jump to navigation

ઉઘડ્યાં નહીં February 27, 2007

Posted by Jaydeep in gujarati kavita.
3 comments

ટેરવાઓમાં તૂટ્યા ટકોરા છતાં દ્વાર ઉઘડ્યા નહીં;
અંધ ઉંબર પે ફસડાયા ઓળા, છતાં દ્વાર ઉઘડ્યા નહીં.

એક પારેવડું અધખૂલી બારીથી બહાર ઊડી ગયું;
કૈં હવામાં તરી આવ્યાં પીછાં, છતાં દ્વાર ઉઘડ્યા નહીં.

સીમ ભાંગી પડી દૂરથી આંગણે આવીને હાંફતી;
ખાલીપાઓનાં ઠલવાયાં ગાડાં, છતાં દ્વાર ઉઘડ્યા નહીં.

ઝાંઝવાં ફાળિયું પ્હેરી ઝાકળનું ફળિયામાં ઘૂમી આવ્યા;
કાચના આભથી વરસ્યા ફોરાં, છતાં દ્વાર ઉઘડ્યા નહીં.

ટોડલો, કંકુથાપા, સૂકાં તોરણો, ચીતરેલા ગણેશ;
સૌએ સાંકળના તબકાવ્યાં ઘોડાં, છતાં દ્વાર ઉઘડ્યા નહીં.

ગૂંગળાયાં ફટાણાં, પીઠી ઊતરી, સ્તબ્ધ માણેકથંભ;
કરગર્યા કૈંક અત્તરના ફાયા, છતાં દ્વાર ઉઘડ્યા નહીં.

                                                    -ભગવતીકુમાર શર્મા

Advertisements

લાપરવા ! February 23, 2007

Posted by Jaydeep in gujarati kavita.
3 comments

કો’ક દિન ઈદ અને કો’ક દિન રોજા,
ઊછળે ને પડે નીચે જિંદગીના મોજા.

કાંઈ અફસોસ નહીં, કાંઈ નહીં ફિકર,
કોઈ ચીજ તણી નહીં જિંદગીમાં જિકર.
આવે ને જાય એના વેઠવા શા બોજા ?
કો’ક દિન ઈદ અને કો’ક દિન રોજા.

માન મળે, મળે ધન-ધાન, મળે સત્તા,
પાન ચાવી બીજી પળે ખાવા પડે ખત્તા.
વાહ ભાખે કોઈ રૂડી આંખે વેષ ભાળી,
આહ નાખે કોઈ ભૂંડી મોંઢે મેષ ઢાળી.
રામ મારો રૂદે હસે, રંગ નહીં દૂજા:
કો’ક દિન ઈદ અને કો’ક દિન રોજા.

હાલ્યા કરે દુનિયાની વણઝાર ગાંડી,
કોણ બેઠું રહે એની સામે મીટ માંડી ?
દૂધ મળે વાટમાં કે મળે ઝેર પીવા,
આપણા તો થિર બળે આતમાના દીવા.
લાંબી લાંબી લેખણે ત્યાં નોંધાવી શી યાદી!
બેય કોરે આપી જવી મુબારકબાદી:
ઘેલાં ભલે ઘૂઘવે આ જિંદગીના મોજાં,
કો’ક દિન ઈદ અને કો’ક દિન રોજા.

                                       — મકરંદ દવે

ઊનાં રે પાણીનાં અદભૂત માછલાં February 20, 2007

Posted by Jaydeep in મારી પ્રિય કવિતાઓ.
7 comments

ઊનાં રે પાણીનાં અદભૂત માછલાં–
એમાં આસમાની ભેજ,
એમાં આતમાનાં તેજ;
સાચાં તો યે કાચાં જાણે કાચના બે કાચલાં:
ઊનાં રે પાણીનાં અદભૂત માછલાં.

સાતે રે સમદર એના પેટમાં,
છાની વડવાનલની આગ,
અને પોતે છીછરાં અતાગ;
સપનાં આળોટે એમાં છોરું થઈને ચાગલાં:
ઊનાં રે પાણીનાં અદભૂત માછલાં.

જલના દીવા ને જલમાં ઝળહળે
કોઈ દિન રંગ ને વિલાસ,
કોઈ દિન પ્રભુ ! તારી પ્યાસ;
ઝેર ને અમરત એમાં આગલાં ને પાછલાં:
ઊના રે પાણીનાં અદભૂત માછલાં.

                                      – વેણીભાઈ પુરોહિત 
               * * * * * * * *

Ocean Oneness February 18, 2007

Posted by Jaydeep in પ્રકીર્ણ.
add a comment

ફેબ્રુઆરીના પ્રથમ સપ્તાહાંતે ફરી એક વાર પોંડિચેરી જવાનું થયું. ફરી એક વાર એટલા માટે કે, છેલ્લા ચાર વર્ષમાં અરવિંદ આશ્રમ અને પોંડિચેરીની મારી આ ત્રીજી મુલાકાત હતી. અનાયાસે અરવિંદ આશ્રમ અને પોંડિચેરી મને એના તરફ ખેંચી લે છે. આ પહેલા બન્ને વખતે દરમિયાન ઓરોવિલૅ ખાતેના ‘માતૃમંદિર’માં ધ્યાન અને ચિર:કાલીન શાંતિનો અવિસ્મરણીય અનુભવ થયેલો. આ વખતે ‘માતૃમંદિર’ પૂર્ણતાના આરે પહોંચી રહેલું હોવાથી એમાં ચાલી રહેલા કામકાજને કારણે બંધ હતું. એથી એમાં પ્રવેશી ન શકાયું. પરંતુ, અરવિંદ આશ્રમમાં પણ એવી જ દીવ્ય અનુભૂતિ થાય છે. અરવિંદની સમાધિ, ફૂલોની ખૂશ્બુ અને સતત અવરજવર વચ્ચે પણ અદભૂત શાંતિનો અનુભવ… ખરે જ અવર્ણનીય. મહર્ષિ અરવિંદ એક મહાયોગી અને મહર્ષિ તો હતાં જ, સાથો સાથ અદભૂત દીવ્ય ર્દષ્ટા પણ હતા. એમના લખાણોમાં હિંદ અને વિશ્વ વિષેની એમની બધી જ વાતો યથાતથ સત્ય સાબિત થઈ છે.

અરવિંદ અને ગુજરાતનો સંબધ અતૂટ છે. વડોદરા ખાતે સયાજીરાવે સ્થાપેલી કૉલેજમાં (જે પાછળથી વિશ્વવિખ્યાત યુનિવર્સિટી બની) નોકરી અર્થે અરવિંદ ઈ.સ. 1893થી 1906 સુધી, એટલે કે 13 વર્ષ રહ્યા. ગુજરાત અરવિંદની સાધનાભૂમિ રહી છે, આધ્યાત્મિકતાને પ્રથમ દીક્ષા અરવિંદને ગુજરાત, વડોદરાના શાંતિપૂર્ણ જીવનમાં મળી હતી. મરાઠી અને ગુજરાતી ભાષા સાથે તેમનો નિકટનો સંબધ બંધાયો અને તેમણે કવિ ન્હાનાલાલના ‘વંસતોત્સવ’નું પઠન પણ કરેલું.

વડોદરાના નિવાસ દરમિયાન જ અરવિંદે ગુરુની શોધ આદરી. એ વખતે ગુજરાતમાં બ્રહ્મનિષ્ઠ સિદ્ધ પુરુષો અને સૂક્ષ્મ યોગશક્તિ ધરાવતા યોગીઓ પણ હતાં. એમાંથી ચાણોદના ગંગનાથ મઠના સ્વામી બ્રહ્માનંદથી અરવિંદ પ્રભાવિત થયેલા. અરવિંદે પ્રાણાયામની શરૂઆત કરી અને યોગમાં પદ્ધતિસર પ્રવેશ કર્યો વડોદરાવાસી મરાઠી યોગી વિષ્ણુ ભાસ્કર લેલે દ્વારા. યોગ ધ્યાનમાં અરવિંદની ઝડપી પ્રગતિ જોઈ લેલેએ પણ પોતાના આ મહાન શિષ્યને પ્રભુના હાથમાં જ સોંપી દીધો. પછીથી ઉદ્દામવાદી રાજકારણ, સશત્ર બળવાની યોજના, ધરપકડ અને કારાવાસ વેઠ્યા બાદ અરવિંદ પોંડિચેરી આવ્યા. અહીં એમની સાધના તીવ્ર બનતી ગઈ. એક મહાયોગી, મહર્ષિ શ્રી અરવિંદે 1950ના ડિસેમ્બરની પાંચમી તારીખે મધ્યરાત્રિ બાદ 1 કલાક ને 26 મિનીટે સ્થૂલદેહનો ત્યાગ કર્યો. દેહત્યાગ પછીના ત્રણ દિવસ સુધી એમના સમાધિસ્થ શરીરમાંથી પ્રકાશ આવતો રહ્યો. ત્રીજા દિવસે પ્રકાશ ઓસરતા એમના દેહને રેશમી ગાદી તકિયા વચ્ચે સુશોભિત પેટીમાં મૂકીને આશ્રમમાં જ એક ઘટાદાર વૃક્ષ નીચે ધરતીના ઉદરમાં ઉતારવામાં આવ્યો.

પ્રસ્તુત છે, મહર્ષિ અરવિંદે 1942માં રચેલ એક કાવ્ય OCEAN ONENESS:

Silence is round me, wideness ineffable;
White birds on the ocean diving and wandering;
A soundless sea on a voiceless heaven,
Azure on azure, is mutely gazing.

Identified with silence and boundlessness
My spirit widens clasping the universe
Till all that seemed becomes the Real,
One in a mighty and single vastness.

Someone broods there nameless and bodiless,
Conscious and lonely, deathless and infinite,
And, sole in a still eternal rapture,
Gathers all things to his heart for ever.

*   *   *   *   *   *   *   *   *   *   *   *   *   *   * 

રમા February 15, 2007

Posted by Jaydeep in મારી પ્રિય કવિતાઓ.
3 comments

વ્યોમથી જલની ધારા જોરમાં પડતી હતી;
ઢળી  પલંગને  પાયે  સુંદરી  રડતી  હતી !

ન્હાના સાદા શયનગૃહમાં સ્વચ્છ દીવો બળે છે,
વિદ્યુદ્વલ્લિ પ્રબલ ચમકી જ્યોતિ સાથે મળે છે;
સાહિત્યો કૈં બહુ નહિ દિસે, એક પર્યંક માત્ર,
થોડાં ઝીણાં રજનીવસનો, પાસમાં વારિપાત્ર.

અષાઢી કૃષ્ણ રાત્રિના બાર વાગી ગયા હતા;
પતિની રાહ જોવામાં બે કલાક થયા હતા !

વારે વારે પ્રથમ દિવસો લગ્નના યાદ લાવે,
સાથે સાથે અનુભવ તણું ધ્યાનમાં ચિત્ર આવે;
બાલાથી એ સહન ન થયું, આર્દ્ર હૈયું ભરાયું,
મૂંઝાવાથી કરુણ સ્વરમાં ગીત એકાદ ગાયું.

પતિનું ભવભૂતિનું ત્યાં ભાષાંતર સાંભર્યું;
પોતાને યોગ્ય શોધીને અશ્રુ સાથે શરૂ કર્યું:–

“છત્ર જેવા બેઠા હતા પિતાજી,
લગ્નગ્રંથિ અભિનવ રસાલ તાંજી;
જનેતાઓ રહેતાં સચિંત જ્યારે,
તે અમારા દિવસો વહી ગયા રે !”

ફેરવી પલટાવીને વનિતા રડતી હતી;
બારીએ જલની ધારા જોરમાં પડતી હતી !

થોડી વારે ત્વરાથી પરિચીત ચરણો સીડીએ સંભળાય,
”આવ્યા છે, હાશ !” એવા વચન ઉચરતી દાદરા પાસે ધાય;
માની, પ્રેમી, પ્રમાદી, અનિયમિત પતિ વાંકને કેમ જાણે ?
પોતાની ન્યૂનતા છે પ્રણય મહિં, કદી એમ ચિત્તે ન આણે !

“ બહુ વાર થઈ !” એવું કહી માત્ર રહી ગયો;
રમાહૃદયનો બંધ, હાય ! તેથી વહી ગયો !

વદનકમલ મ્લાનતા ધરે છે,
ઝળઝળિયાં નયનો જરા ભરે છે;
પતિ પણ નિરખી હવે રહે છે,
હૃદય દબાવી પછી પ્રિયા કહે છે:-

“નજર નાથ ! તમે કરતા નથી,
પ્રબલ ખેદ થતો હરતા નથી;
નહિ જરા દરકાર દિસે, અહો !
અરર ! વાંક થયો મુજ ! શું, કહો !

“આષાઢી કૃષ્ણ રાત્રિના બાર સુદ્ધાં થઈ ગયા;
ન આવી આપને તોયે આવવા જેટલી દયા !”

નીચું જોયું તરત પતિએ, ભૂલને સ્પષ્ટ જોઈ,
હૈયું ભીનું સદય બનતાં માનિતા સર્વ ખોઈ;
ચાલી લે છે કર મહિં પ્રિયા, હાથમાં હાથ જોય,
”દેવી મારી થઈ કઠિનતા: છું ક્ષમાપાત્ર તોય !”

“નથી, નાથ ! તમારો કૈં વાંક મારો જ છે સહુ;
ક્ષમા હુકમથી માગો, દીનતા ન કરો બહુ !

“મારા મહીં જ નથી માલ ખરૂં કહું છું,
મિથ્યાભિમાની મન નાહક હું રહું છું;
રે ! આપને સુખ જરાય કરી શકું જો,
શાને રહો અવર પાસ કદી તમે તો?”

“લગ્નના દિવસમાં નવી હતી,
ઠીક તેથી રમણીય લાગતી;
આપ તો પણ હતા જ તે રહ્યા;
માહરા ગુણ બધા ગયા વહ્યા !”

“પ્રેમ છે,   એટલા  માટે  પ્રેમ  માગી શકું નહીં;
ક્ષમા, નાથ ! નહીં એ મેં જાણેલું મનની મહીં !”

* * * * * * * * * * * * * *

ત્યાં તો શાથી કંઈ થઈ ગઈ બોલતી બંધ જાયા,
શબ્દો બોલ્યો પતિ પણ, અરે ! તે નહીં સંભળાયા;
કાંકે જોતાં ઝટ થઈ ગયું મેઘનું ખૂબ જોર,
વ્યાપ્યું આખા નગરની મહીં તુર્ત અંધારૂ ઘોર !

રહી જરા જરા વ્યોમે ચમકારી થતી હતી;
સુવાડી સર્વને રાત્રિ એ પ્રમાણે જતી હતી !

                                                       -કાન્ત

ધૂની માંડલિયા February 5, 2007

Posted by Jaydeep in ગઝલો.
3 comments

પર્વતોમાં પાતળું પોલાણ પણ હશે,
બેવફા કોરી નદીની તાણ પણ હશે.

માછલી તું મોજથી હરફર કરી શકે,
એટલું તો ઝાંઝવે ઊંડાણ પણ હશે.

મૂઠ દાણા જોઈ પંખી એ ભૂલી ગયું,
આટલામાં પીંજરું ને બાણ પણ હશે.

આંખથી તો ક્યારના એ નીકળી ગયા,
આંસુઓનું માર્ગમાં રોકાણ પણ હશે.

કેટલીયે વાર સામે હું રડી ગયો,
દર્પણોને પૂછો એને જાણ પણ હશે.

                                  -ધૂની માંડલિયા