jump to navigation

મહાપ્રસ્થાન September 23, 2007

Posted by Jaydeep in મારી પ્રિય કવિતાઓ.
5 comments

ભીમ: મહારાજ, ખાવા ધાય
હિમાદ્રિની ભેખડો આ કારમી, સુણાય માત્ર
શ્વાસોચ્છવાસનો અવાજ અને પૂઠે આવતા આ
સ્નેહલુબ્ધ શ્વાન તણી હાંફ કેરો. ધર્મરાજ,
અર્જુન શેં પડ્યો?

યુધિષ્ઠિર: ભાઈ, ભીમ, કહું તને સત્ય?
ગાંડીવધન્વાએ કહ્યું. એક દિનમાં હું શત્રુ
સમસ્તને ભસ્મસાત્ કરી દઉં. કિંતુ ન એ
શક્ય બન્યું એનાથી, ને ખપ્યો ખોટા શૂરમાની
મહીં એ. હતું એને કે ધનુર્ધર કો ન હું-શો.

ભીમ: એને નહિ, મને અને તમને ને સૌને ન્હોતું?
ભારતમાં અપ્રતિમ ધનુર્ધારી ધનંજય
હતો-બીજો થશે ત્યારે-એનેસ્તો વિશ્વાસે તમે
મહાયુદ્ધ ખેડ્યું. મારું બળ છે અતુલ ભલે,
અર્જુનની શક્તિની સમક્ષ એ છે તૃણતોલે.

યુધિષ્ઠિર: નથી મારી ના એમાં, તું આટલો વિહવળ શાને
થાય વૃથા? નહિ અહીં રણક્ષેત્ર તણી રુદ્ર
શૌર્યભર્યા કાર્ય તણી ડમરીઓ, અહીં તો છે
શાન્ત સ્વચ્છ અવિકંપ ભારતની ઉર-ગુહા.
કાલનાં ન માપ અહીં, માપ છે અનંતતાના.
એ માપે સૌ માપવાની આવી વેળ. અર્જુનની
વીરતા અમાપ હતી. –નારાયણસખા હતો
નર એહ. કૃષ્ણ તણા અવતારકાર્ય તણી
ધુરા એને હતી વહેવાની. ગીતા પ્રબોધતી
વેળા કૃષ્ણે प्रियोડ્सि मे વચન અમોઘ કહ્યું
–તેને પાત્ર હતો એ. તું ભારે ઈષ્ટ છે મને—એ
કૃષ્ણે કહ્યું સાચ્ચું. ભીમ, તેં વિચાર્યું કદીય, શેં
કૃષ્ણની પસંદગીનો કળશ કિરીટી પરે
ઢળ્યો? ન કે બળમાં તું અર્જુનથી ઓછો હતો.
બુદ્ધિમાં, વાક્પાટવમાં, દક્ષતામાં, રાજ્યનય,
જ્ઞાન, વિધિ, શાસ્ત્ર, ધર્મવૃત્તિ ને વિજ્ઞાન આદિ
પ્રત્યેકમાં અર્જુનથી ન કે કોઈ જાય ચઢી
ભારતમાં નહિ. છતાં કૃષ્ણની તો આંખ ઠારી
કિરીટી પરે જ. કૃષ્ણ હતાં ધર્મપ્રાણ, ધર્મ
અર્થે ક્ષણેક્ષણ અર્પનારા હતા. ધર્મરાજ
કહી જેને ચઢાવ્યો’તો સિંહાસને તમે સૌએ,
તેને કૃષ્ણે કર્યો નહિ પસંદ સ્વકાર્ય માટે.
ધર્મના મૂલ્યને સ્થાપ્યું સિંહાસને, તદર્થે હું
પાત્ર હતો કદાચિત્. રે ધર્મ-ચાલના અર્થેની
કાર્યઝંઝા, જુદી જ છે વાત એ તો. સુવર્ણ જે
શુદ્ધ, તેના અલંકાર ઘડી નથી શકાતા, જો
ભેળ જરી હોય તો તે શક્ય બને. અથવા તો
માનવીમાત્રને દેવા સધિયારો દિવ્યશકિત
અસામાન્ય છોડી કરે પસંદ સામાન્ય વ્યકિત.
મધ્યમાધિકારી હતો અર્જુન, એ ન મર્યાદા
કિંતુ શક્તિ બની એની. કિંતુ અધિકાર એનો
વજ્ર સમો ર્દઢમૂલ જામ્યો હતો કૃષ્ણ-હૈયે.
ધનુર્ધર-વિદ્યા વિશે કર્ણ ઊતરે ન ઊણો,
કિંતુ એનું મુખ હતું ધર્મ ભણી સતત એ
કોણ કહી શકે? હતું અર્જુનનું નિરંતર,
એ હતો શાશ્વત અધિકાર કૃષ્ણપ્રેમ પરે
એનો. અને તોયે કેવી વિડંબના! નર બન્યો
વ્યંડળ વિરાટપુરે. મહાયુદ્ધ તણો મોભી
ભારઝલો મહારથી હતો પોતે, યુદ્ધ છેલ્લું
નિર્ણાયક જે, તથાપિ, દુર્યોધન તણો અંત
લાવનારું. તે તો જીત્યો તું જ, નકે ધનંજય.
દ્રૌપદીનો પામનાર દ્રૌપદીની માનરક્ષા
મહીં દીપી શક્યો નહિ, તારા જેવો; વધ પામ્યો
એનો અભિમન્યુ કેવો! અને એ કિશોરવીર
તણું વેર લેવા, દેવા શિક્ષા બાલઘાતકને–
જયદ્રથને પ્રતિજ્ઞા કરી બેઠો અર્જુન ત્યાં
માંડ બચ્યો પોતે, કહો, કૃષ્ણ-ચમત્કારથી જ.
–વીરગાથા કિરીટીની કરુણામિશ્રિત પૂરી.

ભીમ: ધર્મરાજ, ભાઈ, ઝાલો હાથ, આ હું પડ્યો…

યુધિષ્ઠિર: ભીમ,
ધર્મ ઝાલનાર છે હવે તો આપણા સૌ તણો.

ભીમ: મહારાજ, થઈ અનુચર આપ પૂંઠે
ચાલવાનું પુણ્ય મારું શેણે ખૂટ્યું?

યુધિષ્ઠિર: વૃકોદર,
ખાઉધરો હતો તું, ને પરવા તું અન્ય તણી
રાખતો ના. વૃદ્ધ ધૃતરાષ્ટ્રનેયે
હતું સંભળાવ્યું તેં : આ ડોસો ખાઈ ખુટાડતો,
ગાંધારી—ને કુંતી સાથે અરણ્યે એ જઈ વસ્યા.

ભીમ: ભૂલ્યા, ભાઈ, યુદ્ધાંગણે ઓગણીસમા પ્રભાતે
મને ભેટવાના સમે લોહમૂર્તિ મારી—દ્વેષી
દુર્યોધને વ્યાયામાર્થે શિબિરે રાખેલી—કૃષ્ણે
સેરવી દીધી ન હોત તો વૃદ્ધે પૂરો જ કર્યો
હોત મને સો પુત્રોના ઘાતકને. ન હું જાણું
ધર્મ તણી ઝીણી વાતો, કૃષ્ણની કળા પ્રમાણું
પૂરી નવ, ધર્મ એક : કુટુમ્બને સંરક્ષવું.
કળા એક : વિદ્વેષીને ડારવો—વિદારવો ને
એમાં જાત ઘસી દેવે. સ્થૂલતા જે દૂષણ તે
ભૂષણ બની મારે તો. દ્રૌપદી જેવી દેવીને
રીઝવવામાં ઘણી તે ખપ લાગી.

યુધિષ્ઠિર: ભીમ, તારી
ગદાની છાયામાં અમે સુરક્ષિત વસ્યા, મહા
વિજયિની ગદા તારી. નરમેધ યોજનારા
જરાસંધ સમા આતતાયીને વિદારનારી
ગદા એ જ. કૃતઘ્ન ના મને તું લેખીશ, વીર.
કિંતુ રક્ત દુ:શાસન તણું ઉષ્ણ પીનારામાં
પ્રકૃત્તિની પશુતાનો અંશ હશે કેટલો તો
સબળ? છે આશ્ચર્ય તો એ જ વાતનું કે અગ્નિ–
તત્ત્વ સમી પાંચાલીને તવ પૃથ્વી-તત્ત્વ પ્રતિ
આકર્ષણ હતું શું ય! યુયુત્સા તે બંનેયને
જોડનાર વસ્તુ હતી. કામુક કીચક મૂઢ
ને જંઘા બતાવનાર દુર્યોધન, કેશ અને
એક વસ્ત્ર ખેંચનાર દુષ્ટ દુ:શાસન, –હણી
ત્રણેયને, કરી તેં પ્રસન્ન પાંચાલી પ્રિયાને,
અને કૈં અનેક રીતે, હૃદય જેનું તો સદા
સહજ ઢળ્યું કિરીટી પ્રતિ. ભાગ્ય વિશે તારા
રહી મહાવિજયોની સ્થૂલતાની કદ્રુપતા.
ક્ષમા, બંધુ, મુખમાં તેં આંગળા નાખી બોલાવ્યું
એથી આ હું બોલી ગયો, તારા આયુષ્યની જેહ
કરુણતા તે મારીય છે જ તો. હે પ્રિય બંધુ,
જયજય!

ભીમ: જયજય મોટાભાઈ!

યુધિષ્ઠિર: હિમાદ્રિ હે,
શું ધાર્યું છે? ક્યાં છે મારી મૃત્યુશૈયા બિછાવી તે
બતાવો, ના બંધુઓ ને પત્નીથી વિદૂર થવા
ચાહું. હિમશુભ્ર મૃત્યુ પાંચેયને મળ્યું તેવું
મનેય અર્પો, અતિથી આવ્યો છું મૃત્યુવિશાળા
આંગણે તમારે, જ્યાં ના જીવનનું ચિહ્ન એકે.

અવાજ: પરમ જીવન તણે દ્વાર ઊભા છો સદેહે
સ્વર્ગભૂમિમાં પધારો, થાઓ આ રથે આરૂઢ,
યુધિષ્ઠિર ધર્મમૂર્તિ!

યુધિષ્ઠિર: ચાલ, ભાઈ શ્વાન, આવ
રથમાં લે સ્થાન, થાક્યો હશે કેવોક ચાલી.

અવાજ: રાજન, ના રથે તે બેસી શકે અપવિત્ર પશુ!
નથી એને માટે સ્વર્ગદ્વાર ખુલ્લાં.

યુધિષ્ઠિર: કોણ છો આ
સ્વર્ગલોકે માનવ ને પશુ તણો ભેદ જોતા?
સ્વર્ગદ્વાર ભલે રહે બંધ સદા મારે માટે,
ખુલ્લાં જો ન હોય તે આ શ્વાન કાજે. ચાલ્યા અમે
હસ્તિનાપુરેથી દઈ વિદાય સૌ જનસંઘ
વિશાળને, ત્યારે માત્ર અકારણ સ્નેહસૂત્રે
બંધાયેલો ખેંચાઈ આવ્યો શ્વાન પૂંઠે પૂંઠે,
માનવ ને પશુની જે અયુત વર્ષોથી મૈત્રી
વિકસી રહી તેના કો અમોઘ પ્રતીક સમો.
તેને તરછોડવાનું કહેનાર હો ભલે ઈન્દ્ર
હો વા સ્વંય ધર્મ, નથી બનનાર એ કદાપિ
મારાથી.

અવાજ: હે યુધિષ્ઠિર, પાંચાલી ને સહદેવ,
નકુલ, અર્જુન, ભીમ હિમશય્યા વિશે રહેશે.
શ્વાનનો શો મોહ એવો તમોને કે એના વિના
સ્વીકારો ન સ્વર્ગમાં પ્રવેશ.

યુધિષ્ઠિર: જેવું જેનું પુણ્ય.
ઢળ્યાં પત્ની-બંધુ વચ્ચે, કિંતુ શ્વાનનો ને મારો
સમાન છે અધિકાર, સ્વર્ગદ્વારેયે શું અરે
ભેદ પ્રાણી પ્રાણી વચ્ચે, –નરક વિરચી દેતો
જેહ બધે? સ્વર્ગ, તો , આ સ્વર્ગ નથી.

અવાજ: યુધિષ્ઠિર,
જો એ નહિ હોય સ્વર્ગ, તોય પુણ્ય પગલાં આ
તમારાં પડ્યેથી થશે અવશ્ય કરી જ સ્વર્ગ.
ચાલો, કરું છું સ્વાગત યમદેવ તમારું હું,
ઈન્દ્ર-રથ સજ્જ લઈ જવા છે આ ઊભો.

યુધિષ્ઠિર: ભાઈ
શ્વાન ચાલ.

યમદેવ: શ્વાન ક્યાં છે? છું હું એકમાત્ર અહીં,
માર્ગ આખે ધર્મફોર્યાં પગલાં સૂંઘતો ચાલ્યો
આવું છું, ત્યારે મારા જ સ્વર્ગમાં પ્રવેશવાનો
પામું છું નવધિકાર કો દીધેલો પુણ્યાળુએ.

મસૂરી 17-19-05-1964           –ઉમાશંકર જોશી.

Advertisements

પગલું September 13, 2007

Posted by Jaydeep in મારી પ્રિય કવિતાઓ.
4 comments

પગલું મેં માંડ માંડ દીધું’તું માંડવા
ને તેં તો લંબાવી દીધી કેડી!

આંખોમાં અમથું મેં સ્મિત દીધું ત્યાં તો તેં
નજરુંની બાંધી દીધી બેડી!

હૈયાનાં દ્વાર હજી ખૂલ્યાં–અધખૂલ્યાં ત્યાં
અણબોલી વાણી તેં જાણી!

અંધારા આભે આ બીજ સ્હેજ દેખી ત્યાં
પૂનમની ચાંદની માણી!

પળની એકાદ કૂણી લાગણી પ્યાલીમાં,
આયુષની અમીધાર રેડી.

પગલું મેં માંડ માંડ દીધું’તું માંડવા
ને તેં તો લંબાવી દીધી કેડી!

                                         -ગીતા પરીખ

મહાપ્રસ્થાન September 3, 2007

Posted by Jaydeep in મારી પ્રિય કવિતાઓ.
2 comments

ભીમ: ધબ અવાજ ફરી થયો.
પડ્યું શું કો?

અર્જુન: નકુલ…

યુધિષ્ઠિર: હા, જોડિયો એ બંધુ શેણે
દૂર રહે ઝાઝો સહદેવ થકી?

નકુલ: જાણું છું હું–
સહદેવ જેટલોયે ખપનો હું ન્હોતો કદી,
ભારતના મહાયુદ્ધે અર્પણ નથી કૈં મારું
એવું, કિંતુ જનકુલે જીવવું વર્તવું રહેવું
કેવી રીતે તેનો કૈં મેં પ્રત્યક્ષ પદાર્થપાઠ
છે ખરો. આ ક્ષણે ક્ષીણ પ્રાણશક્તિ થયે
પડ્યો હું ઢળી અવશ અસુભગ જે પ્રકારે
નથી તે ગમ્યું મને કૈં. મૃત્યુ સામે અમર્ત્ય તે
જીવનસૌન્દર્ય તણો જયજયકાર બોલી
માગું હું વિદાય. જયજય બંધુવરો!

ત્રણે: જય બંધુ!

ભીમ: મહારાજ, કેમ તમે જેને યક્ષપ્રશ્ન-
વેળાએ જિવાડ્યો પ્હેલો, નકુલ તે રૂપ રૂપ-
નો અંબાર ગ્રસી લીધો હિમે? કેમ રૂપ એહ
અપ્રતિમ નામશેષ થઈ ગયું?

યુધિષ્ઠિર: બંધુ ભીમ,
નકુલના દેહરૂપગર્વનો ન પાર હતો.

ભીમ: ભારતમાં હતો વધુ રૂપવાન કોઈ!

યુધિષ્ઠિર: ભલા કૃષ્ણ દ્વૈપાયન વ્યાસ કિંચિતે જોયા રૂપાળા?
માતા અંબિકાએ મીંચી આંખોને અંબાલિકા તો
ફિક્કી થઈ ગઈ લોહી ઊડી ગયા સમી. –ભીમ,
રૂપ તું શામાં શોધે છે? રૂપ રૂપના અંબાર
કૃષ્ણ દ્વૈપાયન મહીં ઉલ્લસ્યા, કે ઉલ્લસ્યા’તા
કૃષ્ણ વાસુદેવ મહીં, જેની તો આંતરબાહ્ય
મુરત હતી જ રૂપલાવણ્યસભર. અરે
નકુલની સુકુમાર કલાર્દષ્ટિ, રસરુચિ,
સૌન્દર્ય-અભિનિવેશ, –ચિત્તના ને કર્મ તણા
ખમીરની ઊણપે સૌ વરવાં બની જતાં એ.
નકુલના રૂપ પરે કેટલીક વારી ગઈ
કૃષ્ણા, એ જ જોને? ભીમ, નકુલની કરૂણતા
એ જ કે એ લોભાઈને બાહ્ય સૌન્દર્યથી રહ્યો
રીઝી, ન અંત:સૌન્દર્ય ખીલવવા આકર્ષાયો.

ભીમ: શો ધુબાકો કારમો આ?

યુધિષ્ઠિર: અર્જુન હા ધરાશાયી
થયો! ભીમ, અર્જુન જે હાથપગ આપણા—સૌ
પાંડવોના પરિવાર બૃહતનો સ્તંભ જેહ.

અર્જુન: હતો કૃષ્ણનું કરણ, ઉદ્યત બાહુ હું હતો
દિવ્યતાનો. કૃષ્ણ જતાં ગાંડીવધારીને લૂંટ્યો
કાબે. સ્વંયવરકાલે અંતરમાં પૂછ્યું’તું મેં:
કૃષ્ણ, કહો, આ કાર્યમાં સ્હાય શી તમારી હશે?
અંતર્યામી ત્યાં તો તો બોલ્યા: પલ્લામાં રાખી ધારણ
ઊભા રહેવું, ચકરાતા મત્સ્યની પાણીમાં છાયા
જોઈ એને વીંધવું, –એ સર્વ કૈં તારે જ પાર
પાડવાનું… કૃષ્ણ ત્યારે, તમારી શી સ્હાય હશે?
વદ્યા અંતર્યામી: કહું? હું તો માત્ર નીચેનું આ
પાણી ના ડ્હોળાય તેની રાખીશ, અર્જુન, ભાળ.
તે દીથી આ હૃદયને અણડ્હોળ્યું રાખી, તેમાં
લક્ષ્યની છબી સુરેખ સ્વચ્છ ઝીલવા મથ્યો છું
ઘાતક, શિખણ્ડી-ઓથે રહી શર વર્ષનાર
વીર! વીરા કર્ણનો છું પ્રાણાઘાત કરનારો–
રથચક્ર પૃથ્વીગ્રસ્યું કાઢતા મહારથીનો.
જ્યેષ્ઠ હે બંધુઓ, ભીમ મહારાજ યુધિષ્ઠિર.
કૃષ્ણની આંખે જો રહ્યો દેખતો, દેખતો, વિસાર્યા યદિ
તમોને, ક્ષમા કરો. હે બંધુવરો જયજય!

                                                        —ઉમાશંકર જોશી

(અંતિમ ભાગમાં ભીમ અને યુધિષ્ઠિરના સ્વર્ગારોહણ વિષે…)