jump to navigation

અલવિદા… વાદી-એ-કશ્મીર October 15, 2007

Posted by Jaydeep in કશ્મીર ડાયરી.
4 comments

મિત્રો,

વાદી-એ-કશ્મીરને અલવિદા કહેવાનો વખત આવી ગયો છે. મારી બદલી શ્રીનગર, કશ્મીરથી રાજકોટ, ગુજરાત ખાતે થઈ છે. હું 19મી ઓક્ટોબર, 2007ના રોજ કાર્યમુકત થઈ, 29મી ઓક્ટોબર, 2007ના રોજ રાજકોટ કાર્યાલયમાં કામકાજની શરૂઆત કરીશ. કશ્મીરમાં વીતાવેલો સમય તો ક્યારેય નહીં ભૂલાય. અહીં મળેલા મિત્રો અને  શીખેલા પાઠોએ જીવનને એક નવી જ રાહ બક્ષી છે, અને એ માટે કશ્મીર પોસ્ટિંગ હંમેશા માટે અવિસ્મરણીય બની રહેશે. kashmir_pic11.jpg

વતનવાપસીથી આ બ્લોગ પર સાહિત્યની સરવાણી વધારે જોશથી વહેશે એવી અપેક્ષા.

રાજકોટ જઈને આપને પુન: જલદીથી મળું એવી આશા સહ…….    જયદીપ ટાટમીયા, શ્રીનગર.

Advertisements

દુઆ May 31, 2007

Posted by Jaydeep in કશ્મીર ડાયરી.
2 comments

dsc00407.jpg

દરરોજ સવારે ચશ્મે-શાહી પાસે આવેલા મારાં નિવાસસ્થાનથી ઑફિસ જતી વખતે મુખ્ય માર્ગ પર દુઆ-એ-રસૂલ (સ.અ.વ.) નો આ સંદેશ વાંચીને દિલ હંમેશા કશ્મીર માટે પ્રાર્થના કરે છે કે, હે અલ્લાહ ! કાશ, એ જલ્દી થાય…

અલ્લાહૂમ ઝ ફી અરઝિના બરકતહા વ ઝિનતહા વ સકનહા

યા અલ્લાહ ! દે હમારી ઝમીં મેં બરકત ઔર શાદાબી ઔર અમન…

                                                            -દુઆ-એ-રસૂલ (સ.અ.વ.) 

કશ્મીરની બરફવર્ષા January 4, 2007

Posted by Jaydeep in કશ્મીર ડાયરી, મારી કવિતા.
3 comments

કશ્મીરની બરફવર્ષા
હર વર્ષે એ વિચારીને આવે છે
કે આ વખતે તો
આ શાપિત અને રક્તરંજિત ભૂમિના
ખૂનના ડાઘ મિટાવી જ દઈશ…
અને
દરેક વખતે થાકી હારીને
બધો જ બરફ પીગળી જાય છે
ને એ તમામ ડાઘ છે
પોતાની જીત પર મુસ્તાક…

                                      – જયદીપ

               *********

નૌશીન મુબારક December 21, 2006

Posted by Jaydeep in કશ્મીર ડાયરી.
4 comments

kashmir_pic23.jpg

આજે 21મી ડિસેમ્બર. દર વર્ષે આ દિવસે વાદી-એ-કશ્મીરમાં ‘ચિલાઈ કલાન’ની શરૂઆત થાય છે. આ ચિલાઈ કલાન એટલે આજથી આવનારા ચાલીસ દિવસો સુધી ગાત્રો ગાળી નાખતી ઠંડીનો સમયગાળો. ચિલાઈ કલાન પૂરો થશે 31મી જાન્યુઆરીએ. 1લી ફેબ્રુઆરીથી 20 દિવસો માટે શરૂ થશે ‘ચિલાઈ ખુર્દ’. ચિલાઈ ખુર્દમાં ઠંડી થોડીક ઘટે છે. ત્યારબાદ, ઠંડીના 10 દિવસનો અંતિમ સમયગાળો, એટલે કે ‘ચિલાઈ બચ’. એનો અર્થ છે ઠંડીના બચ્યા દિવસો…. અને પછી આવશે ખુશનુમા મૌસમ અને રૂમઝૂમ કરતી વસંત પગરણ માંડશે, ને ભાત ભાતના ફૂલોથી વાદી મહેંકી ઉઠશે… જેના માટે વાદી-એ-કશ્મીર મશહૂર છે. પરંતુ એને તો હજુ ત્રણ મહિનાની વાર છે…!!!

તો હા દોસ્તો, આજથી ચિલાઈ કલાનની શરૂઆત થઈ ગઈ છે. આજે સવારે જ શ્રીનગરમાં કલાકેક માટે બરફવર્ષા થઈ. ત્યારબાદ, વરસાદ પડ્યો. આમ તો ગુલમર્ગ અને સોનમર્ગમાં તો ક્યારનો યે બરફ પડી ચૂક્યો છે. મારી બાલ્કનીમાંથી નજરે પડતા સામેનાં પહાડો (જે ઉપરની તસવીરમાં દૃષ્યમાન થાય છે) પર પણ શ્વેત બરફથી થોડાં આવૃત થઈ ચુક્યા જ છે, પણ શ્રીનગર શહેર માટે આજની બરફવર્ષા એ આ વર્ષની પ્રથમ બરફવર્ષા છે. કાઠિયાવાડમાં જેમ વરસાદ જીવન જરૂરી છે એમ અહીં ઘાટીમાં બરફ એટલો જ જરૂરી છે. લોકો ‘નૌશીન’ (નવાં બરફની) વધાઈ આપે છે. પ્રથમ બરફવર્ષા ટાણે ઘરની નવી વહુને ‘નૌશીન હબી ખોતય’ એટલે કે ‘નવો બરફ મુબારક હો’ એમ કહીને વધાવાય છે. નવી વહુ પોતાના પીયરથી સૌના માટે સ્વાદિષ્ટ વાનગી બનાવી લાવે છે.

ચાલો, તો સૌને જયદીપના ‘નૌશીન મુબારક’…

કશ્મીરના સૂફી સંતો November 12, 2006

Posted by Jaydeep in કશ્મીર ડાયરી.
4 comments

કશ્મીરની સંસ્કૃતિ તથા પરંપરા પર સૂફી ફિલસૂફીની ગાઢ અસર રહી છે. ઈરાન અને મધ્ય એશિયાના ફિલસૂફો દ્વારા અહીં સૂફી પરંપરાના પગરણ થયા. સ્થાનિક લોકો તો કહે છે કે, પહેલાં જ્યારે ઝઘડો થતો ત્યારે કાંગડી એ સૌથી મોટું ‘હથિયાર’ હતું. એટલે જ તો, કશ્મીરમાં ક્યારેય હિંદુ-મુસ્લિમ રમખાણો થયા નથી. શાહ, ભટ, પંડિત, બઝાઝ, કૌલ, ચલ્લૂ, હન્ડૂ, લાલા, જાલા, ખાન, મલ્લા, કલ્લા, મચામા, મુન્શી, થપલૂ, રેષિ વગેરે જેવી અટકો કશ્મીરી પંડિતો અને મુસ્લિમો બંનેમાં જોવા મળે છે. ત્રાસવાદ તો બહુ પાછળથી આવ્યો. (અત્યારે તો એકે-47ની બોલબાલા છે. ઘણાં કહે છે કે, કોઈ પણ પ્રકારના હથિયારો શ્રીનગરમાં સહેલાઈથી પ્રાપ્ય છે. સાદી હૅન્ડગ્રેનેડને અહીં ‘આલૂ’ તરીકે ઓળખવામાં આવે છે. ઉપરાંત, હમણાં હમણાંથી ચાઈનીઝ બનાવટની આકારમાં ચોરસ અને વધુ ઘાતક એવી ગ્રેનેડ પણ આવી પહોંચી છે…)

12મી સદીમાં બુલબુલ શાહ ઈરાનથી કશ્મીર આવ્યા હતા. તેમની મઝાર શ્રીનગરના આલી કદલ વિસ્તારમાં મોજૂદ છે. એને કશ્મીરમાં ઈસ્લામના પગરણની શરૂઆત માની શકાય. 1314માં ઈરાનના હમદાનમાં જન્મેલા વિદ્વાન સૈયદ અલી હમદાની ઈ.સ. 1372માં પ્રથમ વાર કશ્મીર આવ્યા હતા. 1379માં બીજી વાર અને 1383માં ત્રીજી વાર તેમણે કશ્મીરની મુલાકાત લીધી હતી. એ સમયે હિન્દુ ધર્મના અગત્યના સ્થળો જેવા કે અવંતિપુર અને મટનમાં તેઓ ઈસ્લામના અનુયાયીઓને મુકતા ગયા હતા. સૈયદ અલી હમદાનીની મઝાર પણ આલી કદલ વિસ્તારમાં જ આવેલી છે. આમ, ‘શાહ-એ-હમાદાન’ સૈયદ અલી હમદાનીની મુલાકાતો બાદ કશ્મીરમાં ઈસ્લામના પ્રસારની પ્રક્રિયાને બળ મળ્યુ હતું. સૈયદ અલી હમદાની બાદ તેમનું કાર્ય તેમના પુત્ર સૈયદ મુહમ્મદ હમદાનીએ આગળ ધપાવ્યું. જો કે તેમનો અભિગમ વધારે આક્રમક હતો.

આ પછી થયેલા સ્થાનિક કશ્મીરી સૂફી-ઋષિઓ એકદમ ઉદાર અને સહિષ્ણુ હતાં. આ પરંપરામાં લલ્લેશ્વરી (લાલ દેદ) અને શેખ નૂરૂદ્દીન (નંદ ઋષિ) મુખ્ય છે. લલ્લેશ્વરીનો જન્મ 1317માં શ્રીનગરની ભાગોળે આવેલા પમ્પોરમાં થયો હતો. આ પમ્પોરમાં જ જગવિખ્યાત કશ્મીરી કેસરની ખેતી થાય છે. લલ્લેશ્વરી સુખી કુટુંબનું સંતાન હતી, પરંતુ લગ્ન બાદ સાસરિયામાં દુ:ખી થતાં તેમણે ગૃહત્યાગ કર્યો હતો. ત્યારબાદ, એ જંગલોમાં ભટકતા અને ક્યારેક તો તેમના શરીર પર પૂરતાં કપડાં પણ ન રહેતા. પરંતુ, લલ્લેશ્વરીના મુખમાંથી નીકળતો દરેક શબ્દ મંત્ર બની જતો. લલ્લેશ્વરી પાસે ગૂઢ ભાષામાં, થોડા શબ્દોમાં ઘણું બધું કહી દેવાની અદભૂત શક્તિ હતી.

શેખ નૂરૂદ્દીન (નંદ ઋષિ)નો જન્મ 1378 આસપાસ થયો હતો. એવું કહેવાય છે કે, જન્મ બાદ શેખ નૂરૂદ્દીન સ્તનપાન કરતા નહોતા. એટલામાં ત્યાં લલ્લેશ્વરી આવી ચડતાં તેમણે સૂફિયાના અંદાજમાં કહ્યું, ‘યલિ ન ઝેન્ય મંદછોખ, ચેનઅ ક્યાઝિ છૂખ મંદછાન’, અર્થાત, ‘જનમ લેતી વખતે શરમ ન આવી અને હવે સ્તનપાન કરવામાં શેની શરમ આવે છે?’. બસ, તુરંત જ શેખ નૂરૂદ્દીને સ્તનપાન શરૂ કરી દીધું હતું. શેખ નૂરૂદ્દીનના ભાઈઓ ચોરી કરતા હતા. શરૂઆતમાં શેખ નૂરૂદ્દીન પણ ચોરીના રવાડે ચડ્યા હતા. પરંતુ, એ પવિત્ર આત્માએ જલ્દીથી એ બધું છોડી, સત્યનો માર્ગ અપનાવ્યો. ‘નંદ ઋષિ’ તરીકે આજે પણ તેમનું નામ લેતાં જ તમામ હિન્દુ-મુસ્લિમોના મસ્તક આપોઆપ નમી જાય છે. નંદ ઋષિની મઝાર કશ્મીરના ચરાર ગામમાં છે. (એ જ ચરાર ગામ કે જ્યાંની પવિત્ર દરગાહ ‘ચરારે-શરીફ’ મસ્ત ગૂલ નામના ત્રાસવાદીએ જલાવી દીધી હતી.)

આ સંસ્કારી અને સ્વર્ગસરીખા કશ્મીરમાં કોણ જાણે કોના પાપે આજે છાશવારે ગ્રૅનેડ ફેંકાય છે, અને બેરહમીથી નિર્દોષોને હણવામાં આવે છે. રાજકારણ અને રાજકારણીઓ સ્વર્ગને પણ નર્ક બનાવી શકે છે અને છતાંયે તેમના પેટનું પાણી પણ હલતું નથી. કશ્મીર એનું જ્વલંત ઉદાહરણ છે…

કશ્મીર ડાયરી October 15, 2006

Posted by Jaydeep in કશ્મીર ડાયરી.
8 comments

દંતકથા અનુસાર એવું મનાય છે કે, પ્રાગૈતિહાસિક કાળમાં, હાલમાં જ્યાં કશ્મીર છે ત્યાં ‘સતીસર’ નામે એક વિશાળ પર્વતમંડિત સરોવર હતું. ‘જલાદભવ’ નામનો રાક્ષસ આ સરોવરની ઉત્તર-પશ્ચિમ દિશાએ પાણીના પ્રવાહને રોકીને બેઠો હતો. કશ્યપ ઋષિએ પોતાની સર્વ આધ્યાત્મિક શક્તિ આ રાક્ષસના સંહાર માટે ખર્ચી. ભગવાન શંકર પાસેથી કશ્યપ ઋષિને મળેલા વરદાનના પ્રતાપે, આ સરોવરનો પ્રવાહ વહેતો થયો અને અહીંની ભૂમિ મનુષ્ય જીવન માટે યોગ્ય બની. અત્યારના વૂલર, દલ, અંચર, હોકરસર અને બીજા અસંખ્ય નાના-મોટા સરોવરો એ ‘સતીસર’ના અવશેષો છે. કશ્યપ ઋષિના નામ પરથી કાળક્રમે આ ભૂમિ ‘કશ્મીર’ તરીકે ઓળખાઈ. અસંખ્ય શૈવ મંદિરો અને શક્તિમંદિરો સમગ્ર કશ્મીરમાં પથરાયેલા છે અને મહદ અંશે પ્રાચીન છે. ‘શિવરાત્રી’ એ કશ્મીરી પંડિતોનો સૌથી મહત્વનો તહેવાર છે.

‘શ્રીનગર’ નો પાયો સમ્રાટ અશોકે ઈસવીસન પૂર્વે ત્રીજી સદીમાં નાખ્યો. અત્યારે તો આ નગર ત્રાસવાદથી ઘાયલ છે. ઠેર ઠેર ગોળીઓના નિશાનવાળાં, ક્યાંક અર્ધ જલેલા અને કશ્મીરી પંડિતો દ્વારા ત્યજાયેલા મકાનો નગરને બિહામણું સ્વરૂપ જરૂર આપે છે. ઠેર ઠેર સલામતી દળોની નાકાબંધી અને તલાશી મનમાં થોડો ભય જગાવી દે છે. કેવી કમનસીબી છે આ ભૂમિની, કે જ્યાં એક તરફ પ્રાચીન-પ્રાગૈતિહાસિક અવશેષો ચારે તરફ વિખરાયેલા છે અને કુદરતે પોતાની અમાપ સુંદરતા બક્ષી છે; તો બીજી તરફ ભયાવહ ત્રાસવાદ એ બધાંને જાણે કે નષ્ટ કરવા પ્રતિબધ્ધ છે…છોડો એ બધું, આજે વાત કરીએ ‘હરિપર્બતની’:

જુનાં શ્રીનગરના હાર્દમાં રહેલ ‘હરિપર્બત’ વૈદીક વારસો જાળવીને બેઠો છે. 12મી સદીના ઈતિહાસકાર કલ્હણની ‘રાજતરંગિણી’માં એનો ઉલ્લેખ ‘કશ્મીરના આધ્યાત્મિક કેન્દ્ર’ તરીકે થયો છે. ‘હરિપર્બત’ ફરતે ઈ.સ. 1592માં સમ્રાટ અકબરે કિલ્લો બાંધ્યો. મહાભારત અને અન્ય ધાર્મિક ગ્રંથોમાં એનો ઉલ્લેખ શક્તિની ‘प्रद्युम्नपीठम’ તરીકે થયેલો જોવા મળે છે. દેવી શારિકા તરીકે આ શક્તિ અહીં પૂજાય છે.

‘હરિપર્બત’ની ખાસિયત એ છે કે, એનો એક એક પથ્થર જાણે કે કુશળ ઘડવૈયાએ ઘડ્યો હોય એવું પ્રતીત થાય છે. સૌરાષ્ટ્રમાં જેમ ગિરનારની પરિક્રમા પવિત્ર મનાય છે, તેમ અહીં ‘હરિપર્બત’ની પરિક્રમા પણ પવિત્ર મનાય છે, પણ ત્રાસવાદના પ્રતાપે હવે કોઈ પરિક્રમા કરતું નથી. કશ્મીરી સાહિત્યકાર અને સંસ્કૃતના વિદ્વાન ગુલામ રસૂલ મીર ‘સંતોષ’ એ ‘હરિપર્બત’ ઉપર ઊંડું સંશોધન કર્યું છે. તેમનાં મંતવ્ય અનુસાર, ‘હરિપર્બત’ના ઘડાયેલા પથ્થરો મૂર્તિઓનું સ્વરૂપ છે. એવું પણ મનાય છે કે, ‘હરિપર્બત’માં 9 કરોડ દેવીઓનો નિવાસ છે.

હરિપર્બત’માં ઉપર એક તરફ દેવી શારિકાનુ મંદિર છે, બીજી તરફ, થોડાં નીચે આવતા મખદૂમી સાહેબની દરગાહ છે, જેને સ્થાનિક મુસ્લિમો પવિત્ર માને છે અને દરેક શુભ કાર્ય પહેલાં અહીં માથું ચોક્ક્સ ટેકવે છે. તળેટીમાં નીચે આવતાં, એક પુરાણું ગુરુદ્વારા છે. એની પણ એક અલગ દાસ્તાન છે, જે ફરી ક્યારેક.

કશ્મીર આવતા સૌ પ્રવાસીઓને મારી ભલામણ છે કે, ‘હરિપર્બત’ ચોક્ક્સ જાય અને ઉપરોક્ત ત્રણેય પવિત્ર ધામોની મુલાકાત જરૂરથી લે.

******************