jump to navigation

‘ઓજસ’ પાલનપુરી January 31, 2007

Posted by Jaydeep in ગઝલો.
5 comments

મારી હસ્તી મારી પાછળ એ રીતે વિસરાઈ ગઈ;
આંગળી જળમાંથી નીકળી ને જગા પૂરાઈ ગઈ.

આગમન એનું સુણીને ઊર્મિઓ હરખાઈ ગઈ,
ચાંદ ઉગ્યો પણ નહીં ને ચાંદની ફેલાઈ ગઈ.

દર્દમાં ઠંડક, દિલાસામાં જલન, અશ્રુમાં સ્મિત,
પ્રેમનો ઉત્કર્ષ થાતાં ભાવના બદલાઈ ગઈ.

આત્મા પરમાત્માને, દેહ માટીને દીધું,
જે મતા જેની હતી એને બધી સોંપાઈ ગઈ.

ભેટવા એને હતો હું એટલો વ્યાકુળ કે,
ખુદ કજા મારો ધસારો જોઈને ગભરાઈ ગઈ.

વાસ્તવમાં વિરહ પણ છે એક મૃત્યુનો પ્રકાર,
એ મરણના મુખ મહીં પણ જિંદગી જીવાઈ ગઈ.

મુજને ‘ઓજસ’ના સ્વરૂપે આ જગત જોતું રહ્યું,
આંખ સૌની ‘એને’ ઓળખવામાં ઠોકર ખાઈ ગઈ.

                                          -‘ઓજસ’ પાલનપુરી

Advertisements

જૂનું ગુજરાતી સાહિત્ય January 22, 2007

Posted by Jaydeep in સાહિત્યનો ઈતિહાસ.
7 comments

ગુજરાત પર રાજપૂતોના શાસનકાળ (746-1298) દરમિયાન બ્રાહ્મણ અને અબ્રાહ્મણ કવિઓ દ્વારા ઘણી બધી સાહિત્યીક રચનાઓ સંસ્કૃતમાં થઈ. અપભ્રંશના આગમન અને વિકાસ સાથે, એટલે કે 10મી સદી દરમિયાન, રાજકવિઓએ લોકોની ભાષા-અપભ્રંશમાં ‘રાસ’ કે ‘રાસા’ રચવાની શરૂઆત કરી. આ ભાષા મારવાડી, વ્રજ અને અન્ય બોલીઓના મિશ્રણથી બની હતી. આ રાસાઓ રાજકવિઓએ પોતાના અન્નદાતાની પ્રસંશા અર્થે લખ્યા હતાં. એ જ રીતે, જૈન સાધુઓએ પણ અનુયાયીઓને ધાર્મિક માર્ગદર્શન આપતા અને ધર્મપ્રેમી શ્રેષ્ઠીઓની પ્રશંસા કરતા ‘રાસા’ અને ‘ફાગુ’ઓની રચના કરી હતી. હેમચંદ્રાચાર્ય અને નરસિંહ વચ્ચેના સમયગાળામાં આશરે 300 જેટલાં રાસાઓ રચાયા હોવાનું જૈન વિદ્વાનોએ નોંધ્યું છે. આ રાસાઓ ભાષાના વિકાસ અંગે મહત્વની માહિતી પૂરી પાડે છે. રચનાઓની ર્દષ્ટિએ આ સમય જૈન સાધુઓના પ્રભુત્વનો રહ્યો. અન્ય રચનાકર્તાઓ માટે ધર્મનું બંધન નહોતું અને તેઓએ માનવહૃદયના બે તીવ્રતમ આવેગો-પ્રેમ અને શૌર્ય-ને આલેખતી રચનાઓ રચી. સંખ્યાની ર્દષ્ટિએ આ સમયની રચનાઓ તો ઘણી હતી, પરંતુ સાહિત્યીક ર્દષ્ટિએ મહત્વ એટલું નથી.

ઈ.સ. 1297થી 1420 વચ્ચેનો મુસ્લિમ શાસનનો સમય ગુજરાત માટે રાજકીય અનિશ્ચિતતા અને અસ્થિરતા વાળો હતો. આ સમયે, પાટણ, જેલસમેર અને ખંભાતના જૈન ભંડારાઓમાં ગુજરાતી હસ્તપ્રતો સચવાઈ રહી. આ કારણે જ બંગાળી, મરાઠી અને અન્ય ભાષાઓ કરતાં ગુજરાતી ભાષાની રચનાઓ નોંધપાત્ર સંખ્યામાં સુરક્ષિત જળવાઈ શકી. ઘણાં વિદ્વાનો માને છે કે, જૂની ગુજરાતી ભાષામાં ગદ્યની રચના ન્હોતી થઈ. જો કે, આ દલીલ ભ્રામક છે, કેમ કે, ઈ.સ. 1355 આસપાસ તરુણપ્રભજીએ રચેલી વાર્તાઓ જેવી રચનાઓ નોંધપાત્ર સંખ્યામાં આજે પણ મોજૂદ છે.

આમ, 13,14 અને 15મી સદીના સાહિત્ય અંગે ગુજરાતનો ભંડાર અમૂલ્ય છે. આજ સાહિત્ય તે સમયની ભાષા, ખાસ કરીને ક્ષેત્રીય ભાષાઓના વિકાસ ઉપર સૌથી મહત્વની સામગ્રી પૂરી પાડે છે. આ સાહિત્યની સાચવણીનો શ્રેય જૈન ભંડારાઓને ફાળે જાય છે.

હેમચંદ્રાચાર્ય (1088-1172): જૈન સાધુ હેમચંદ્રાચાર્યનું પાંડિત્ય અને પ્રતિભા અદ્વિતીય હતાં. હેમચંદ્રાચાર્યના શાણપણ અને માર્ગદર્શન હેઠળ સોલંકી રાજાઓ સિદ્ધરાજ અને કુમારપાળે ગુજરાતને ઐશ્વર્ય અને ખ્યાતિની ચરમસીમાએ પહોચાડ્યું હતું. હેમચંદ્રાચાર્ય પોતે કલ્પનાશીલ સર્જક ન્હોતાં, પરંતુ, વ્યાકરણ, ફિલસૂફી અને કાવ્યશાસ્ત્ર ક્ષેત્રે એમનું પ્રદાન એમની તીક્ષ્ણ બુદ્ધિપ્રતિભાનો પરિચય આપે છે. એમણે ‘અનેકાર્થસંગ્રહ’, ‘અભિધાનચિંતામણી’ અને ‘દેશીનામમાલા’ જેવાં શબ્દકોષ તથા ‘છંદોનુશાસન’ અને ‘કાવ્યાનુશાસન’ જેવાં કાવ્યશાસ્ત્રના ગ્રંથોની રચના કરી. જો કે, એમનું પ્રદાન ફક્ત સાહિત્ય કે વ્યાકરણ સુધી જ સીમિત નથી. એમણે ઔષધશાસ્ત્ર પર ‘નિઘંટુશેષ’, યોગ ઉપર ‘યોગશાસ્ત્ર’ અને જૈન તીર્થંકરો વિષેની દંતકથાઓ વર્ણવતા ગ્રંથ ‘ત્રિષષ્ઠીશલાકાપુરુષ’ની પણ રચના કરી હતી. જો કે, એમનો સૌથી પ્રસિદ્ધ ગ્રંથ તો છે ‘સિદ્ધહૈમશબ્દાનુશાસન’, કે જે સંસ્કૃત, પ્રાકૃત અને અપભ્રંશના વ્યાકરણની ચર્ચા કરે છે. અપભ્રંશના વ્યાકરણના નિયમોની સંહિતા બનાવીને હેમચંદ્રાચાર્યએ ભાષાને એવી જ સેવા કરી, જેવી સદીઓ પહેલાં પાણિનીએ સંસ્કૃત માટે કરી હતી. કહેવાય છે કે, સિદ્ધરાજના અનુરોધથી હેમચંદ્રાચાર્યએ ‘સિદ્ધહૈમશબ્દાનુશાસન’ની રચના કરી હતી. ગ્રંથ જોઈને સિદ્ધરાજ એટલો તો ભાવવિભોર થઈ ગયેલો, કે એ ગ્રંથને રાજાના હાથી પર અંબાડીમાં વાજતે ગાજતે શોભાયાત્રા દ્વારા રાજસભામાં લઈ આવવામાં આવ્યો હતો. મા સરસ્વતીની પૂજારુપે રાજાએ સ્વયં એ મહાગ્રંથેની પૂજા કરી હતી. અપભ્રંશ વ્યાકરણના નિયમોને સ્પષ્ટ કરવા માટે આ ગ્રંથમાં હેમચંદ્રાચાર્યએ પ્રયોજેલા દુહાઓ એ સમયની સુંદર કવિતાઓના ઉત્તમ નમૂનાઓ છે:
अंगहि अंगु ण मिलिउ हलि अहरे अहरु ण पत्तु
पिअ जोअंतिहे मुहकमलु एवंइ सुरउ समत्तु
‘મારા અંગો એના અંગોને સ્પર્શી શક્યા નહીં, મારાં હોઠ એનાં હોઠ સુધી પહોંચી શક્યા નહી; હે મિત્ર ! જેવું મેં મારા પ્રિયના મુખકમળને જોયું કે અમારા ખેલનો અંત આવ્યો.’

भल्ला हुआ जु मारिआ बहिणि महारा कंतु
लज्जेज्जं तु वयंसिअहु जइ भग्गा घरु एंतु
’હે પ્રભુ ! તારો આભાર કે મારા કંથ હણાયા. જો એ ભયથી રણમેદાન છોડીને નાસી આવ્યાં હોત તો મારી સખીઓને હું શું મોં બતાવત ?
पियसंगमि कउ णिद्दडी पिअहो परोक्खहो केवं
मइं बिण्णि वि विण्णासिआ णिद्द ण एवं ण तेवं
‘પ્રિયતમ સાથે હોય ત્યારે શી રીતે સુવાય? અને પ્રિયતમ વિના પણ કેમ સુવાય? મેં તો આ રીતે કે તે રીતે, બન્ને રીતે નીંદ ગુમાવી છે.’

ઉપરાંત, હેમચંદ્રાચાર્યએ બે ભાગોમાં ‘દ્વિઆશ્રયકાવ્ય’ રચ્યું હતું. પ્રથમ ભાગ ‘’દ્વિઆશ્રય મહાકાવ્ય’ સંસ્કૃતમાં હતું. જેમાં 20 સર્ગમાં મૂળરાજથી માંડીને સિદ્ધરાજ જયસિંહના દિગ્વિજય સુધીનો ચાલુક્ય વંશનો ઈતિહાસ અને સાથોસાથ ‘સિદ્ધહૈમઅનુશાસન’ના સંસ્કૃત વ્યાકરણના પ્રથમ સાત અધ્યાયના સૂત્રોની સમજનો સમાવેશ થાય છે. ‘દ્વિઆશ્રયકાવ્ય’નો દ્વિતીય ભાગ ‘કુમારપાળચરિત’ તરીકે ઓળખાય છે, એમાં કુમારપાળની જીવનકથાની સાથોસાથ પ્રાકૃત, શૌરસેની, માગધી, પૈચાશી અને અપભ્રંશના સૂત્રોની સમજનો સમાવેશ થાય છે. આમ, ‘દ્વિઆશ્રયકાવ્ય’ના સંસ્કૃત ભાગમાં સંસ્કૃત વ્યાકરણ અને પ્રાકૃત ભાગમાં પ્રાકૃત ભાગમાં પ્રાકૃત વ્યાકરણનો સમાવેશ થાય છે. તદુપરાંત, મૂળરાજથી કુમારપાળ સુધીના ચાલુક્ય વંશના ઈતિહાસ પર પણ એ ગ્રંથ પ્રકાશ પાડે છે.

શાલિભદ્રસૂરિ દ્વારા 1185માં રચાયેલ ‘ભરતેશ્વરબાહુબલિરાસ’એ સૌથી પ્રાચીન ઉપલબ્ધ રાસ છે. એમાં પ્રથમ જૈન તીર્થંકર ઋષભદેવના બે પુત્રો ભરત અને બાહુબલિ વચ્ચેના સંઘર્ષનું નિરૂપણ છે. ઋષભદેવને 100 પુત્રો હતાં. સત્તા માટેનો સંઘર્ષ ટાળવા માટે તેમણે સૌથી મોટા પુત્ર ભરતને ગાદી સોંપવાનો અને બીજા બધાંને જૈન ધર્મનાં અનુશાસનમાં જોડાવાનો નિર્ણય કર્યો હતો. આ નિર્ણયનો પોતાની શારીરિક અને બૌદ્ધિક તાકાત પર મુસ્તાક બાહુબલિએ અસ્વીકાર કર્યો. બાહુબલિ-ભરત વચ્ચેનાં સંઘર્ષમાં બાહુબલિનો વિજય થયો. પરંતુ, સૌનાં આશ્ચર્ય વચ્ચે બાહુબલિએ દીક્ષા ગ્રહણ કરી જૈન ધર્મની સેવાનો માર્ગ સ્વીકાર્યો. પરંતુ, અહમ ને કારણે બાહુબલિ માટે પોતાનાથી મોટા 98 ભાઈઓ સમક્ષ નતમસ્તક ન થઈ શક્યાં. ઉગ્ર તપસ્યા અને ઉચ્ચ જ્ઞાન હોવા છતાંયે બાહુબલિને કેવળજ્ઞાન પ્રાપ્ત ન થયું. એવામાં એમની બન્ને બહેનો, કે જેઓ પણ જૈન સાધ્વીઓ હતી, એમણે બાહુબલિને તનાવગ્રસ્ત જોયા. બહેનો એ ફક્ત એટલું જ કહ્યું, ‘ વીરા મોરા ગજથી હેઠા ઉતરો’. બસ, આ ટકોર કુશાગ્ર બાહુબલિના હૃદયને સ્પર્શી ગઈ. બાહુબલિ અહંકારના હાથી પરથી હેઠા ઉતર્યા, પોતાના વડીલબંધુઓને આદરમાન આપ્યા અને એમને ‘કેવળજ્ઞાન’ પ્રાપ્ત થયું.

1244માં વિનયચંદ્રરચિત ‘નેમિનાથચતુષ્પદીકા’એ સૌથી પ્રાચીન ઉપલબ્ધ ‘બારમાસી’ છે. નેમિનાથ એક પવિત્ર અને ઉમદા આત્મા હતો. એમનો વિવાહ દ્વારકાના ઉગ્રનાથની પુત્રી રાજુલ થવાનો હતો. જાનઆગમન સમયે નેમિનાથે અસંખ્ય પ્રાણીઓને વરંડામાં બાંધેલા જોયા. પૂછપરછ કરતાં જણાવાયું કે, લગ્ન ઉજવણીની વાનગીઓ રાંધવા માટે આ બધાં પ્રાણીઓની કતલ થશે. નેમિનાથનું ઋજુ હૃદય દ્રવી ઉઠ્યું. એમણે કતલના કારણવશ એવા લગ્ન ન કરવાનો નિર્ણય કર્યો અને જૈન ધર્મના પંથે પ્રયાણ કર્યું. આ તરફ, યુવાન રાજુલ તો નેમિનાથની રાહ જોઈને બેઠી હતી. રાજુલની આ પીડા એની સખીથી સહન નથી થતી.

બન્ને સખીઓને સંવાદ ધ્યાનાકર્ષક છે. અંતે નેમિનાથ પધારે છે, વરરાજા તરીકે નહીં, પરંતુ જૈન સાધુ બનીને. રાજુલ પણ જૈન ધર્મના સુપંથે પ્રયાણ કરે છે.

ઈ.સ. 1334 આસપાસ જિનપદ્મસુરિ દ્વારા રચાયેલ ‘સિરિ થુલિભદ્દ ફાગુ’ એ ગુજરાતીનો પ્રથમ ફાગુ છે. કસોટી કરવા માટે, સાધુ સ્થુલિભદ્રને એમના ગુરુ ગણિકા કોશાના ઘરે ચાતુર્માસ ગાળવાનો આદેશ આપે છે. આ જ કોશા સાથે પૂર્વાશ્રમમાં સ્થુલિભદ્ર 12 વર્ષો સુધી જોડાયેલા હતાં. કોશાનું યૌવન, જૂનો સંબંધ અને માદક મોસમ પણ સાધુ સ્થુલિભદ્રને ચળાવી શકતા નથી. એમની પવિત્રતા અને આત્મ-નિયંત્રણનો વિજય થાય છે અને કોશાનું મન પણ નિર્મળ બને છે. સ્વર્ગમાંથી દેવો સ્થુલિભદ્ર પર પુષ્પવર્ષા કરે છે.

સામાન્ય રીતે, ફાગુમાં વસંત જેવી માદક ઋતુ અને ભોગવિલાસનું વર્ણન જોવા મળે છે, પરંતુ અહીં કવિએ સાધુને ચાર માસની સ્થિરતા બક્ષવા માટે કવિએ વર્ષાઋતુ પસંદ કરી છે.

મળી આવેલા તમામ ફાગુઓમાં સર્વશ્રેષ્ઠ તો છે ‘વસંતવિલાસ’. જો કે એના કર્તા વિશે કોઈ જ માહિતી સાંપડતી નથી. પરંતુ, એ તો નિર્વિવાદ છે કે, તે જૈન નહોતાં. રચનાના સમય વિશે પણ વિદ્વાનોમાં મતૈક્ય નથી. કોઈ એને 15મી સદીની શરૂઆતમાં તો કોઈ એને 14મી સદીની મધ્યમાં મૂકે છે. આ ફાગુમાં ફક્ત 84 કડીઓ છે, પરંતુ સાહિત્યીક ર્દષ્ટિએ કોઈ અન્ય ફાગુ એને મહાત કરી શકે એમ નથી. વસંત, વિરહ, પ્રિયતમ-પ્રિયતમાનું મિલન અને એમનાં ભોગનું વર્ણન-સમગ્ર રીતે આ રચના જીવનરસના સાર્વત્રિક આનંદની રચના છે.

ઈ.સ. 1406 આસપાસ રચાયેલ ‘ત્રિભુવનદીપકપ્રબંધ’ એ જયશેખરસૂરિના સંસ્કૃત કાવ્યનો એમણે પોતે જ કરેલો અનુવાદ છે. જયશેખરસૂરિ સંસ્કૃત, પ્રાકૃત અને ગુજરાતીના પ્રખર વિદ્વાન હતાં. આ કાવ્યનાં સંપાદક કેશવલાલ ધ્રુવના મતે, ‘આ એક ગુર્જર કાવ્યથી જૈન કવિ પ્રથમ પંક્તિનો સાહિત્યકાર બને છે. કવિની પ્રતિભા વસ્તુની ગૂંથણીમાં, પાત્રની યોજનામાં અને રુપકની ખીલવણીમાં એકસરખી વિજયશાળી નીવડે છે. પ્રસ્તાવોનું વૈવિધ્ય અનેક રસની મિલાવટને પોષે છે અને કાર્યનો વેગ તથાં સંવિધાનનું ચાતુર્ય વાંચનારનું કૌતુક છેવટ સુધી ટકાવી રાખે છે…’

સમગ્ર રીતે આ સમયગાળાના સાહિત્ય પર જૈન સાધુકવિઓનું પ્રભુત્વ રહ્યું, એમનું મુખ્ય લક્ષ્ય ધર્મભાવનાની સર્વોપરિતા દર્શાવવાનો હતો. પરંતુ, અસાઈત ઠાકુર, શ્રીધર વ્યાસ, ભીમ અને અબ્દુર રહેમાન જેવા નોંધપાત્ર કવિઓએ ધર્મ સિવાયના વિષયો પર રચનાઓ કરી હતી.

આ પૈકી અસાઈત ઠાકુર દ્વારા ઈ.સ. 1361 આસપાસ રચાયેલ ‘હંસૌલી’ને ગુજરાતી ભવાઈનું આદ્ય સ્વરૂપ કહી શકાય. ‘હંસૌલી’એ ચાર ભાગમાં નરવાહન તથા હંસૌલીના વિવાહ, એમનાં પુત્રો હંસરાજ અને વચ્છરાજનાં ત્રણ જન્મોની કહાણી છે. ઈ.સ. 1399 આસપાસ શ્રીધર વ્યાસ રચિત ‘રણમલ્લછંદ’, ઈડરના રાણા રણમલ્લની પાટણના સુલતાન સાથેની લડાઈનું બયાન કરે છે. એનાં 70 શ્ર્લોકો પૈકી પ્રથમ 11 શ્ર્લોક ફારસી-અરબી શબ્દો મિશ્રિત સંસ્કૃતમાં છે. ભીમની રચના ‘સદયવત્સચરિત’ (ઈ. સ. 1410)એ ગુજરાતની જાણીતી લોકકથા સદૈવત અને સાવળિંગના પ્રેમ અને આઠ જન્મના સાથની કહાની છે. ઈ.સ. 1420માં ‘સંદેશકરાસ’ રચીને મીર અબ્દુર રહેમાન આ સમયનો એકમાત્ર મુસ્લિમ સર્જક બની રહે છે. ‘સંદેશકરાસ’, શીર્ષક સૂચવે છે એમ, ‘દૂત કાવ્ય’ છે. વિજયનગરમાં રહેતી કન્યા મુસાફર સાથે ખંભાત રહેતા પોતાના પતિને સંદેશો મોકલાવે છે. કવિએ ખંભાતનું સુંદર શબ્દચિત્ર ખડું કર્યું છે. રચનાના પ્રથમ 17 શ્ર્લોક પ્રાકૃતમાં છે.

ઉપર કહ્યું તેમ, ઈ.સ.. 1355માં તરુણપ્રભસૂરિજી એ લખેલી વાર્તાઓ –‘પ્રતિક્રમણબાલવબોધ’, ઉપરાંત, ઈ.સ. 1394માં કુલમદન ગણિએ રચેલ ‘મુગ્ધાવબોધમૌક્તિક’ એ ગદ્યરચનાનો અન્ય નોંધપાત્ર નમૂનો છે. એમાં સંસ્કૃત વ્યાકરણના નિયમો કર્તાએ સોદાહરણ આપ્યાં છે. એ સિવાય ઈ.સ. 1422માં માણિક્યસુંદરસૂરિએ રચેલ ‘પૃથ્વીચંદ્રચરિત્ર’ પણ નોંધપાત્ર છે. માણિક્યસુંદરસૂરિએ લયબદ્ધ શબ્દોનો સુંદર પ્રયોગ કર્યો છે: ‘ વન તે વન જે બહુ વૃક્ષવંત, મતિ તે જે દયાવંત, નદી તે જે નીરવંત, મેઘ તે જે સમયવંત, દેશ તે જે પ્રજાવંત, સ્ત્રી તે જે પુત્રવંત, હાટ તે જે વસ્તુવંત, ભાટ તે જે વચનવંત, ખાટ તે જે ઘરણિવંત, મઠ તે જે મુનિવંત, વચન તે જે સત્યવંત, વસ્ત્ર તે જે પખાલસાર, દ્રવ્ય તે જે ભોગસાર…’

થોડી વિશેષ માહિતી:

રાસ-રાસા: અપભ્રંશમાં રચાયેલી કેટલીક બોધાત્મક રચનાઓ ‘રાસ’ કે ‘રાસક’ના નામે જાણીતી છે. હેમચંદ્રાચાર્યના સમયમાં રાસ એ સંગીતરૂપક હતું. વાગ્ભટ્ટ એને તાલ અને લય સાથેની હળવું સંગીતરૂપક કહે છે. આ રાસાઓ મહદ્અંશે જૈનમંદિરોમાં ખાસ પ્રસંગે ગવાતાં અને સ્ત્રીઓ એમાં વર્તુળાકાર રાસ લેતી. સમય જતાં રાસામાં વાર્તાનું તત્વ વધ્યું એટલે એમાં સ્ત્રીઓને રાસ લઈને ગાવામાં અગવડતા થઈ.

રાસાઓ દુહા, ચોપાઈ અને દેશી જેવાં છંદોમાં રચાયાં છે. એનાં મુખ્યત્વે ત્રણ ભાગ હોય છે: ભાષા, ઠાવણી અને કડવાક. શરૂઆતમાં રાસાઓ મુખ્યત્વે ઉપદેશાત્મક જ હતાં પરંતુ, સમય જતાં એમાં વર્ણન, કથન, નૈતિક સૂચનો અને ધાર્મિક સિદ્ધાંતોનો એટલો વધારો થઈ ગયો કે 16,17 અને 18મી સદીના રાસાઓ ભાર અને કૃત્રિમતાથી ભરપૂર છે.

ફાગુ: ‘ફાલ્ગુન’ પરથી ‘ફલ્ગુ’ અને એ પરથી ‘ફાગુ’ શબ્દ ઉતર્યો છે. નામ સૂચવે છે એમ, ‘ફાગુ’ એ વસંતની સુંદરતા નિરૂપતી રચનાઓ છે. વસંત સાથે જોડાયલ હોવાથી એમાં સ્વાભાવિક રીતે જ મદમસ્ત યૌવન, એનો પ્રેમ અને વિરહ, મિલન અને એનો ભાવોન્માદ વગેરેનું પ્રચૂર વર્ણન આવે છે. જૈન સાધુઓ દ્વારા રચાયેલ ફાગુઓમાં આવું વર્ણન આવતું હોવા છતાં એનો અંત આત્મસંયમ અને શાંત રસમાં આવે છે.

બારમાસી: મહાકાવ્યને બાદ કરતાં, ‘બારમાસી’ એ એક એવું કાવ્યસ્વરૂપ છે કે જેનાં મૂળ આપણને શિષ્ટ સંસ્કૃત કવિતામાં જોવા મળે છે. સંસ્કૃતમાં બારમાસીના મૂળિયા છેક ‘ઋતુસંહાર’ સુધી પહોંચે છે. ગુજરાતીમાં 18મી સદી સુધી ‘બારમાસી’ઓ રચાઈ હતી. એમાં 12 મહિનાની ખૂબીઓ અને એની વિરહિણી પર થતી અસરનું વર્ણન જોવા મળે છે. આ વિરહ સામાન્યત: ‘અધિકમાસ’માં મિલનમાં પલટે છે, અને સુખાંતમાં પરિણમે છે.

પ્રબંધ: આ સાહિત્યસ્વરૂપ ગુજરાત અને માળવા સુધી જ સીમિત રહ્યું છે. સાહિત્યીક ર્દષ્ટિએ ‘પ્રબંધ’ નો અર્થ ‘રચના’ થાય છે. આખ્યાનને મળતાં આવતા પ્રબંધમાં ઐતિહાસિક કે આત્મકથનાત્મક લંબાણભર્યું વર્ણન હોય છે. મોટા ભાગે ‘પ્રબંધ’ સ્વરૂપનો ઉપયોગ જૈન કર્તાઓએ કર્યો છે.

15મી સદી પહેલા રચાયેલ પ્રબંધોનું વસ્તુ ઐતિહાસિક જ હતું અને એનો ગદ્ય ભાગ સંસ્કૃતમાં અને પદ્ય ભાગ અપભ્રંશમં રહેતો. મેરુતુંગાચાર્યના ‘પ્રબંધચિંતામણી’ (ઈ.સ. 1305) અને રાજશેખરસૂરિના ‘ચતુર્વિંશતીપ્રબંધ’ (ઈ.સ. 1349), એના સુંદર ઉદાહરણો છે. 15મી સદી પછી પ્રબંધ અને રાસા એકબીજાનાં પર્યાય બની ગયાં.

મલાજો January 20, 2007

Posted by Jaydeep in ગઝલો.
3 comments

લાગે છે અવાચક થૈ ગૈ છે કલબલતી કાબર બ્હાર બધે,
ન્હૈં તો અહીં એકી સાથે આ શાયરના અવાજો શા માટે ?

આકાશી વાદળને નામે આ વાત તમોને કહી દઉં છું :
કાં વરસી લો, કાં વીખરાઓ, આ અમથાં ગાજો શા માટે ?

મારો તો ઈરાદો છે ખાલી કવિતામાં કામણ પૂરવાનો,
ત્યાં રૂપની આડે ઘૂંઘટના બેઢંગ રિવાજો શા માટે ?

આ જલતી શમાને ઠારો ના, આ પરવાનાને મારો ના,
એ પ્રેમની પાગલ દુનિયામાં વહેવારુ ઈલાજો શા માટે ?

દફનાઈ જવા દો ગૌરવથી એ જ્યાં જન્મે છે ત્યાં ને ત્યાં,
આંસુ ને નિસાસાની કાંધે મ્હોબતનો જનાજો શા માટે ?

આજ સુરાલયના દસ્તૂર કૈં બદલાયા છી શું સાકી ?
’પી-પી’ કહેનારા બોલે છે આ ‘પાજો-પાજો’ શા માટે ?

નમન નમનમાં હોયે છે કંઈ વધતો ઓછો ફેર નહીં,
ન્હૈં તો આ નમેલી નજરે અમને આપ નવાજો શા માટે ?

આ દિલને તમારે માટે તો બચપણથી અનામત રાખ્યું છે,
આ સ્હેજ ઉમરમાં આવ્યાં કે આ રોજ તકાજો શા માટે ?

આ વાત નથી છાની છપની, ચર્ચાય છે જાહેરમાં સઘળે,
શરમાળ કુસુમને કહી દો કે મધુકરનો મલાજો શા માટે ?

                                                       -મધુકર રાંદેરિયા

ઓ પરવરદિગારા ! January 18, 2007

Posted by Jaydeep in ગઝલો.
3 comments

હતા જે કાફીશાળાઓ મહીં સાથે થનારા,
થઈ ભેગાં બજારોમાં કરે કર આપનારા.

ખુશાલીના વખત માંહે ખબર મુજ રાખનારા,
રફીકો ક્યાં ગયા આજે ખુશામતિયા અમારા ?

મુસીબતમાં નથી કોઈ સલામત પૂછનારા,
કબરમાં છે નહીં શમ્સો કમર અથવા સિતારા.

હતા બિસ્તર ઉપર જેઓ દિલે દિલ દાબનારા,
જનાજામાં સૂઈ સાથે નથી તે આવનારા.

મને જીવતો દફન કરવા થયા તૈયાર, મારા-
ભૂલું હું કેમ તમને, ઓ મને ભૂલી જનારા ?

રહ્યો છું એકલો હું ચાલી આ રસ્તે મ્હારા,
મ્હારી માલિકીઓમાં મઝાથી મહાલનારા !

નથી લેવા મને ઈચ્છા સમરકંદો-બુખારા,
ખરાં બે લાગણીનાં માગું છું હું આસું ખારા.

અગર ખંજર જિગરમાં છો તમે આ ભોંકનારા,
દુઆ માગી રહ્યો છું હું સદા હકમાં તમારા.

ન પાસે આશરો લીધો ‘પતીલે’ કોઈ પ્યારા,
રહ્યો છે આશરો તારો ફક્ત પરવરદિગારા !

                                                     – ‘પતીલ’

બરાબર January 17, 2007

Posted by Jaydeep in ગઝલો.
3 comments

તમે ગાન છેડ્યાં, ન સમજ્યો બરાબર !
ઘણી પ્રીત વરસ્યાં, ન પલળ્યો બરાબર !

તુફાનો જગાવ્યાં બની ચંદ્ર આપે,
હતો છીછરો હું ન છલક્યો બરાબર !

ઘનશ્યામ !  તેં  ગર્જના  ખૂબ  કીધી,
બની મોરલો હું ન ગળક્યો બરાબર !

મિલાવ્યા કર્યા તાર ઉસ્તાદ તેં તો,
બસૂરો રહ્યો હું ન રણક્યો બરાબર !

અજાણ્યો અને અંધ જેવો ગણીને,
તમે હાથ આપ્યો, ન પકડ્યો બરાબર !

છતાં આખરે તેં મિલન-રાત આપી,
ગઈ વ્યર્થ વીતી, ન મલક્યો બરાબર !

                                          – ‘જટિલ’

ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ January 15, 2007

Posted by Jaydeep in પ્રકીર્ણ.
4 comments

ગરવા ગિરનારની તળેટીમાં પ્રાચીનકાળનાં ત્રણ શિલાલેખો છે. એ પૈકીના એક પર સમ્રાટ અશોકની 14 આજ્ઞાઓ કોતરાયેલી છે, બીજા પર ક્ષત્રપ રાજા રુદ્રદામન અને ત્રીજા પર ગુપ્ત સમ્રાટ સ્કંદગુપ્તના આલેખો છે. ગુપ્તવંશનું શાસન ગુજરાતમાં ફક્ત 70 વર્ષ જ રહ્યું હતું. પરંતુ, ગુપ્તવંશની ખ્યાતિનો લાભ એમનાં વારસ મૈત્રકોને પણ મળ્યો હતો. મૈત્રક કાળનાં મનાતા આશરે 30 જેટલા મંદીરો સૌરાષ્ટ્રમાં છે.

ઘણી બધી જાતિઓ-જનજાતિઓ ગુજરાતમાં આવી અને વસી ગઈ એને કારણે જ ગુજરાતીઓનો સ્વભાવ સહિષ્ણુ રહ્યો છે. સૂર્ય, વિષ્ણુ, શિવ, મહાવીર અને પીર—બધાં જ ગુજરાતમાં પૂજાય છે. આંધ્રપ્રદેશના વલ્લભાચાર્યના ‘પુષ્ટિમાર્ગ’ અને ઉત્તરપ્રદેશના સહજાનંદ સ્વામીનાં ‘સ્વામીનારાયણ સંપ્રદાય’ અનુયાયીઓ સૌથી વધુ તો ગુજરાતમાં જ છે. ચીની યાત્રી હ્યુ-એન-ત્સંગે નોંધ્યું છે કે, મૈત્રકોની વલભી વિદ્યાપીઠ એ વેદીક, જૈન અને બૌદ્ધ ધર્મ અને શિક્ષણનું અગત્યનું કેન્દ્ર હતું.
ગુજરાતની પોતાની આગવી કોઈ શિલ્પ કે સ્થપત્યની શાખા નથી, પરંતુ, ગુજરાતમાં 5મી સદીથી શરૂ કરીને 13મી સદી સુધીના સ્થાપત્યના નોંધપાત્ર નમૂનાઓ જોવા મળે છે. મોઢેરાનું સૂર્યમંદીર, સિદ્ધપુરની રુદ્રમાળ, ઘુમલી અને સેજકપુરના નવલખી મંદીરો એ ગુજરાતના શિલ્પ-સ્થાપત્યના કેટલાક નમૂનાઓ છે.
ગુજરાતના મુસ્લિમ સુલતાનોએ કલાને તથા કારીગરોને પ્રોત્સાહન આપ્યું. 13મી સદી અને તે પછીના સમયમાં સ્થપત્યમાં નવા ઉન્મેષો જોવા મળે છે. મસ્જિદો અને અન્ય ઈસ્લામી સ્થપત્યોમાં સુંદર વૃક્ષો, લતા, ફૂલો અને ભૌમિતીક ડિઝાઈનો જોવા મળે છે. અમદાવાદની સીદી સૈયદની જાળી એ સ્થપત્યનો એક અજોડ નમૂનો છે. ગુજરાતના સ્થાપત્યની કોતરણીના આવા ઘણા નમૂનાઓ દિલ્હી અને આગ્રાના મોગલ સ્થાપત્ય કરતાયે ચઢિયાતા મનાય છે.

વિશિષ્ટ પ્રકારનું ગુજરાતી સંગીત ન હોવા છતાંયે, ‘સરસ્વતીકંઠાભરણ’ માં નોંધાયેલા કેટલાક રાગો જેવાકે, ગુર્જરી, વેળાવલી (બિલાવલ), ત્રાવણ, સૌવિરી, ખંભાવતી, આહિરી, લાટી, સોરઠી વગેરે ગુજરાતનાં સ્થળોના નામ ઉપર આધારિત છે, અને એ કંઈ નાનીસૂની વાત નથી. ‘વિચીત્ર-વીણા’ કે જે આજે પણ વગાડાય છે, એની શોધ અમદાવાદના સંગીતજ્ઞ જેસંગભાઈ એ કરી હતી. નાયક, ભોજક, તરગાળા, ગંધર્વ, મીર, લાંઘા જેવાં કેટલાક જાતિસમૂહો સંગીતની સાધના માટે જાણીતા છે તથા તેઓ તો સંગીતકળાનો ઉપયોગ જીવનનિર્વાહ માટે પણ કરતા હતાં.

રાસ, ગરબી અને લોકનૃત્યો એ ગુજરાતનો પ્રાચીન કલાવારસો છે. રાસ જો કે, થોડાંઘણાં ફેરફારો સાથે ભારતના અન્ય ભાગોમાં પણ જોવા મળે છે, પરંતુ, ‘ગરબો’ તો માત્ર અને માત્ર ગુજરાતને જ વિશિષ્ટતા છે.

પૂર્વભૂમિકા અહીં સમાપ્ત. આવતા સોમવારે જૂના ગુજરાતી સાહિત્યની એક ઝલક…

સદ્દામ હુસૈનની આખરી ક્ષણો January 12, 2007

Posted by Jaydeep in પ્રકીર્ણ.
2 comments

એમણે કાળું ઈસ્ત્રીટાઈટ પૅન્ટ, ઉજળો ધોળો શર્ટ અને વૈભવી કાળો કોટ પહેર્યા હતાં. એમના જૂતા ચમકતા હતા. વાળને કાળો કલપ કર્યો હતો અને ચાંદી જેવી ચમકતી દાઢીને વ્યવસ્થિત રીતે મઠારી હતી. તેઓ આત્મસન્માન સાથે રાહ જોઈ રહ્યા હતા.
30મી ડિસેમ્બરની ભળકડાની થોડી કલાકો પહેલા સદ્દામ હુસૈન ફાંસીના માંચડા સામે સ્વસ્થ રીતે ઊભા હતા. પીળચટ્ટું, જાડું દોરડું એમના ગળે ભરડો લેવા તૈયાર હતું અને તેઓ શિસ્તબદ્ધ રીતે મરવા માટે તૈયાર હતાં. ચહેરા પર નકાબ અને ચામડાના જૅકૅટ પહેરેલા ત્રણ જલ્લાદ એમની પાછળ હુકમની રાહ જોઈને ઊભા હતા. સદ્દામે કહ્યું, ‘યા અલ્લાહ’ અને મોતના કોઈપણ પ્રકારના ભય વિના તેઓ પ્લેટફોર્મ પર ઊભા રહી ગયા.
અચાનક સાક્ષીઓને બોલાવાયા. કમરામાં અચાનક શિયા ધાર્મિક મંત્રો ગૂંજવા લાગ્યા. શિયા મુસ્લિમો ક્યારના આ ક્ષણની રાહ જોતા હતાં. સદ્દામે પોતાના મોતની રાહ જોતા આ શિયા મુસ્લિમોને એક વક્ર સ્મિત આપ્યું.

અંતિમ ક્ષણોમાં સદ્દામ હુસૈનને વર્તમાન ઈરાક ર્દશ્યમાન થયું, પાછલા ત્રણ વર્ષોથી અમેરિકી કબજામાં હોવાને કારણે જેનાથી તેઓ અળગા હતાં. એમની ધરપકડ પછી શિયા સરકાર સત્તા પર આવી હતી, કે જે શિયાઓનું એમણે હંમેશા દમન કર્યું હતું. મોત પહેલાની આખરી ક્ષણોમાં સદ્દામ હુસૈને આ શિયાઓને જ જોયા. સદ્દામ વિરોધી શિયાઓના વધતા પોકારોને રોકવા માટે સદ્દામ વિરુદ્ધ ખટલો ચલાવનાર મુન્કિથ ફારૌને કહ્યું, ‘એમને ફાંસી અપાઈ રહી છે, શાંતિ રાખો’. કમરામાં શાંતિ છવાઈ ગઈ. સદ્દામ હુસૈને પ્રાર્થનાનું રટણ શરૂ કર્યું.

પાછલી રાત્રે, વડાપ્રધાન મલિકીના કાર્યાલયે 14 લોકોને જાણ કરી હતી કે તેઓને કદાચ ફોન પર કોઈ સંદેશ મળશે. ડિસેમ્બર 26મીએ જ્યારે ઈરાકની સર્વોચ્ચ અદાલતે સદ્દામની ફાંસીને વ્યાજબી ઠરાવી, ત્યારથી સ્પષ્ટ હતું, કે ફાંસી હવે અનિવાર્ય હતી.

 **********
મલિકી સરકાર સદ્દામને 29મી ડિસેમ્બરની રાત્રીએ જ ફાંસી આપી દેવા માગતી હતી. પરંતુ, કાયદાકીય આંટીઘૂંટીઓ, સુરક્ષા કારણો અને ઈરાકની રાજકીય પક્ષાપક્ષીને કારણે ફાંસી આપવામાં વિલંબ થયો. શિયા નેતાઓ તથા કેટલાક સુન્ની આરબો હિંસા વધાવાના ડરને કારણે જલદીથી ફાંસી આપી દેવાના મતના હતાં. કુર્દ મુસ્લિમો નરસંહાર ખટલાના અંત સાથે જ ફાંસી અપાય એવી માગણી કરતા હતાં, તો કેટલાક રાજકારણીઓને એવો ભય સતાવતો હતો કે જો ઈદ પર જ ફાંસી અપાશે તો સદ્દામની સજા એમને ‘શહીદ’ બનાવી દેશે. મલિકી સરકારના સલાહકાર મરિયમ રયીશના કથન અનુસાર, છેલ્લી ઘડી સુધી અનિશ્ચિતતા બરકરાર હતી.

29મી ડિસેમ્બરની મોડી સાંજ સુધીમાં સદ્દામની ફાંસી માટેના જરૂરી દસ્તાવેજો પર સહીઓ થઈ ચૂકી હતી. રાત્રે દોઢ વાગ્યે ઈરાકની અપીલ અદાલતના જજ મુનીર હદ્દાદને ફોન પર સૂચના મળી કે ફાંસીનો અમલ કરવા માટે તેઓ રાત્રે સાડા ત્રણ વાગ્યે વડાપ્રધાનના કાર્યાલય પર આવે.

મુનીર હદ્દાદ અને મુન્કિથ ફારૌન આવ્યા ત્યાં સુધીમાં ન્યાયખાતાના મંત્રી, રાષ્ટ્રીય સુરક્ષા અધિકારીઓ, સંસદસભ્યો અને મલિકી સરકારના ટોચના સલાહકારો આવી પહોંચ્યા હતાં. પરોઢિયે 5 વાગ્યે બે અમેરિકી હેલીકોપ્ટરમાં આ બધાં ગોઠવાયાં. પંદરેક મિનીટમાં તેઓ બગદાદ નજીક ખદીમિયા ખાતે, તૈગ્રિસ નદીને કાંઠે આવેલા ઈરાકી લશ્કરી થાણે પહોંચી ગયા. આ એ જ થાણું હતું કે જે પહેલા સદ્દામની લશ્કરી ગુપ્તચર શાખાનું વડું મથક હતું. અહીં જ સદ્દામ વિરોધીઓને ફાંસી અપાતી હતી.

બીજી બાજું, આ જ સમય આસપાસ, અમેરિકી લશ્કરી અધિકારીઓ બગદાદ ઍરપોર્ટ નજીક આવેલી કૅમ્પ ક્રોપર જેલની કાળકોટડીમાંથી સદ્દામને લઈને ‘ગ્રીન ઝોન’ ખાતે પહોંચ્યાં. ‘ગ્રીન ઝોન’ એ એક અભેદ્ય કિલ્લા જેવો વિસ્તાર છે કે જેમાં અમેરિકી દૂતાવાસ અને ઉચ્ચ ઈરાકી અધિકારીઓ વસે છે. અમેરિકી લશ્કરી અધિકારીઓએ સદ્દામને ઈરાકી અધિકારીઓના હવાલે કર્યા અને ત્યાંથી તેમને લશ્કરી કાફલામાં ખદીમિયા ખાતે લવાયા.

સદ્દામ હુસૈનને લઈને અધિકારીઓ આવી પહોંચ્યા ત્યાં સુધીમાં હદ્દાદ, ફારૌન અને કાર્યકારી ન્યાયમંત્રી એક નાનકડા કમરામાં ટેબલ-ખુરશી પર ગોઠવાઈ ગયા હતાં. દસેક મિનીટમાં સદ્દામ આવી પહોંચ્યા. તેમણે ઊનની હૅટ પહેરી હતી. તેઓ હદ્દાદ સામે એક ખુરશીમાં ગોઠવાયા. સદ્દામ હુસૈનના હાથોમાં પ્લાસ્ટિકની હાથકડી હતી. હદ્દાદના કહેવા પ્રમાણે, સદ્દામ જરાયે વિચલીત નહોતા.
જેવું હદ્દાદે અપીલ કોર્ટનો ચુકાદો વાંચવાનું ચાલુ કર્યું કે સદ્દામે રોષપૂર્વક કહ્યું, ‘આપણે જન્નતમાં છીએ અને આપણાં દુશ્મનો જહન્નમમાં છે. પર્શિયનો અને અમેરિકનો ભાડમાં જાય’. સદ્દામે પોતાનો અવાજ વધારીને હદ્દાદને રોકવાને કોશિશ કરી, પરંતુ પોતાનો અવાજ વધારે ઊંચો કરીને હદ્દાદે પઠન જારી રાખ્યું. ચૂકાદો વાંચવાનું પૂર્ણ થયા બાદ, જલ્લાદો આવી પહોંચ્યા. જલ્લાદોએ કાળા નકાબ પહેર્યા હતાં. તેઓ સદ્દામને એક મોટા ઓરડામાં લઈ ગયા. જેમાં કોઈ બારી નહોતી અને વચ્ચે એક સીડી હતી, જે માંચડા સુધી દોરી જતી હતી. માંચડા નીચે એક ખાઈ હતી. હદ્દાદ યાદ કરે છે કે, ‘ખૂબ જ ઠંડી હતી અને હવામાં મોતનો અણસાર હતો’.

હદ્દાદ અને ફારૌન બન્ને, સદ્દામ અને જલ્લાદો સાથે માંચડાના પગથિયા સુધી ગયાં. એક જલ્લાદે કહ્યું, ‘આપે ઈરાકનો સર્વનાશ નોતર્યો છે. ઈરાકીઓને ભૂખે માર્યા છે અને ભિખારી બનાવી દીધા છે. એક સમયે ઈરાક એક ધનવાન રાષ્ટ્ર હતું’. સદ્દામે કહ્યું, ‘મેં ઈરાકનો નાશ નથી નોતર્યો. મેં તો ઈરાકને એક ધનવાન, શક્તિશાળી રાષ્ટ્ર બનાવ્યું છે.’ ફારૌનના હસ્તક્ષેપથી જલ્લાદ ચૂપ થઈને પાછો ફર્યો. સદ્દામના હાથમાં ઘાટા લીલા રંગનું પવિત્ર કુરાન હતું. માંચડાના પગથિયા પાસે પહોંચતા તેમણે ફારૌનને કહ્યું, ‘આપ આ (પવિત્ર કુરાન) અવદ બદરના પુત્રને આપી દેશો?’. ફારૌને કહ્યું, ‘એ મને નહીં મળે તો?’ જવાબમાં સદ્દામે કહ્યું, ‘ જ્યાં સુધી મારા પરિવારના કોઈ સભ્ય આપને મળે ત્યાં સુધી તેને આપની પાસે રાખજો’.

સદ્દામે એમની હૅટ દૂર કરી. જલ્લાદે હાથકડી ખોલી એમનાં હાથ પીઠ પાછળ રાખી, ફરીથી હાથકડી પહેરાવી. સદ્દામના પગ પણ એક સાથે બાંધવામાં આવ્યાં. એક અધિકારી એ પૂછ્યું, ‘શું આપને ડર લાગે છે?’ સદ્દામ હુસૈને ખુમારીથી કહ્યું, ‘મને કશાનો ડર નથી, મેં જાતે જ આ માર્ગ પસંદ કર્યો હતો’. જલ્લાદોએ એમને માંચડા ઉપર ચડવામાં મદદ કરી. મુખ્ય જલ્લાદે સદ્દામને ચહેરા પર નકાબ પહેરવા જણાવ્યું, જેનો સદ્દામે ઈન્કાર કર્યો. જલ્લાદે કહ્યું કે એના વિના એમને વધારે તકલીફ પડશે. તો પણ સદ્દામ માન્યા નહીં. જલ્લાદે નકાબને મફલરની જેમ એમના ગળે વીંટાળી દીધો, જેથી થોડી હૂંફ રહે. હવે સદ્દામ થોડા ધ્રુજ્યા અને એમનો ચહેરો પીળો પડી ગયો. કદાચ તેઓ માની નહોતા શકતા કે એમની સાથે આ શું થઈ રહ્યું હતું. આમ છતાંયે તેઓ ડર્યા વિના ટટ્ટાર ઊભા હતાં.

સદ્દામ પ્લૅટફૉર્મ ઉપર ઊભા રહ્યાં અને બીજી વખત પ્રાર્થના રટવાનું ચાલુ કર્યું. જલ્લાદે એમને શાંત રહેવા જણાવ્યું અને… માંચડાનું પાટિયું સરકાવ્યું… ક્ષણના દસમાં ભાગમાં જ હાથ કે પગ પણ હલાવ્યા વિના સદ્દામ મૃત્યુ પામ્યા. એમનું નિશ્ચેતન શરીર પાંચ મિનીટ માટે લટકતું રહ્યું. ત્યારબાદ, મૃતદેહને નીચે લાવીને શ્વેત કપડામાં લપેટવામાં આવ્યું. એક ડૉક્ટરે એમને તપાસ્યા અને કહ્યું, ‘It is finished’…

હસતો રહ્યો January 8, 2007

Posted by Jaydeep in ગઝલો.
5 comments

જીત પર હસતો રહ્યો ને હાર પર હસતો રહ્યો
ફૂલની શૈયા ગણી અંગાર પર હસતો રહ્યો

ઓ મુસીબત ! એટલી ઝિંદાદિલીને દાદ દે;
તેં ધરી તલવાર તો હું ધાર પર હસતો રહ્યો.

કોઈના ઈકરાર ને ઈન્કાર પર હસતો રહ્યો,
જે મળ્યો આધાર એ આધાર પર હસતો રહ્યો.

કોઈની મહેફિલ મહીં, થોડા ખુશામદખોરમાં,
ના સ્વીકાર્યું સ્થાન ને પગથાર પર હસતો રહ્યો.

ફૂલ આપ્યાં ને મળ્યા પથ્થર કદી તેને ય પણ,
પ્રેમથી પારસ ગણી દાતાર પર હસતો રહ્યો.

જીવતો દાટી કબરમાં એ પછી રડતાં રહ્યાં,
હું કબરમાં પણ કરેલા પ્યાર પર હસતો રહ્યો.

નાવ જે મઝધાર પર છોડી મને ચાલી ગઈ,
એ કિનારે જઈ ડૂબી, હું ‘ધાર પર હસતો રહ્યો.

ભોમિયાને પારકો આધાર લેતો જોઈને,
દૂર જઈ એ પાંગળી વણઝાર પર હસતો રહ્યો.

                                        – જમિયત પંડ્યા ‘જીગર’

કશ્મીરની બરફવર્ષા January 4, 2007

Posted by Jaydeep in કશ્મીર ડાયરી, મારી કવિતા.
3 comments

કશ્મીરની બરફવર્ષા
હર વર્ષે એ વિચારીને આવે છે
કે આ વખતે તો
આ શાપિત અને રક્તરંજિત ભૂમિના
ખૂનના ડાઘ મિટાવી જ દઈશ…
અને
દરેક વખતે થાકી હારીને
બધો જ બરફ પીગળી જાય છે
ને એ તમામ ડાઘ છે
પોતાની જીત પર મુસ્તાક…

                                      – જયદીપ

               *********