jump to navigation

ગીતાંજલિ November 7, 2006

Posted by Jaydeep in 'ગીતાંજલિ'-ધૂમકેતુ.
1 comment so far

2. જ્યારે તું મને ગાન ગાવાની આજ્ઞા આપે છે, ત્યારે લાગે છે કે મારું હૃદય હમણાં એ ઉત્સાહ-ગર્વને લીધે તૂટી જશે. હું તારા ચહેરા તરફ જોઉં છું, અને મારી આંખમાં આંસુ આવી જાય છે !

મારાં જીવનમાં જે કંઈ કર્કશ અને અસંગત છે, એ બધું, એક મધુર સ્વરમેળમાં પરિણમે છે-અને સમુદ્ર પાર કરવા નીકળેલા આનંદમગ્ન પંખીની જેમ, મારી પ્રેમભક્તિ પોતાની પાંખો વિસ્તારે છે. હું જાણું છું કે તું મારા ગીતમાં આનંદ લે છે. તારી સમક્ષ હું એક ગીતગાયક તરીકે જ આવી શકું, એ પણ હું જાણું છું.

મારાં ગાનની, વિસ્તીર્ણ પાંખની માત્ર એક કોરથી, તારાં ચરણનો સ્પર્શ હું પામું છું. એ ચરણ કે જેને પહોંચવાની આકાંક્ષા તો હું કદાપિ રાખી શકું નહીં.

ગાનની આનંદ-મસ્તીમાં હું મારી જાતને ભુલી જાઉં છું, અને તને સખા કહી બેસુ છું ! ભુલી જાઉં છું કે તું તો મારો સ્વામી છે !

–‘ગીતાંજલિ:ભાવાનુવાદ-ધૂમકેતુ

*****

Advertisements

ગીતાંજલિ October 29, 2006

Posted by Jaydeep in 'ગીતાંજલિ'-ધૂમકેતુ.
2 comments

“જે ગાન કાને જાય ના શોના, શે ગાન જે થાય નીત્ય બાજે,
પ્રાનેર બીના નીયે જાબો, શેઈ અલતેર શાભાર માઝે
ચીર દીનેર સુરહી બેંધે, શેષ ગાને તાર કાન્ના કેંદે
નીરવ જિનિ તાહાર પાયે, નીરવ બીના દીબો ધરી”…

1956માં મૂર્ધન્ય સર્જક શ્રી ધૂમકેતુ દ્વારા ‘ગીતાંજલિ’ના ભાવાનુવાદની પ્રથમ આવૃત્તિ પ્રગટ થઈ હતી. પ્રસ્તુત છે એની પ્રસ્તાવનામાંથી લીધેલાં કેટલાંક અંશો:

‘ગીતાંજલી’ કવિવર ટાગોરનો શ્રેષ્ઠ કાવ્યગ્રંથ ગણાય છે. 1913માં એમને સાહિત્ય માટેનું નોબેલ પારિતોષિક મળ્યું, તે આ પુસ્તક માટે. એક રસિક માહિતી આ સંબંધમાં એક જગ્યાએ જોવામાં આવી હતી કે કવિવર ટાગોરને જે વર્ષે ‘નોબેલ પ્રાઈઝ’ મળ્યું, તે સમયે એના એક બીજા અધિકારી પ્રત્યે પણ ર્દષ્ટિ પડી હતી. આ બીજા અધિકારીનું નામ ખલિલ જિબ્રાન, અને એનું પુસ્તક, ‘The Prophet’.

કવિવર ટાગોરની આ ગીતાંજલિની પાછળ કવિહૃદયની જેવીતેવી વેદનાનો પ્રકાશ નથી. ગીતાંજલિનો જન્મ થયો એ વિષે કવિએ પોતેજ એન્ડ્ર્યુઝ સાહેબને એક વખત કહ્યું હતું: ‘I composed them in solitude during my sorrow without any idea of publication’.

1912માં કવિવરને લાંબી માંદગી આવી. એ વખતે ઇંગ્લંડ ગયા ત્યારે ગીતાંજલિનું અંગ્રેજી ભાષાંતર એમણે કર્યું. આયર્લેંડના કવિ W. B. Yeats લખે છે કે આ ભાષાંતરનાં કાગળિયાં હું સાથે ને સાથે ફેરવતો. ને ગાડીમાં કે બસમાં કે ગમે ત્યાં, જરાક અમથો વખત મળે કે તરત એ વાંચતો. અને એ વાંચતા મારું હૃદય જે અનુભવતું એ કોઈ દેખી ન જાય માટે વારંવાર મારે વાંચન બંધ કરવું પડતું. એટલી અદભુત એની અસર હતી. મે જીવનભર જે સ્વપ્ન સેવ્યું હતું, તે સ્વપ્નની દુનિયા આ કાવ્યોમાં મેં જોઈ.

કવિવર વિષે કહી શકાય કે એમના જીવનના અણુએ અણુમાં સૌન્દર્ય ઓતપ્રોત હતું. જર્મન નાટકકાર હર્મન ક્યઝરલિંગ લખે છે કે, ‘મારે ત્યાં ‘ગ્રાફોલોજી’નો એક સંશોધક ‘Noble Souls’ ઉન્નત આત્માઓના અક્ષરો જોવા નીકળેલો હતો, તે આવી ચડેલો. મેં મારી નોંધપોથીમાંના ઘણા મોટા માણસોના અક્ષરના નમૂના એને બતવ્યા, પણ એનું મન માન્યું નહિ. એને જોઈતી વાત એમાંથી ન મળી. જ્યારે ટાગોરના અક્ષરો એણે જોયા, ત્યારે એની આંખમાં ખરેખર આંસુ આવી ગયાં. અને એ તરત બોલી ઉઠ્યો: ‘કેટલો સુંદર અને કેટલો ઉદાત્ત આત્મા આ અક્ષરોમાં છુપાયોલો છે.’

‘ગીતાંજલિ’નો આ ભાવનુવાદ છે. એમાં અક્ષરસ: ભાષાંતર નથી કે શબ્દશ: અનુવાદ પણ નથી. જ્યાં અર્થને થોડોક વધારે સ્પષ્ટ બનાવતાં રસાસ્વાદની વિશિષ્ટતા સધાતી લાગી, ત્યાં એ પ્રમાણે છૂટ લીધી છે. બધે જ નહિ, કોઈ કોઈ ઠેકાણે. એ છૂટ એવી લીધી નથી કે જેથી અર્થ અસ્પષ્ટ રહે ને મૂળને જ અન્યાય થાય. છતાં આવા મહાન કવિને સમજવા માટે જે મહત્તા જોઈએ, તે મહત્તાની કુદરત દીધી ખામી તો આમાં કવિવરના સાચા ચાહકોને જણાયા વિના નહિ રહે, અને ખૂંચ્યા વિના પણ નહિ રહે. પણ એમની પાસે કવિવરના શબ્દોમાં જ પ્રાર્થના કરવાની છે કે, આ તો મહાન સાગરને જોવા માટે એક અજ્ઞાન શિશુએ રેતપટમાં પોતાની ઘોલકી માંડી દીધી છે એમ સમજવાનું રહ્યું. એમાં જે કાંઈ સારું હોય, એનો યશ એને છે, જેને યશની જરૂર નથી! અને જે કાંઈ અપૂર્ણ અને અનધિકાર જેવું લાગે તેનો અપયશનો પોટલો મારે આંગણે આવે, તો એને સાહિત્યશુદ્ધિ માટેની કસોટી ગણીને સ્વીકારતાં, સાચા પંથનું દર્શન મને મળશે, એ જેવોતેવો ફાયદો નથી.

કોલસા સાથે અડપલું કરનારે શિશુને કાળું ધાબું મળે, પણ કસ્તૂરી સુગંધ સાથેનું અડપલું પણ કાંઈક આપી જાય, એવી આ વાત થઈ…

‘ધૂમકેતુ’
**********

પ્રસ્તુત છે, ધૂમકેતુ દ્વારા ભાવાનુવાદીત ‘ગીતાંજલિ’ના 103 કાવ્યોમાંથી પ્રથમ:

1. તેં મારા જીવનને અનંતતા આપી છે. તારી એ ઈચ્છા છે. કાચા કુંભ જેવા આ દેહને તું વારંવાર ખાલી કરે છે, અને ફરી ફરીને તું જ એને નવજીવનથી ભરી દે છે.

ડુંગરાઓ ઉપર અને ઊંડી ખીણોમાં, બરુની આ નાનકડી દેહવાંસળીને, તેં જ તારી સંગાથી કરી છે, અને એમાંથી નિત્ય નવા નવા મધુર સ્વરો પણ તેં જ ઉભા કર્યા છે.

તારા હાથનો અમર સ્પર્શ પામતાં મારું આ નાનકડું હૃદય, આનંદમય બની જાય છે, એની મર્યાદાઓ સરી જાય છે, અને અમરવાણીને એ જન્મ આપે છે.

તારી અનંત બક્ષિસો, આ કેવળ મારા નાનકડા હાથ ઉપર આવતી રહે છે, યુગો ચાલતા રહે છે, અને તું તો તારી બક્ષિસો વરસાવતો જ રહે છે; અને છતાંયે હજી પણ એમાં વધારે સમાસ માટે અવકાશ છે.

*****