jump to navigation

જૂનું ગુજરાતી સાહિત્ય January 22, 2007

Posted by Jaydeep in સાહિત્યનો ઈતિહાસ.
trackback

ગુજરાત પર રાજપૂતોના શાસનકાળ (746-1298) દરમિયાન બ્રાહ્મણ અને અબ્રાહ્મણ કવિઓ દ્વારા ઘણી બધી સાહિત્યીક રચનાઓ સંસ્કૃતમાં થઈ. અપભ્રંશના આગમન અને વિકાસ સાથે, એટલે કે 10મી સદી દરમિયાન, રાજકવિઓએ લોકોની ભાષા-અપભ્રંશમાં ‘રાસ’ કે ‘રાસા’ રચવાની શરૂઆત કરી. આ ભાષા મારવાડી, વ્રજ અને અન્ય બોલીઓના મિશ્રણથી બની હતી. આ રાસાઓ રાજકવિઓએ પોતાના અન્નદાતાની પ્રસંશા અર્થે લખ્યા હતાં. એ જ રીતે, જૈન સાધુઓએ પણ અનુયાયીઓને ધાર્મિક માર્ગદર્શન આપતા અને ધર્મપ્રેમી શ્રેષ્ઠીઓની પ્રશંસા કરતા ‘રાસા’ અને ‘ફાગુ’ઓની રચના કરી હતી. હેમચંદ્રાચાર્ય અને નરસિંહ વચ્ચેના સમયગાળામાં આશરે 300 જેટલાં રાસાઓ રચાયા હોવાનું જૈન વિદ્વાનોએ નોંધ્યું છે. આ રાસાઓ ભાષાના વિકાસ અંગે મહત્વની માહિતી પૂરી પાડે છે. રચનાઓની ર્દષ્ટિએ આ સમય જૈન સાધુઓના પ્રભુત્વનો રહ્યો. અન્ય રચનાકર્તાઓ માટે ધર્મનું બંધન નહોતું અને તેઓએ માનવહૃદયના બે તીવ્રતમ આવેગો-પ્રેમ અને શૌર્ય-ને આલેખતી રચનાઓ રચી. સંખ્યાની ર્દષ્ટિએ આ સમયની રચનાઓ તો ઘણી હતી, પરંતુ સાહિત્યીક ર્દષ્ટિએ મહત્વ એટલું નથી.

ઈ.સ. 1297થી 1420 વચ્ચેનો મુસ્લિમ શાસનનો સમય ગુજરાત માટે રાજકીય અનિશ્ચિતતા અને અસ્થિરતા વાળો હતો. આ સમયે, પાટણ, જેલસમેર અને ખંભાતના જૈન ભંડારાઓમાં ગુજરાતી હસ્તપ્રતો સચવાઈ રહી. આ કારણે જ બંગાળી, મરાઠી અને અન્ય ભાષાઓ કરતાં ગુજરાતી ભાષાની રચનાઓ નોંધપાત્ર સંખ્યામાં સુરક્ષિત જળવાઈ શકી. ઘણાં વિદ્વાનો માને છે કે, જૂની ગુજરાતી ભાષામાં ગદ્યની રચના ન્હોતી થઈ. જો કે, આ દલીલ ભ્રામક છે, કેમ કે, ઈ.સ. 1355 આસપાસ તરુણપ્રભજીએ રચેલી વાર્તાઓ જેવી રચનાઓ નોંધપાત્ર સંખ્યામાં આજે પણ મોજૂદ છે.

આમ, 13,14 અને 15મી સદીના સાહિત્ય અંગે ગુજરાતનો ભંડાર અમૂલ્ય છે. આજ સાહિત્ય તે સમયની ભાષા, ખાસ કરીને ક્ષેત્રીય ભાષાઓના વિકાસ ઉપર સૌથી મહત્વની સામગ્રી પૂરી પાડે છે. આ સાહિત્યની સાચવણીનો શ્રેય જૈન ભંડારાઓને ફાળે જાય છે.

હેમચંદ્રાચાર્ય (1088-1172): જૈન સાધુ હેમચંદ્રાચાર્યનું પાંડિત્ય અને પ્રતિભા અદ્વિતીય હતાં. હેમચંદ્રાચાર્યના શાણપણ અને માર્ગદર્શન હેઠળ સોલંકી રાજાઓ સિદ્ધરાજ અને કુમારપાળે ગુજરાતને ઐશ્વર્ય અને ખ્યાતિની ચરમસીમાએ પહોચાડ્યું હતું. હેમચંદ્રાચાર્ય પોતે કલ્પનાશીલ સર્જક ન્હોતાં, પરંતુ, વ્યાકરણ, ફિલસૂફી અને કાવ્યશાસ્ત્ર ક્ષેત્રે એમનું પ્રદાન એમની તીક્ષ્ણ બુદ્ધિપ્રતિભાનો પરિચય આપે છે. એમણે ‘અનેકાર્થસંગ્રહ’, ‘અભિધાનચિંતામણી’ અને ‘દેશીનામમાલા’ જેવાં શબ્દકોષ તથા ‘છંદોનુશાસન’ અને ‘કાવ્યાનુશાસન’ જેવાં કાવ્યશાસ્ત્રના ગ્રંથોની રચના કરી. જો કે, એમનું પ્રદાન ફક્ત સાહિત્ય કે વ્યાકરણ સુધી જ સીમિત નથી. એમણે ઔષધશાસ્ત્ર પર ‘નિઘંટુશેષ’, યોગ ઉપર ‘યોગશાસ્ત્ર’ અને જૈન તીર્થંકરો વિષેની દંતકથાઓ વર્ણવતા ગ્રંથ ‘ત્રિષષ્ઠીશલાકાપુરુષ’ની પણ રચના કરી હતી. જો કે, એમનો સૌથી પ્રસિદ્ધ ગ્રંથ તો છે ‘સિદ્ધહૈમશબ્દાનુશાસન’, કે જે સંસ્કૃત, પ્રાકૃત અને અપભ્રંશના વ્યાકરણની ચર્ચા કરે છે. અપભ્રંશના વ્યાકરણના નિયમોની સંહિતા બનાવીને હેમચંદ્રાચાર્યએ ભાષાને એવી જ સેવા કરી, જેવી સદીઓ પહેલાં પાણિનીએ સંસ્કૃત માટે કરી હતી. કહેવાય છે કે, સિદ્ધરાજના અનુરોધથી હેમચંદ્રાચાર્યએ ‘સિદ્ધહૈમશબ્દાનુશાસન’ની રચના કરી હતી. ગ્રંથ જોઈને સિદ્ધરાજ એટલો તો ભાવવિભોર થઈ ગયેલો, કે એ ગ્રંથને રાજાના હાથી પર અંબાડીમાં વાજતે ગાજતે શોભાયાત્રા દ્વારા રાજસભામાં લઈ આવવામાં આવ્યો હતો. મા સરસ્વતીની પૂજારુપે રાજાએ સ્વયં એ મહાગ્રંથેની પૂજા કરી હતી. અપભ્રંશ વ્યાકરણના નિયમોને સ્પષ્ટ કરવા માટે આ ગ્રંથમાં હેમચંદ્રાચાર્યએ પ્રયોજેલા દુહાઓ એ સમયની સુંદર કવિતાઓના ઉત્તમ નમૂનાઓ છે:
अंगहि अंगु ण मिलिउ हलि अहरे अहरु ण पत्तु
पिअ जोअंतिहे मुहकमलु एवंइ सुरउ समत्तु
‘મારા અંગો એના અંગોને સ્પર્શી શક્યા નહીં, મારાં હોઠ એનાં હોઠ સુધી પહોંચી શક્યા નહી; હે મિત્ર ! જેવું મેં મારા પ્રિયના મુખકમળને જોયું કે અમારા ખેલનો અંત આવ્યો.’

भल्ला हुआ जु मारिआ बहिणि महारा कंतु
लज्जेज्जं तु वयंसिअहु जइ भग्गा घरु एंतु
’હે પ્રભુ ! તારો આભાર કે મારા કંથ હણાયા. જો એ ભયથી રણમેદાન છોડીને નાસી આવ્યાં હોત તો મારી સખીઓને હું શું મોં બતાવત ?
पियसंगमि कउ णिद्दडी पिअहो परोक्खहो केवं
मइं बिण्णि वि विण्णासिआ णिद्द ण एवं ण तेवं
‘પ્રિયતમ સાથે હોય ત્યારે શી રીતે સુવાય? અને પ્રિયતમ વિના પણ કેમ સુવાય? મેં તો આ રીતે કે તે રીતે, બન્ને રીતે નીંદ ગુમાવી છે.’

ઉપરાંત, હેમચંદ્રાચાર્યએ બે ભાગોમાં ‘દ્વિઆશ્રયકાવ્ય’ રચ્યું હતું. પ્રથમ ભાગ ‘’દ્વિઆશ્રય મહાકાવ્ય’ સંસ્કૃતમાં હતું. જેમાં 20 સર્ગમાં મૂળરાજથી માંડીને સિદ્ધરાજ જયસિંહના દિગ્વિજય સુધીનો ચાલુક્ય વંશનો ઈતિહાસ અને સાથોસાથ ‘સિદ્ધહૈમઅનુશાસન’ના સંસ્કૃત વ્યાકરણના પ્રથમ સાત અધ્યાયના સૂત્રોની સમજનો સમાવેશ થાય છે. ‘દ્વિઆશ્રયકાવ્ય’નો દ્વિતીય ભાગ ‘કુમારપાળચરિત’ તરીકે ઓળખાય છે, એમાં કુમારપાળની જીવનકથાની સાથોસાથ પ્રાકૃત, શૌરસેની, માગધી, પૈચાશી અને અપભ્રંશના સૂત્રોની સમજનો સમાવેશ થાય છે. આમ, ‘દ્વિઆશ્રયકાવ્ય’ના સંસ્કૃત ભાગમાં સંસ્કૃત વ્યાકરણ અને પ્રાકૃત ભાગમાં પ્રાકૃત ભાગમાં પ્રાકૃત વ્યાકરણનો સમાવેશ થાય છે. તદુપરાંત, મૂળરાજથી કુમારપાળ સુધીના ચાલુક્ય વંશના ઈતિહાસ પર પણ એ ગ્રંથ પ્રકાશ પાડે છે.

શાલિભદ્રસૂરિ દ્વારા 1185માં રચાયેલ ‘ભરતેશ્વરબાહુબલિરાસ’એ સૌથી પ્રાચીન ઉપલબ્ધ રાસ છે. એમાં પ્રથમ જૈન તીર્થંકર ઋષભદેવના બે પુત્રો ભરત અને બાહુબલિ વચ્ચેના સંઘર્ષનું નિરૂપણ છે. ઋષભદેવને 100 પુત્રો હતાં. સત્તા માટેનો સંઘર્ષ ટાળવા માટે તેમણે સૌથી મોટા પુત્ર ભરતને ગાદી સોંપવાનો અને બીજા બધાંને જૈન ધર્મનાં અનુશાસનમાં જોડાવાનો નિર્ણય કર્યો હતો. આ નિર્ણયનો પોતાની શારીરિક અને બૌદ્ધિક તાકાત પર મુસ્તાક બાહુબલિએ અસ્વીકાર કર્યો. બાહુબલિ-ભરત વચ્ચેનાં સંઘર્ષમાં બાહુબલિનો વિજય થયો. પરંતુ, સૌનાં આશ્ચર્ય વચ્ચે બાહુબલિએ દીક્ષા ગ્રહણ કરી જૈન ધર્મની સેવાનો માર્ગ સ્વીકાર્યો. પરંતુ, અહમ ને કારણે બાહુબલિ માટે પોતાનાથી મોટા 98 ભાઈઓ સમક્ષ નતમસ્તક ન થઈ શક્યાં. ઉગ્ર તપસ્યા અને ઉચ્ચ જ્ઞાન હોવા છતાંયે બાહુબલિને કેવળજ્ઞાન પ્રાપ્ત ન થયું. એવામાં એમની બન્ને બહેનો, કે જેઓ પણ જૈન સાધ્વીઓ હતી, એમણે બાહુબલિને તનાવગ્રસ્ત જોયા. બહેનો એ ફક્ત એટલું જ કહ્યું, ‘ વીરા મોરા ગજથી હેઠા ઉતરો’. બસ, આ ટકોર કુશાગ્ર બાહુબલિના હૃદયને સ્પર્શી ગઈ. બાહુબલિ અહંકારના હાથી પરથી હેઠા ઉતર્યા, પોતાના વડીલબંધુઓને આદરમાન આપ્યા અને એમને ‘કેવળજ્ઞાન’ પ્રાપ્ત થયું.

1244માં વિનયચંદ્રરચિત ‘નેમિનાથચતુષ્પદીકા’એ સૌથી પ્રાચીન ઉપલબ્ધ ‘બારમાસી’ છે. નેમિનાથ એક પવિત્ર અને ઉમદા આત્મા હતો. એમનો વિવાહ દ્વારકાના ઉગ્રનાથની પુત્રી રાજુલ થવાનો હતો. જાનઆગમન સમયે નેમિનાથે અસંખ્ય પ્રાણીઓને વરંડામાં બાંધેલા જોયા. પૂછપરછ કરતાં જણાવાયું કે, લગ્ન ઉજવણીની વાનગીઓ રાંધવા માટે આ બધાં પ્રાણીઓની કતલ થશે. નેમિનાથનું ઋજુ હૃદય દ્રવી ઉઠ્યું. એમણે કતલના કારણવશ એવા લગ્ન ન કરવાનો નિર્ણય કર્યો અને જૈન ધર્મના પંથે પ્રયાણ કર્યું. આ તરફ, યુવાન રાજુલ તો નેમિનાથની રાહ જોઈને બેઠી હતી. રાજુલની આ પીડા એની સખીથી સહન નથી થતી.

બન્ને સખીઓને સંવાદ ધ્યાનાકર્ષક છે. અંતે નેમિનાથ પધારે છે, વરરાજા તરીકે નહીં, પરંતુ જૈન સાધુ બનીને. રાજુલ પણ જૈન ધર્મના સુપંથે પ્રયાણ કરે છે.

ઈ.સ. 1334 આસપાસ જિનપદ્મસુરિ દ્વારા રચાયેલ ‘સિરિ થુલિભદ્દ ફાગુ’ એ ગુજરાતીનો પ્રથમ ફાગુ છે. કસોટી કરવા માટે, સાધુ સ્થુલિભદ્રને એમના ગુરુ ગણિકા કોશાના ઘરે ચાતુર્માસ ગાળવાનો આદેશ આપે છે. આ જ કોશા સાથે પૂર્વાશ્રમમાં સ્થુલિભદ્ર 12 વર્ષો સુધી જોડાયેલા હતાં. કોશાનું યૌવન, જૂનો સંબંધ અને માદક મોસમ પણ સાધુ સ્થુલિભદ્રને ચળાવી શકતા નથી. એમની પવિત્રતા અને આત્મ-નિયંત્રણનો વિજય થાય છે અને કોશાનું મન પણ નિર્મળ બને છે. સ્વર્ગમાંથી દેવો સ્થુલિભદ્ર પર પુષ્પવર્ષા કરે છે.

સામાન્ય રીતે, ફાગુમાં વસંત જેવી માદક ઋતુ અને ભોગવિલાસનું વર્ણન જોવા મળે છે, પરંતુ અહીં કવિએ સાધુને ચાર માસની સ્થિરતા બક્ષવા માટે કવિએ વર્ષાઋતુ પસંદ કરી છે.

મળી આવેલા તમામ ફાગુઓમાં સર્વશ્રેષ્ઠ તો છે ‘વસંતવિલાસ’. જો કે એના કર્તા વિશે કોઈ જ માહિતી સાંપડતી નથી. પરંતુ, એ તો નિર્વિવાદ છે કે, તે જૈન નહોતાં. રચનાના સમય વિશે પણ વિદ્વાનોમાં મતૈક્ય નથી. કોઈ એને 15મી સદીની શરૂઆતમાં તો કોઈ એને 14મી સદીની મધ્યમાં મૂકે છે. આ ફાગુમાં ફક્ત 84 કડીઓ છે, પરંતુ સાહિત્યીક ર્દષ્ટિએ કોઈ અન્ય ફાગુ એને મહાત કરી શકે એમ નથી. વસંત, વિરહ, પ્રિયતમ-પ્રિયતમાનું મિલન અને એમનાં ભોગનું વર્ણન-સમગ્ર રીતે આ રચના જીવનરસના સાર્વત્રિક આનંદની રચના છે.

ઈ.સ. 1406 આસપાસ રચાયેલ ‘ત્રિભુવનદીપકપ્રબંધ’ એ જયશેખરસૂરિના સંસ્કૃત કાવ્યનો એમણે પોતે જ કરેલો અનુવાદ છે. જયશેખરસૂરિ સંસ્કૃત, પ્રાકૃત અને ગુજરાતીના પ્રખર વિદ્વાન હતાં. આ કાવ્યનાં સંપાદક કેશવલાલ ધ્રુવના મતે, ‘આ એક ગુર્જર કાવ્યથી જૈન કવિ પ્રથમ પંક્તિનો સાહિત્યકાર બને છે. કવિની પ્રતિભા વસ્તુની ગૂંથણીમાં, પાત્રની યોજનામાં અને રુપકની ખીલવણીમાં એકસરખી વિજયશાળી નીવડે છે. પ્રસ્તાવોનું વૈવિધ્ય અનેક રસની મિલાવટને પોષે છે અને કાર્યનો વેગ તથાં સંવિધાનનું ચાતુર્ય વાંચનારનું કૌતુક છેવટ સુધી ટકાવી રાખે છે…’

સમગ્ર રીતે આ સમયગાળાના સાહિત્ય પર જૈન સાધુકવિઓનું પ્રભુત્વ રહ્યું, એમનું મુખ્ય લક્ષ્ય ધર્મભાવનાની સર્વોપરિતા દર્શાવવાનો હતો. પરંતુ, અસાઈત ઠાકુર, શ્રીધર વ્યાસ, ભીમ અને અબ્દુર રહેમાન જેવા નોંધપાત્ર કવિઓએ ધર્મ સિવાયના વિષયો પર રચનાઓ કરી હતી.

આ પૈકી અસાઈત ઠાકુર દ્વારા ઈ.સ. 1361 આસપાસ રચાયેલ ‘હંસૌલી’ને ગુજરાતી ભવાઈનું આદ્ય સ્વરૂપ કહી શકાય. ‘હંસૌલી’એ ચાર ભાગમાં નરવાહન તથા હંસૌલીના વિવાહ, એમનાં પુત્રો હંસરાજ અને વચ્છરાજનાં ત્રણ જન્મોની કહાણી છે. ઈ.સ. 1399 આસપાસ શ્રીધર વ્યાસ રચિત ‘રણમલ્લછંદ’, ઈડરના રાણા રણમલ્લની પાટણના સુલતાન સાથેની લડાઈનું બયાન કરે છે. એનાં 70 શ્ર્લોકો પૈકી પ્રથમ 11 શ્ર્લોક ફારસી-અરબી શબ્દો મિશ્રિત સંસ્કૃતમાં છે. ભીમની રચના ‘સદયવત્સચરિત’ (ઈ. સ. 1410)એ ગુજરાતની જાણીતી લોકકથા સદૈવત અને સાવળિંગના પ્રેમ અને આઠ જન્મના સાથની કહાની છે. ઈ.સ. 1420માં ‘સંદેશકરાસ’ રચીને મીર અબ્દુર રહેમાન આ સમયનો એકમાત્ર મુસ્લિમ સર્જક બની રહે છે. ‘સંદેશકરાસ’, શીર્ષક સૂચવે છે એમ, ‘દૂત કાવ્ય’ છે. વિજયનગરમાં રહેતી કન્યા મુસાફર સાથે ખંભાત રહેતા પોતાના પતિને સંદેશો મોકલાવે છે. કવિએ ખંભાતનું સુંદર શબ્દચિત્ર ખડું કર્યું છે. રચનાના પ્રથમ 17 શ્ર્લોક પ્રાકૃતમાં છે.

ઉપર કહ્યું તેમ, ઈ.સ.. 1355માં તરુણપ્રભસૂરિજી એ લખેલી વાર્તાઓ –‘પ્રતિક્રમણબાલવબોધ’, ઉપરાંત, ઈ.સ. 1394માં કુલમદન ગણિએ રચેલ ‘મુગ્ધાવબોધમૌક્તિક’ એ ગદ્યરચનાનો અન્ય નોંધપાત્ર નમૂનો છે. એમાં સંસ્કૃત વ્યાકરણના નિયમો કર્તાએ સોદાહરણ આપ્યાં છે. એ સિવાય ઈ.સ. 1422માં માણિક્યસુંદરસૂરિએ રચેલ ‘પૃથ્વીચંદ્રચરિત્ર’ પણ નોંધપાત્ર છે. માણિક્યસુંદરસૂરિએ લયબદ્ધ શબ્દોનો સુંદર પ્રયોગ કર્યો છે: ‘ વન તે વન જે બહુ વૃક્ષવંત, મતિ તે જે દયાવંત, નદી તે જે નીરવંત, મેઘ તે જે સમયવંત, દેશ તે જે પ્રજાવંત, સ્ત્રી તે જે પુત્રવંત, હાટ તે જે વસ્તુવંત, ભાટ તે જે વચનવંત, ખાટ તે જે ઘરણિવંત, મઠ તે જે મુનિવંત, વચન તે જે સત્યવંત, વસ્ત્ર તે જે પખાલસાર, દ્રવ્ય તે જે ભોગસાર…’

થોડી વિશેષ માહિતી:

રાસ-રાસા: અપભ્રંશમાં રચાયેલી કેટલીક બોધાત્મક રચનાઓ ‘રાસ’ કે ‘રાસક’ના નામે જાણીતી છે. હેમચંદ્રાચાર્યના સમયમાં રાસ એ સંગીતરૂપક હતું. વાગ્ભટ્ટ એને તાલ અને લય સાથેની હળવું સંગીતરૂપક કહે છે. આ રાસાઓ મહદ્અંશે જૈનમંદિરોમાં ખાસ પ્રસંગે ગવાતાં અને સ્ત્રીઓ એમાં વર્તુળાકાર રાસ લેતી. સમય જતાં રાસામાં વાર્તાનું તત્વ વધ્યું એટલે એમાં સ્ત્રીઓને રાસ લઈને ગાવામાં અગવડતા થઈ.

રાસાઓ દુહા, ચોપાઈ અને દેશી જેવાં છંદોમાં રચાયાં છે. એનાં મુખ્યત્વે ત્રણ ભાગ હોય છે: ભાષા, ઠાવણી અને કડવાક. શરૂઆતમાં રાસાઓ મુખ્યત્વે ઉપદેશાત્મક જ હતાં પરંતુ, સમય જતાં એમાં વર્ણન, કથન, નૈતિક સૂચનો અને ધાર્મિક સિદ્ધાંતોનો એટલો વધારો થઈ ગયો કે 16,17 અને 18મી સદીના રાસાઓ ભાર અને કૃત્રિમતાથી ભરપૂર છે.

ફાગુ: ‘ફાલ્ગુન’ પરથી ‘ફલ્ગુ’ અને એ પરથી ‘ફાગુ’ શબ્દ ઉતર્યો છે. નામ સૂચવે છે એમ, ‘ફાગુ’ એ વસંતની સુંદરતા નિરૂપતી રચનાઓ છે. વસંત સાથે જોડાયલ હોવાથી એમાં સ્વાભાવિક રીતે જ મદમસ્ત યૌવન, એનો પ્રેમ અને વિરહ, મિલન અને એનો ભાવોન્માદ વગેરેનું પ્રચૂર વર્ણન આવે છે. જૈન સાધુઓ દ્વારા રચાયેલ ફાગુઓમાં આવું વર્ણન આવતું હોવા છતાં એનો અંત આત્મસંયમ અને શાંત રસમાં આવે છે.

બારમાસી: મહાકાવ્યને બાદ કરતાં, ‘બારમાસી’ એ એક એવું કાવ્યસ્વરૂપ છે કે જેનાં મૂળ આપણને શિષ્ટ સંસ્કૃત કવિતામાં જોવા મળે છે. સંસ્કૃતમાં બારમાસીના મૂળિયા છેક ‘ઋતુસંહાર’ સુધી પહોંચે છે. ગુજરાતીમાં 18મી સદી સુધી ‘બારમાસી’ઓ રચાઈ હતી. એમાં 12 મહિનાની ખૂબીઓ અને એની વિરહિણી પર થતી અસરનું વર્ણન જોવા મળે છે. આ વિરહ સામાન્યત: ‘અધિકમાસ’માં મિલનમાં પલટે છે, અને સુખાંતમાં પરિણમે છે.

પ્રબંધ: આ સાહિત્યસ્વરૂપ ગુજરાત અને માળવા સુધી જ સીમિત રહ્યું છે. સાહિત્યીક ર્દષ્ટિએ ‘પ્રબંધ’ નો અર્થ ‘રચના’ થાય છે. આખ્યાનને મળતાં આવતા પ્રબંધમાં ઐતિહાસિક કે આત્મકથનાત્મક લંબાણભર્યું વર્ણન હોય છે. મોટા ભાગે ‘પ્રબંધ’ સ્વરૂપનો ઉપયોગ જૈન કર્તાઓએ કર્યો છે.

15મી સદી પહેલા રચાયેલ પ્રબંધોનું વસ્તુ ઐતિહાસિક જ હતું અને એનો ગદ્ય ભાગ સંસ્કૃતમાં અને પદ્ય ભાગ અપભ્રંશમં રહેતો. મેરુતુંગાચાર્યના ‘પ્રબંધચિંતામણી’ (ઈ.સ. 1305) અને રાજશેખરસૂરિના ‘ચતુર્વિંશતીપ્રબંધ’ (ઈ.સ. 1349), એના સુંદર ઉદાહરણો છે. 15મી સદી પછી પ્રબંધ અને રાસા એકબીજાનાં પર્યાય બની ગયાં.

Advertisements

Comments»

1. સુરેશ જાની - January 24, 2007

વાંચવાની બહુ જ મજા આવી.
એક નમ્ર સૂચન-
આ લેખને બે કે ત્રણ ભાગમાં વહેંચી નાખશો તો સુવાચ્ય બનશે. નેટ ઉપર વાંચનીયતા વધારવી હોય તો ટૂંકા લખાણો અને અભ્યાસીઓ માટે સારા પ્રમાણમાં લીન્કો આપવી તે મારા માનવા મુજબ વધારે સારી રીત છે.

2. વિવેક - January 25, 2007

ટૂંક સમયમાં આપ ગુજરાતી સાહિત્ય પર એક પુસ્તક બહાર પાડી શક્શો એવું લાગે છે… અભિનંદન…

3. vijayshah - January 25, 2007

બહુ જ સુંદર માહિતી..

4. જયદીપ - January 30, 2007

આપનું સૂચન ચોક્ક્સ ધ્યાનમાં રાખીશ, સુરેશભાઈ…

5. manvantpatel - May 8, 2008

Jayadeepbhai !
Your language has :MAADHURYA,OJAS,AND PRASAAD.You
seem to be a very well read person ! Congratulations !

6. kamlesh patel - November 30, 2008

aa lekha kharekhar khub sarasha she haju thodi vadhare mahiti aapsho

7. m c solanki - April 26, 2010

mahendrasinh c solanki
good knowledge in samj


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: