક કાળથી માંડીને આજ દિન સુધી, હિન્દુ ધર્મના ફલકને શ્રેણીબદ્ધ પડકારો અને ઋષિમુનિઓથી માંડીને આધુનિક સમાજ સુધારકો દ્વારા તેને મળેલા રચનાત્મક પ્રતિભાવોથી ભરપૂર જોઈ શકાય છે. આધુનિક સમયના મહાન સમાજ સુધારકોમાં રાજા રામમનોહર રાય, દેવેન્દ્રનાથ ટાગોર, કેશવચંદ્ર સેન, ઇશ્વરચન્દ્ર વિદ્યાસાગર, આર. જી. ભાંડારકર, મહાદેવ ગોવિંદ રાનડે, સ્વામી દયાનંદ સરસ્વતી તથા મહાન આધ્યાત્મિક ધૂરંધરો જેવા કે, શ્રી રામકૃષ્ણ પરમહંસ, સ્વામી વિવેકાનંદ, શ્રી અરવિંદ અને શ્રી રમણ મહર્ષિનો સમાવેશ કરી શકાય. ગાંધીજી પણ, માત્ર રાજકીય જ નહીં, એક મહાન સમાજ સુધારક પણ હતાં. આ બધા મહાપુરુષોએ હિન્દુ ધર્મ ફરતે વ્યાપેલી અંધશ્રદ્ધા, કુરિવાજોને મહદ અંશે દૂર કરી અને એની આભાને ઉજ્જ્વલિત કરી.

આ બધી વૈચારિક શાખાઓ-પ્રશાખાઓ આપણને વિવિધ વિચારો અને દ્રષ્ટિકોણ તરફ દોરી જાય છે, પરંતુ, અહીં સૂચક બાબત એ છે કે, જે મુખ્ય સિદ્ધાંતો પર હિન્દુ ધર્મ કેન્દ્રિત છે, તે છે ઉપનિષદના સિદ્ધાંતો. માત્ર ભારતીય જ નહીં, વૈશ્વિક ફિલસૂફી પર પણ ઉપનિષદની અમીટ છાપ છે. ઉપનિષદના સંવાદોમાં માનવજાતને સ્પર્શતા બૃહદ મુદ્દાઓની ચર્ચા જોવા મળે છે. જેમ જેમ માનવજાત વૈશ્વિક સમાજ બની રહ્યો છે તેમ તેમ ઉપનિષદીય સંવાદો, સિદ્ધાંતોનું મહત્વ તથા સંબધ્ધતા વધતી રહી છે. ઉપનિષદોમાં જોવા મળતી મહત્વની વિભાવનાઓમાંથી પાંચ વિષે થોડું વધારે જાણીએ:

પ્રથમ અને સૌથી મહત્વની વિભાવના છે સર્વવ્યાપ્ત ‘બ્રહ્મ’ની.
‘ॐ ईशा वास्यमिदं सर्वं यत्किन्च जगत्यां जगत…’ જગતમાં જે કંઈ અસ્તિત્વમાન છે અને જ્યાં પણ અસ્તિત્વમાન છે તે સર્વમાં ઈશ્વર (દૈવી પ્રભાવ) વિદ્યમાન છે, નિહીત છે. તાત્વિક રીતે ઈશ્વર, વિશ્વ, પાર્થિવ અને અપાર્થિવ વચ્ચે અર્થગ્રહણની ર્દષ્ટિએ આ સૌથી મહત્વની બાબત છે. ઉપનિષદોની ર્દષ્ટિએ, અંતિમ પૃથક્કરણમાં એ સાબિત થાય છે કે, જે કંઈ અસ્તિત્વમાન છે તે સઘળું દીવ્ય ઉર્જાનું જ મૂર્ત સ્વરૂપ છે. આધુનિક વિજ્ઞાન પણ આ જ વાત પ્રતિપાદીત કરે છે. ન્યૂટન અને કાર્તેઝિયન-માર્ક્સના શાસ્ત્રીય વિજ્ઞાન કરતાં ઉલટું, પશ્ચાત-આઈન્સ્ટાઈન વિજ્ઞાન ઉર્જા અને દ્રવ્ય બન્નેને– એક જ ઉર્જાના બે ભિન્ન ભિન્ન સ્વરૂપો જ માને છે. હાલમાં વૈજ્ઞાનિકો જેને તપાસી રહ્યાં છે એ Unified Field Theory-એ ઉપનિષદના સર્વવ્યાપી ‘બ્રહ્મ’ સિધ્ધાંતનું જ પ્રતિરૂપ છે.

દ્વિતીય વિભાવના અનુસાર, સર્વવ્યાપી ‘બ્રહ્મ’ નો અંશ, એટલે કે ‘આત્મન’ કે ‘આત્મા’ . ‘આત્મા’ પ્રત્યેક વૈયક્તિક ચૈતન્યમાં જરૂર વ્યાપ્ત છે, પરંતુ તે ‘બ્રહ્મ’થી અલગ નથી. ઉપનિષદમાં આપેલા એક ઉદાહરણ અનુસાર, જ્યારે કોઈ વિશાળ અગ્નિ પ્રગટે છે ત્યારે એમાંથી અસંખ્ય તણખાઓ ઉઠે છે. બધાં તણખાઓ આખરે એ અગ્નિમાં જ સમાય જાય છે. એ જ રીતે, ‘આત્મા’ એ ‘બ્રહ્મ’માંથી જ ઉદભવે છે, અને અંતે એમાં જ વિલીન થાય છે.

‘इश्वर सर्वभुतानां …’ ઈશ્વર દરેકનાં હૃદયમાં પ્રતિષ્ઠીત છે’-ઉપનિષદોની આ અંત:ર્દષ્ટિ છે. આત્મા અને બ્રહ્મ વચ્ચેનો સંબંધ એ એક એવી ધરી છે કે જેની આસપાસ વેદાંતનું સાર સર્વસ્વ રહેલું છે. ‘યોગ’નું ધ્યેય આત્મા અને બ્રહ્મ વચ્ચે સાયુજ્ય રચવાનું છે. ‘યોગ’ શબ્દનો અર્થ છે ‘જોડવું’, જે આત્મા અને બ્રહ્મને જોડે છે. હિંદુ પરંપરાનુસાર, આ યોગ માટેના ચાર મુખ્ય માર્ગ છે: જ્ઞાનયોગ, ભક્તિયોગ, કર્મયોગ અને રાજયોગ. પ્રત્યેક યોગનું અંતિમ લક્ષ્ય છે, અંત:ર્નિહીત આત્માને સર્વવ્યાપી બ્રહ્મ સાથે જોડવું. આમાંથી ઉદભવે છે, અન્ય એક ઉપનિષદીય વિભાવના, જે કહે છે કે, તમામ મનુષ્યો અભિન્ન આધ્યાત્મિકતાના પરિણામ સ્વરૂપ, એક બૃહદ પરિવારના જ સભ્યો છે. ઉપનિષદે મનુષ્ય જાતિ માટે એક અત્યંત સુંદર શબ્દસમૂહ પ્રયોજ્યો છે: ‘अमृतस्य पुत्र:’ એટલે કે અમરત્વના બાળકો. કારણ કે, દરેક મનુષ્ય ધર્મ, જાતિ, નાત, જાત એવા કોઈ પણ પ્રકારના ભેદભાવ વિના સર્વવ્યાપ્ત એવા ‘બ્રહ્મ’ના અંશરૂપ ઉર્જાનું વહન કરે છે. જે રચે છે ‘वसुधैव कुटुम्बकम’. ભારતની સંસદના 11 નંબરના દરવાજા ઉપર કોતરવામાં આવ્યું છે: ‘वसुधैव कुटुम्बकम’. આપણે સાક્ષી જ છીએ કે, આજે વિજ્ઞાન અને ટેકનોલોજીના બહુમુખી વિકાસને પરિણામે આજે સમગ્ર વિશ્વ એક નાના ગામડાં જેવું (Global Village) બની ગયું છે.

તમામ ધર્મોની, સંપ્રદાયોની એકતા એ ઉપનિષદની એક અન્ય ઉત્તમ વિભાવના છે. ઋગ્વેદ કહે છે: ‘एकम सद, विप्रा बहुधा वदन्ति’-સત્ય એક જ છે, જ્ઞાનીઓ એને વિવિધ નામે ઓળખે છે,. મુંડકોપનિષદમાં એક સુંદર શ્લોક છે, જે કહે છે: ‘જલપ્રવાહો અને ઝરણાંઓ વિશ્વના જુદા જુદા ભાગોમાંથી નીકળે છે, જુદી જુદી દિશાઓમાં વહે છે, પરંતુ અંતે તેઓ એક જ મહાસાગરમાં વિલીન થાય છે’. તે જ રીતે, જુદા જુદા ધર્મો અને સંપ્રદાયો જુદા જુદા સમયે વિશ્વના જુદા જુદા ભાગોમાં પ્રગટ થયાં, પરંતુ, તમામનું અંતિમ લક્ષ્ય –અંતિમ લક્ષ્યને પામવાનું-એક જ છે. તમામ ધર્મ, સંપ્રદાયોના અનુયાયીઓને એક અર્થપૂર્ણ સંવાદ સાધવા માટે ઉપનિષદ આહવાન આપે છે, જેથી જુદા જુદા ધર્મોના અનુયાયીઓ વચ્ચે દ્વૈષ અને કટ્ટરતા પેદા ન થાય.

ઉપનિષદ દરેક મનુષ્ય દ્વારા પોતપોતાની રીતે પોતપોતાનો માર્ગ શોધી અંતિમ અને દીવ્ય સત્યને પામવા માટેની અનંત સંભાવનાઓને સ્વીકારે છે અને એ રીતે, વિવિધ ધર્મો, સંપ્રદાયોને આવકારે છે, સ્વીકારે છે. એક વિશાળ પર્વતની કલ્પના કરો. તેના શિખરે પહોંચવાના અનેક માર્ગો હોઈ શકે છે. તળેટીમાં ઉભા રહીને એકબીજા વિરુદ્ધ વાદવિવાદ કરીશું તો એકબીજાને જોજનો દૂર અનુભવીશું. પણ જો એને અવગણીને ઉર્ધ્વપ્રયાણ આદરીશું તો ચઢાઈની સાથોસાથ જોઈશું કે જુદા જુદા માર્ગો એક્બીજની નિકટ આવતા જાય છે… અને અંતે, બધં જ માર્ગો શિખરમાં વિલીન થાય છે. આજ રીતે, વેદ-ઉપનિષદના ઋષિઓ-મનીષીઓ, ખ્રિસ્તી રહસ્યવાદીઓ, ઈસ્લામના પયગંબરો, સૂફીસંતો—સર્વવ્યાપ્ત દીવ્ય પ્રકાશને પામવાની જ હિમાયત કરે છે.

‘बहुजन सुखाय, बहुजन हिताय च:’ –ફક્ત મનુષ્યજાતિની જ નહીં, જીવમાત્રના કલ્યાણની કામના, એ ઉપનિષદની પાંચમી મહત્વની વિભાવના છે. આપણે અજ્ઞાનવશ, ઘમંડવશ હવા, જળ, કુદરત, વન્યજીવન-બધાંને પ્રદુષિત કરી મૂક્યા છે. પરંતુ, ઉપનિષદ અનુસાર, મનુષ્યે જીવમાત્ર પ્રત્યે કરુણા દાખવવી જોઈએ. ઉપનિષદ સતત ટકોર કરે છે કે, आत्माना मोक्षार्थम, जगत हिताय च:-સ્વના મોક્ષ માટે જરૂર પ્રયત્ન કરો, પરંતુ જે સમાજ, વાતાવરણમાં જીવો છો તેનું કલ્યાણ પણ ઈચ્છો અને કરો.
સમગ્રતયા, આ પાંચ વિભાવનાઓ એક એવો વૈશ્વિક ર્દષ્ટિકોણ આપે છે, કે જેની સાંપ્રત સમયમા અત્યંત આવશ્યકતા છે. આ સિદ્ધાંતો એટલા તો વ્યાપક છે કે, તેનું સંકુચિત અર્થઘટન ક્યારેય ન થઈ શકે. એનું સંકુચિત અર્થઘટન એટલે એ મહાન ફિલસૂફીને અન્યાય કરવો. વ્યાખ્યાની ર્દષ્ટિએ, હિંદુ ધર્મના મહાન સિદ્ધાંતો અનુસાર જીવતો માનવી અન્ય ધર્મો પ્રત્યે દુર્ભાવ ક્યારેય ન રાખી શકે…અસ્તુ.

કમ્મર કસી છે ! November 25, 2006

Posted by Jaydeep in ગઝલો.
1 comment so far

ચલો આજ ભૈયા, ઉઠાવી લો લંગર, સમંદરની અંદર ઝુકાવી દો કિસ્તી;
સલામત કિનારાના ભયને તજી દો, તુફાનોને કહી દો કે કમ્મર કસી છે.

મુહબ્બતની અડિયલ એ વાતો જવાદો, મુહબ્બતનાં દમિયલ એ ગીતો જવાદો;
જગતને જગાડી દો એ રીતથી કે, ક્લેવરને કણેકણ જુવાની વસી છે.

અમારા ચમનમાં સુમન ખીલતાં ના, રખેવાળી કંટકની હરદમ કરી છે;
અમે તો પડ્યાં પાનખરને પનારે, નકામી નકામી વસંતો હસી છે.

અમારે નથી ચાંદની સાથે નિસ્બત, અમારે રુકાવટ વિના ચાલવું છે;
અમારી યાત્રા સળગતી ધરા પર, દિવસભર જે સૂરજની લૂથી રસી છે.

અમે સિંધુડાને સૂરે ઘૂમનાર ! અમે શંખનાદો કરી ઝૂઝનારા;
મધુરી ન છેડો એ બંસીની તાનો, અમોને એ નાગણની માફક ડસી છે.

હસીનોને હાથે ન અમૃત પાશો, અમોને ખપે ના મુલાયમ નશો એ;
અમે કાલકૂટોને ઘોળીને પીશું, અમારી યે શક્તિઓ શંકર જ શી છે.

અમે દુ:ખ ને દર્દ કાતિલ સહ્યાં છે, ભરી આહ ઠંડી ને નિશ્વાસ ઊના;
જીવનમાં હતી કાલ જો ગમની રેખા, મરણ સામને આજ મુખ પર હંસી છે.
                                                 તુફાનોને કહી દો કે કમ્મર કસી છે !

                                                                    -મધુકર રાંદેરિયા

એકલો જાને રે ! November 24, 2006

Posted by Jaydeep in પ્રકીર્ણ.
4 comments

કવિવર રવીન્દ્રનાથ ટાગોરના વિખ્યાત કાવ્યનો મહાદેવભાઈ દેસાઈએ કરેલો અનુવાદ:

તારી જો હાક સુણી કોઈ ના આવે, તો એકલો જાને રે !
એકલો જા ને, એકલો જા ને, એકલો જા ને રે !

જો સૌનાં મોં સીવાઈ
ઓ રે ઓ રે ઓ અભાગી ! સૌનાં મોં સીવાઈ;
જ્યારે સૌએ બેસે મોં ફેરવી, સૌએ ડરી જાય;
ત્યારે હૈયું ખોલી, અરે તું મન મૂકી,
તારા મનનું ગાણું એકલો ગા ને રે !

જો સૌએ પાછાં જાય
ઓ રે ઓ રે ઓ અભાગી ! સૌએ પાછાં જાય;
ત્યારે કાંટા રાને તારે લોહી નીગળતે ચરણે,
ભાઈ એકલો ધા ને રે !

જ્યારે દીવો ન ધરે કોઈ,
ઓ રે ઓ રે ઓ અભાગી ! દીવો ન ધરે કોઈ,
જ્યારે ઘનઘેરી તુફાની રાતે, બાર વાસે તને જોઈ;
ત્યારે આભની વીજે, તું સળગી જઈને,
સૌનો દીવો એકલો થા ને રે !

                                         –મહાદેવભાઈ દેસાઈ

                       **********

નહોતી… November 23, 2006

Posted by Jaydeep in ગઝલો.
20 comments

ગલતફહેમી ન કરજે, ઐશ માટે મયકશી નહોતી;
મને પણ શેખ! તારી જેમ આ દુનિયા ગમી નહોતી.

ખબર શું કે ખુદા પણ જન્મ આપી છેતરી લેશે?
જીવ્યો ત્યારે જ જાણ્યું કે એ સાચી જિંદગી નહોતી.

નથી એ દોષ તારો કે મળ્યાં છે, ઝાંઝવા, સાકી!
પીવા હું ત્યાં ગયો કે જ્યાં ઘટા કોઈ ચડી નહોતી.

બહુ કપરા દિવસ વીત્યા હતા તારી જુદાઈમાં;
કે નહોતી રાત જુલ્ફોની વદનની ચાંદની નહોતી!

મિલનની ઝંખના તો જો! કે તારી શોધ કરવામાં,
લીધી છે રાહ એવી પણ કે જે તારી ગલી નહોતી!

વિતાવી મેં વિરહની રાત એનાં સ્વપ્ન જોઈને;
કરું શું? મારી પાસે એક પણ એની છબી નહોતી.

મહોબ્બતમાં કશું ફળ ના મળ્યું; નિર્દોષતા તો જો!
રહી એ એવી જન્નત જ્યાં દખલ શયતાનની નહોતી.

હતી એક મુફલિસી પણ દોસ્ત, પડદામાં મહોબ્બતનાં,
હતાં ફાટેલ વસ્ત્રો, એ ફક્ત દીવાનગી નહોતી.

જે મારા પર દયા કરતા હતા, નહોતી ખબર એને,
કે એક અલ્લાહ વિના મારે જગતમાં કંઈ કમી નહોતી.

ન દો ઉપચારકોને દોષ મારા મોતને માટે,
એ કુરબાની હતી મારી, એ મારી માંદગી નહોતી.

રડ્યા ‘બેફામ’ સૌ મારા મરણ પર એ જ કારણથી,
હતો મારો જ એ અવસર ને મારી હાજરી નહોતી.

                                                  –બરકત વીરાણી ‘બેફામ’
                             *********

બળે છે November 22, 2006

Posted by Jaydeep in ગઝલો.
1 comment so far

આંખોથી વહે છે ધારા, તો યે જિગર બળે છે,
ચોમાસે ભરપૂરે, આકાશનું ઘર બળે છે.

તેજસ્વી ઘર જોશે શું કોઈ તે સનમનું?
જેની ગલીમાં ઊડતાં પંખીના પર બળે છે!

ફુર્કતની આગ દાબું, તો ભસ્મ થાય હૈયું;
ફિર્યાદ કરું છું તો જિહવાઅધર બળે છે!

મૃત છું તો ય જીવું, માશૂક અમૃત પાયે,
વર્ના તમાશો જોશે કે કેમ નર બળે છે!

                                                –અમૃત કે. નાયક

આ ગઝલનો પ્રથમ શે’ર નીચેના ઉર્દૂ શે’ર સાથે સરખાવો:

अश्क आंखोंसे रवां और जिगर जलता है,

क्या क़यामत है के बरखामें घर जलता है…

નિદ્રાધીન થઈ જા… November 20, 2006

Posted by Jaydeep in પ્રકીર્ણ.
3 comments

નિદ્રાધીન થઈ જા,
મારા પ્રિય બાળ !

સમગ્ર સૃષ્ટિ પર ગહન અંધકાર છવાઈ ગયો છે,
બાગમાં ઉડતી મધુમાખીઓ શાંત થઈ ગઈ છે,
સરોવરની માછલીઓ પણ જંપી ગઈ છે,
ચંદ્ર મધ્યાકાશે આવી પહોંચ્યો છે અને,
ખુલ્લી બારીએથી તને તાકી રહ્યો છે…

ઉજ્જ્વળ ભવિષ્યના કોઈ સુંદર સપનામાં ગૂંથાઈ જા,
નિદ્રાધીન થઈ જા, મારા પ્યારા ખજાના…

ગહન નિદ્રામાં ડૂબી જા, ડૂબી જા, ડૂબી જા…

(લિથુઍનિયન મિત્ર ક્રિસ્ટીના યક્સ્તોનિતૅએ કહેલી લિથુઍનિયન કવિતાનો ભાવાનુવાદ)

kristute

तुमको इससे क्या… November 15, 2006

Posted by Jaydeep in परवीन शाकिर.
2 comments

टूटी है मेरी नींद, मगर तुमको इससे क्या,
बजते रहे हवाओसे दर, तुमको इससे क्या.

तुम मौज मौज मिस्ले-सबा घूमते रहो,
कट जाये मेरी सोच के पर, तुमको इससे क्या.

औरो का हाथ थामो, उन्हें रास्ता दिखाओ,
मैं भूल जाउं अपना ही घर, तुमको इससे क्या.

अब्रे-गुरेज़-पा को बरसने से क्या गरज़,
सीपीमें बन न पाये गुहर, तुमको इससे क्या.

ले जाये मुझको माले-ग़नीमत के साथ उदू,
तुमने तो डाल दी है सिपर, तुमको इससे क्या.

तुमने तो थक के दश्तमें खेमे लगा लिए,
तन्हां कटे किसीका सफर, तुमको इससे क्या.
-परवीन शाकिर
*********************

मिस्ले-सबा: હવાની લહેરખીઓ
अब्रे-गुरेज़-पा:વરસાદી વાદળાઓ
सीपी:છીપ
गुहर:મોતી
उदू: હરીફ, દુશ્મન
सिपर: ઢાલ

કશ્મીરના સૂફી સંતો November 12, 2006

Posted by Jaydeep in કશ્મીર ડાયરી.
4 comments

કશ્મીરની સંસ્કૃતિ તથા પરંપરા પર સૂફી ફિલસૂફીની ગાઢ અસર રહી છે. ઈરાન અને મધ્ય એશિયાના ફિલસૂફો દ્વારા અહીં સૂફી પરંપરાના પગરણ થયા. સ્થાનિક લોકો તો કહે છે કે, પહેલાં જ્યારે ઝઘડો થતો ત્યારે કાંગડી એ સૌથી મોટું ‘હથિયાર’ હતું. એટલે જ તો, કશ્મીરમાં ક્યારેય હિંદુ-મુસ્લિમ રમખાણો થયા નથી. શાહ, ભટ, પંડિત, બઝાઝ, કૌલ, ચલ્લૂ, હન્ડૂ, લાલા, જાલા, ખાન, મલ્લા, કલ્લા, મચામા, મુન્શી, થપલૂ, રેષિ વગેરે જેવી અટકો કશ્મીરી પંડિતો અને મુસ્લિમો બંનેમાં જોવા મળે છે. ત્રાસવાદ તો બહુ પાછળથી આવ્યો. (અત્યારે તો એકે-47ની બોલબાલા છે. ઘણાં કહે છે કે, કોઈ પણ પ્રકારના હથિયારો શ્રીનગરમાં સહેલાઈથી પ્રાપ્ય છે. સાદી હૅન્ડગ્રેનેડને અહીં ‘આલૂ’ તરીકે ઓળખવામાં આવે છે. ઉપરાંત, હમણાં હમણાંથી ચાઈનીઝ બનાવટની આકારમાં ચોરસ અને વધુ ઘાતક એવી ગ્રેનેડ પણ આવી પહોંચી છે…)

12મી સદીમાં બુલબુલ શાહ ઈરાનથી કશ્મીર આવ્યા હતા. તેમની મઝાર શ્રીનગરના આલી કદલ વિસ્તારમાં મોજૂદ છે. એને કશ્મીરમાં ઈસ્લામના પગરણની શરૂઆત માની શકાય. 1314માં ઈરાનના હમદાનમાં જન્મેલા વિદ્વાન સૈયદ અલી હમદાની ઈ.સ. 1372માં પ્રથમ વાર કશ્મીર આવ્યા હતા. 1379માં બીજી વાર અને 1383માં ત્રીજી વાર તેમણે કશ્મીરની મુલાકાત લીધી હતી. એ સમયે હિન્દુ ધર્મના અગત્યના સ્થળો જેવા કે અવંતિપુર અને મટનમાં તેઓ ઈસ્લામના અનુયાયીઓને મુકતા ગયા હતા. સૈયદ અલી હમદાનીની મઝાર પણ આલી કદલ વિસ્તારમાં જ આવેલી છે. આમ, ‘શાહ-એ-હમાદાન’ સૈયદ અલી હમદાનીની મુલાકાતો બાદ કશ્મીરમાં ઈસ્લામના પ્રસારની પ્રક્રિયાને બળ મળ્યુ હતું. સૈયદ અલી હમદાની બાદ તેમનું કાર્ય તેમના પુત્ર સૈયદ મુહમ્મદ હમદાનીએ આગળ ધપાવ્યું. જો કે તેમનો અભિગમ વધારે આક્રમક હતો.

આ પછી થયેલા સ્થાનિક કશ્મીરી સૂફી-ઋષિઓ એકદમ ઉદાર અને સહિષ્ણુ હતાં. આ પરંપરામાં લલ્લેશ્વરી (લાલ દેદ) અને શેખ નૂરૂદ્દીન (નંદ ઋષિ) મુખ્ય છે. લલ્લેશ્વરીનો જન્મ 1317માં શ્રીનગરની ભાગોળે આવેલા પમ્પોરમાં થયો હતો. આ પમ્પોરમાં જ જગવિખ્યાત કશ્મીરી કેસરની ખેતી થાય છે. લલ્લેશ્વરી સુખી કુટુંબનું સંતાન હતી, પરંતુ લગ્ન બાદ સાસરિયામાં દુ:ખી થતાં તેમણે ગૃહત્યાગ કર્યો હતો. ત્યારબાદ, એ જંગલોમાં ભટકતા અને ક્યારેક તો તેમના શરીર પર પૂરતાં કપડાં પણ ન રહેતા. પરંતુ, લલ્લેશ્વરીના મુખમાંથી નીકળતો દરેક શબ્દ મંત્ર બની જતો. લલ્લેશ્વરી પાસે ગૂઢ ભાષામાં, થોડા શબ્દોમાં ઘણું બધું કહી દેવાની અદભૂત શક્તિ હતી.

શેખ નૂરૂદ્દીન (નંદ ઋષિ)નો જન્મ 1378 આસપાસ થયો હતો. એવું કહેવાય છે કે, જન્મ બાદ શેખ નૂરૂદ્દીન સ્તનપાન કરતા નહોતા. એટલામાં ત્યાં લલ્લેશ્વરી આવી ચડતાં તેમણે સૂફિયાના અંદાજમાં કહ્યું, ‘યલિ ન ઝેન્ય મંદછોખ, ચેનઅ ક્યાઝિ છૂખ મંદછાન’, અર્થાત, ‘જનમ લેતી વખતે શરમ ન આવી અને હવે સ્તનપાન કરવામાં શેની શરમ આવે છે?’. બસ, તુરંત જ શેખ નૂરૂદ્દીને સ્તનપાન શરૂ કરી દીધું હતું. શેખ નૂરૂદ્દીનના ભાઈઓ ચોરી કરતા હતા. શરૂઆતમાં શેખ નૂરૂદ્દીન પણ ચોરીના રવાડે ચડ્યા હતા. પરંતુ, એ પવિત્ર આત્માએ જલ્દીથી એ બધું છોડી, સત્યનો માર્ગ અપનાવ્યો. ‘નંદ ઋષિ’ તરીકે આજે પણ તેમનું નામ લેતાં જ તમામ હિન્દુ-મુસ્લિમોના મસ્તક આપોઆપ નમી જાય છે. નંદ ઋષિની મઝાર કશ્મીરના ચરાર ગામમાં છે. (એ જ ચરાર ગામ કે જ્યાંની પવિત્ર દરગાહ ‘ચરારે-શરીફ’ મસ્ત ગૂલ નામના ત્રાસવાદીએ જલાવી દીધી હતી.)

આ સંસ્કારી અને સ્વર્ગસરીખા કશ્મીરમાં કોણ જાણે કોના પાપે આજે છાશવારે ગ્રૅનેડ ફેંકાય છે, અને બેરહમીથી નિર્દોષોને હણવામાં આવે છે. રાજકારણ અને રાજકારણીઓ સ્વર્ગને પણ નર્ક બનાવી શકે છે અને છતાંયે તેમના પેટનું પાણી પણ હલતું નથી. કશ્મીર એનું જ્વલંત ઉદાહરણ છે…

ગીતાંજલિ November 7, 2006

Posted by Jaydeep in 'ગીતાંજલિ'-ધૂમકેતુ.
1 comment so far

2. જ્યારે તું મને ગાન ગાવાની આજ્ઞા આપે છે, ત્યારે લાગે છે કે મારું હૃદય હમણાં એ ઉત્સાહ-ગર્વને લીધે તૂટી જશે. હું તારા ચહેરા તરફ જોઉં છું, અને મારી આંખમાં આંસુ આવી જાય છે !

મારાં જીવનમાં જે કંઈ કર્કશ અને અસંગત છે, એ બધું, એક મધુર સ્વરમેળમાં પરિણમે છે-અને સમુદ્ર પાર કરવા નીકળેલા આનંદમગ્ન પંખીની જેમ, મારી પ્રેમભક્તિ પોતાની પાંખો વિસ્તારે છે. હું જાણું છું કે તું મારા ગીતમાં આનંદ લે છે. તારી સમક્ષ હું એક ગીતગાયક તરીકે જ આવી શકું, એ પણ હું જાણું છું.

મારાં ગાનની, વિસ્તીર્ણ પાંખની માત્ર એક કોરથી, તારાં ચરણનો સ્પર્શ હું પામું છું. એ ચરણ કે જેને પહોંચવાની આકાંક્ષા તો હું કદાપિ રાખી શકું નહીં.

ગાનની આનંદ-મસ્તીમાં હું મારી જાતને ભુલી જાઉં છું, અને તને સખા કહી બેસુ છું ! ભુલી જાઉં છું કે તું તો મારો સ્વામી છે !

–‘ગીતાંજલિ:ભાવાનુવાદ-ધૂમકેતુ

*****