jump to navigation

Honeymoon April 27, 2007

Posted by Jaydeep in ગઝલો.
2 comments

આ જાંબલી ને ભૂરી શિરાઓ અને Honeymoon,
આ શ્વાસ શ્વાસ નામનો દરિયો ને Honeymoon.

‘અંધારું’      નામનો      ઉતારી      જોડો     ઉંબરે,
આ  ચાર ભીંત એટલે માળો ને Honeymoon.

ફૂંકાય     છે    પવનની    જેમ     બંધ   બારીઓ,
ઝોકે  ચઢેલો  આંખનો  દીવો  ને  Honeymoon.

નખરાળી    ભીંત    ‘ચાટલા’માં   ‘ થોબડું’   જુએ,
ઝાકળનો હાથ, વાદળી રસ્તો ને Honeymoon.

ખાબોચિયું      ભરાઈ      ગયું      કંઠની      કને,
ખોવાઈ  ગયો  મોરનો  ટહુકો ને  Honeymoon.

જંગલ   તો   આંખ   મીંચી   અને   હાંફતું   રહ્યું,
વીફર્યા તરાપ મારતા સ્પર્શો ને Honeymoon.

                                              -હર્ષદેવ માધવ

Advertisements

મહાપ્રસ્થાન-શ્રી ઉમાશંકર જોશી April 24, 2007

Posted by Jaydeep in મારી પ્રિય કવિતાઓ.
3 comments

સહદેવ: તમને મારાય…

ભીમ: અરે,
કોણ પડ્યું? સહદેવ?

યુધિષ્ઠિર: માદ્રેય? ના, ના, મને લો
કૌન્તેયને પ્હેલો.

સહદેવ: પ્હેલો પાંચાલી પછી તો હું જ
હોઉં એ ઉચિત થશે. જીવનમાં ર્દષ્ટિ સામે
જોતો એની વિમાનના સ્પષ્ટ હું, ને મૂક રહેતો.
થતું ન કાંઈ હુંથી. મૃત્યુમાં હું સાથ આપું
પ્હેલો એને. જય હો હે બંધુવરો, જીવનનો.
મૃત્યુખોળે છોડી મને—અમને પધારો ચારે
આગે. મારા જ્ઞાનને તણે મુખે જે લાગેલ તાળું
મૌનનું તે મૃત્યુને ના ભારરૂપ હશે, હતું
જીવતેજાવત મારે એ જ તો હા સ્વયં મૃત્યુ.
બંધુવરો જયજય !

બધા: જય જય બંધુ !

ભીમ: શાને,
મહારાજ, સહદેવ જીવન છોડીને ચાલ્યો,
માદ્રીનો લાડીલો જાણી વન જતાં કુંતીમાએ
સંભાળ જેની લેવાની કરેલી વિશેષ આજ્ઞા?

યુધિષ્ઠિર: પોતે મોટો જાણ છે—એ અભિમાન હતું એને.

ભીમ: હતોયે ખરો જ ને?

યુધિષ્ઠિર: હં, હતોયે ખરો ને ન’તો.
શકતો ભવિષ્ય વાંચી, વાંચતો ને મનમાં જ
ગૂંચવાડા સતત એ અનુભવી રહેતો, કોઈ
પૂછે ના ત્યાં સુધી શબ્દ એક ના એ બોલી શકે;
પૂછ્યેથી બોલે તોયે કૈં ભાવિ જે અફર ફરે?
જાણપણ હતું એને; શાણપણ રૂડું એથી,
જે સહસા આગંતુક ઉપાધિઓમાંથી માર્ગ
કોરી કાઢે, કૃષ્ણ જેમ. શાણપણ વિનાનું જે
જાણપણ, શાપ એ તો. આપણો આ સહદેવ
ભીતરથી કોરાતો’તો શાપથી એ, જાણપણા
તણા અંચળાની હેઠે.

(હવે પછી નકુલ…)

મહાપ્રસ્થાન-શ્રી ઉમાશંકર જોશી April 17, 2007

Posted by Jaydeep in મારી પ્રિય કવિતાઓ.
3 comments

* માધ્યમિક શાળામાં ભણતાં ત્યારે ‘મહાપ્રસ્થાન’નો અંતિમ-યુધિષ્ઠિરના સ્વર્ગપ્રવેશ વાળો -ભાગ ભણવામાં આવતો હતો. ત્યારનું આ કાવ્ય હૈયે વસી ગયેલું. અહીં પાંચાલીથી શરૂ કરી ક્રમશ: પાંચેય પાંડવનો ભાગ રજુ કરીશ…*

યુધિષ્ઠિર:   હિમાદ્રી હે ! ભવ્ય તારાં શિખરોથી ભવ્યતર,
                  ઉચ્ચતર, શુભ્રતર ચારિત્ર્યલક્ષ્મી વડે જે,
                  ક્યાં છે તે સૌ પુરુષોમાં પુરુષોત્તમ, પ્રબુદ્ધ ?
                  ક્યાં છે તે મહામનીષી ? ક્યાં છે કૃષ્ણ ?
અન્ય સૌ:   કૃષ્ણ ? કૃષ્ણ !
પડઘા:       કૃષ્ણ !
યુધિષ્ઠિર:   કેવા કૃષ્ણ હવે ?
અર્જુન:       કૃષ્ણ હવે અંતર્યામી…
                  કૃષ્ણલૂખું જીવન જે, એ જ મૃત્યુ,
સહદેવ:      મૃત્યુયાત્રી,
                 ચલો, જ્યેષ્ઠબંધુ પૂઠે, હિમશય્યા મૃત્યુશીળી
                 પ્રતીક્ષા કરે છે રહી.
ભીમ:        કોણ, કોઈ પડ્યું?
                 થયો શાનો આ અવાજ?
યુધિષ્ઠિર:  અરે પાંચાલી !
ભીમ:        થાકી ગઈ કે?
                ઊંચકી લઉં આ સ્કંધે? … નથી અરે ઊચકાતી…
યુધિષ્ઠિર:  ભીમ, લાક્ષાગૃહે થકી જનેતા સમેત ચાર
                 બંધુને ઉપાડી દોડ્યો ભોંયરે તું એકશ્વાસે,
                 હતો એયે સમય, આ સમય છે જુદો, ભાર
                 સ્વકર્મનો ઉઠાવીને ચાલી શકે એ જ આજે
                 ઘણું તારે માટે. ઊઠો, પાંચાલી, યાત્રા છે શેષ…
દ્રૌપદી:      હશે તે તમારે માટે, મારી તો આ પૂરી થઈ
                 તમારી આંખોની અમીછાયા નીચે પાંચેયની.
                 વિદાય આપો અને લો. જીવનમાં પીધું-પાયું
                 સ્મરણ તેનું કરી લો. અગ્નિજા હું હતી ક્યારે–
                 ક્યારે અગ્નિજિહ્વાળી, ને તપ્ત વેણ સ્હેવાં પડ્યાં
                 હશે ધર્મરાજનેયે, ક્ષમા તેની આપો અને
                 પાંચેના જીવનમાં હું પ્રવેશી, પુરુષવરો,
                 તે પૂર્વે હતા પ્રવાસી તેમ હવેયે પ્રવાસ
                 આગે ચલાવો તમારો…
સહદેવ:     પાંચ આંગળીઓ જેવા
                 હતા પાંચેય પાંડવ;
                વળી જે મુક્કી કિંતુ
                દ્રૌપદીના પ્રભાવથી.
યુધિષ્ઠિર:  હવે અમે અગ્નિહીન સમિધ-શા જગયજ્ઞે.
અર્જુન:      કૃષ્ણે તજ્યા, તજ્યા હવે, કૃષ્ણા, તેંયે !
દ્રૌપદી:      તજી શકે
                 કોઈ કોને, જેને અરે એક વાર સ્વીકાર્યું હો
                 હૈયાએ સ્નેહાભિષેકે?
યુધિષ્ઠિર:  કોડભરી સ્વયંવરે
                 આશા છલકાતી નારી યૌવનોલ્લાસિની વધૂ
                 હતી તું શી અર્જુનની પડખે ઊભેલી, અહો
                 અદભૂત તે ચિત્ર મારાં નેત્રોની સમક્ષ સદા
                 આયુર્માર્ગે તરવર્યાં કર્યું છે. તે કોડ તારા
                 છૂંદ્યા અમે, માતા તણા વચનનિમિત્તે પંચ
                પતિ સ્થાપી તારે માટે.
દ્રૌપદી:     ભૂલી જાઓ ગત બધું
                સ્વયંવરસભામાં જો કર્ણને અન્યાય થયો
                હોય, તો તે ભૂલી જવો ઘટે, જો ભૂલી શકાય.
યુધિષ્ઠિર:  બન્નેયમાં માતા કુંતીનો જ દોષ…
દ્રૌપદી:      બસ કરો,
                 અર્જુનની જનેતાનો દોષ કશો હૈયે મારે
                નહીં વસે. માતા તણો વિષમ જે ધર્મ, મને
                ગમ ના કશીય તેની. નથી માતા, છું હું માત્ર
                પત્ની. છું હું સદાભૂખી અગ્નિજ્વાલા ઊર્ધ્વશિખ
                માનિની, પાંચેયે તમે વિવિધ પૌરુષઅંશ
               વડે તર્પી. ધન્યતા એ—મહા ચરિતાર્થતા એ
               મારી. હવે અહીંયાં આ હિમપથારીમાં જ્વાલા
               શમી-વિરમી એ જવા કરે. પંચ નાથ મારા,
               વંદના અંતિમ કરે તમોને તમારી…
યુધિષ્ઠિર: પાંચે
               તણી અનુગામિની જે સદાની તે આજ આમ
               પાંચેયની આગળ થૈ!
અર્જુન:    કૃષ્ણા !
બીજાઓ: કૃષ્ણા !
યુધિષ્ઠિર: ‘તૃષ્ણા’ મેં શું
                  ગિરિમુખે પ્રતિધ્વનિ થતો સુણ્યો? સંસારની
                  તૃષાનું તીવ્ર સ્વરૂપ હતી એ નારી, વિલીન
                  આયુષ્યકર્તવ્ય પૂરું કરી તે થઈ, સ્વરૂપ
                  અલૌકિક આભાનું જે હતું એનું, તે તો સદા
                  અમર્ત્ય છે, આપણે જો પામી શક્યા…
ભીમ:         મહારાજ,
                 ધર્મરાજ, પાંચાલીની સૌપ્રથમ આયુર્જ્યોત
                બૂઝી શેણે?
યુધિષ્ઠિર:  કહું? શું તું જીરવી શકીશ સત્ય?
                પાંચેમાં અર્જુન પ્રતિ હતો પક્ષપાત તેનો.
                લઈ વધૂ આવ્યા યજમાનગૃહે, માતા બોલ્યાં
                ‘વ્હેંચીને ભોગવો,’ ત્યારે બધા ભાઈઓનાં મુખે
                મન્મથે વલોવ્યાં હૈયાં તણી રેખાઓ ફરી વળી
                જોઈ, મેંયે માથે શબ્દ ચઢાવ્યો જનેતા તણો.
                દ્રૌપદીનું અનોખું આ દામ્પત્ય જે ખીલ્યું તેમાં
                સહજ જો ઢળી જતું—ઊછળી જતું હૃદય
               ધનંજય પ્રતિ એનું, એમાં શી આશ્ચર્ય વાત?
અર્જુન:     આશ્ચર્ય તો એ જ વાતનું કે પંચ પતિ છતાં
               માનિનીનું મન પૂરું કદાચ ના સચવાયું.
                સભામાં કટુક વેણ વદ્યો હતો કર્ણ—‘પંચ
               પતિએ તું અનાથા છે, પાંચાલી,’—સાચે જ, ખરી
               કસોટીવેળા આવી ત્યાં કૃષ્ણ તે દ્વારકાવાસી
               માત્ર એની વ્હારે ધાયા. કેવું છે અકળ અરે
               માનવજીવન, કેવાં અકળ છે પુરુષ ને
               નારી ! કૃષ્ણને શું કોઈ એક નારી શકે પામી?
               કૃષ્ણાને પુરુષ એક અથવા?
યુધિષ્ઠિર: ભારતે જોઈ
                નારી તો ગાંધારી, નારી દ્રૌપદી;
                ને બન્નેયનાં જીવન કેવાં વિક્ષિપ્ત, વિષમ, વિશીર્ણ, અરે
                ક્યારેક તો નિ:સાર શા ભાસે. ભીમ સદા રહ્યો
                તત્પર સમારવાને અપમાનો દ્રૌપદીનાં,
                કિંતુ હિડિમ્બાનો થયા પછી જ એ એનો થયો.
                અને આ અર્જુન કામ્ય ધનુર્ધર વર એનો
                વનવાસે ગયો વર્ષ બાર, ત્યારે દેશ તણે
               ખૂણે ખૂણે પ્રણય ને પરિણય લીલા એની
               વિસ્તરી. સુભદ્રા લઈ ફર્યો પાછો. બોલી હતી
               પાંચાલી ત્યાં નેત્ર કરી વિસ્ફારિત જરી: આ શું,
               અર્જુન? ભારાની એક ગાંઠ પરે બીજી વાળો,
              પ્હેલી ત્યાં શિથીલ થવાની તે થવાની જ. અરે,
               બીજી એ ન્હોતી, હતી એ કેટલામી, જાણતી ના.
               અને ગયો વનવાસે અર્જુન તે હું-નિમિત્તે !
               શસ્ત્રશાળામાં હું વસ્યો પાંચાલી સમેત, મારા
               ક્રમે, ન કો અન્ય બંધુ રહ:નિવાસમાં જૈ
              શકે—બાર વર્ષનો દેશવટો પામે—તો ય
             બ્રાહ્મણના રક્ષણાર્થે શસ્ત્ર લેવા પ્રવેશ્યો ને
             પામ્યો કિરીટી અરણ્યવાસ. મત્સ્યવેધ જેહ
             કરનારો તેને અરે દ્રૌપદીવિયોગ, આ હું
             જેનું કૈં ન પરાક્રમ તે સુખે પાંચાલી સાથે
             વસુ રે અર્થે? સમ્રાજ્ઞી બની, બેઠી સિંહાસને
             મારી જોડે, રાજમાતા તણું ભાગ્ય પામી નહીં.
             અગાધકરુણ મહાનારીનું જીવન ખરે.
            ભીમ, એક પુણ્ય રેખા ઊજળી તું જોઈ શકે?
            પંચપતિમાંથી કોઈ એકના ઢળ્યા પછી તે
             મૃત્યુ પામી હોત એ તું વિચાર સાંખી શકે કે?
ભીમ:     નમોસ્તુ દેવી…
બધા:     નમોસ્તુ…

                                                                                                (હવે પછી સહદેવનો ભાગ)

જઠરાગ્નિ April 11, 2007

Posted by Jaydeep in મારી પ્રિય કવિતાઓ.
1 comment so far

રચો, રચો અંબરચુંબી મંદિરો,
ઊંચા ચણો મ્હેલ, ચણો મિનારા !
મઢો સ્ફટિકે, લટકાવો ઝુમ્મરો,
રંગે ઉડાવો જળના ફુવારા !
રચો, રચો ચંદનવાટિકાઓ,
ઊંડા તણાવો નવરંગ ઘુમ્મટો
ને કૈંક ક્રીડાંગણ, ચંદ્રશાળા રચો ભલે !

અંતર-રૂંધતી શિલા
એ કેમ ભાવિ બહુ કાળ સાંખશે ?
દરિદ્રની એ ઉપહાસલીલા સંકેલવા,
કોટિક જીભ ફેલતો
ભૂખ્યાં જનોનો જઠરાગ્નિ જાગશે;
ખંડેરની ભસ્મકણી ના લાધશે !

(વીસાપુર જેલ, એપ્રિલ 1932)      -ઉમાશંકર જોશી

શબ્દ April 2, 2007

Posted by Jaydeep in મારી પ્રિય કવિતાઓ.
2 comments

શબ્દને ખોલીને જોયું,
મળ્યું મૌન.
શબ્દ થઈ બેઠો દુર્ભૈદ્ય.

અર્થનો પ્રકાશ
અર્ધઝાઝેરો
ખૂંતી ન શકે આરપાર.
નવલ એ આભા-વલય
બન્યું રસનું આધાન.

શબ્દ, ગર્ભદશા મહીં કર્મ.
ક્યારેક તો સ્વયં કૃતિ,
આત્માની અમરકૃતિ.

શબ્દ, ચિરંતન જ્યોતિસ્તંભ.

(અમદાવાદ 11-07-1967) — ઉમાશંકર જોશી