jump to navigation

ગુજરાતીમાં ગઝલ October 8, 2006

Posted by Jaydeep in ગઝલનો ઈતિહાસ.
7 comments

1995 માં IAS પરીક્ષાની તૈયારી કરતી વેળાએ ગુજરાતી ગઝલો વિષે નાવેલી વિસ્તૃત નોંધનો એક હિસ્સો અહીં મૂક્યો છે:

ગઝલ એ એક અરબી-ફારસી સાહિત્યપ્રકાર છે. ગઝલનો શાબ્દિક અર્થ થાય છે, તીરથી ઘવાયેલા હરણની ચીસ.  ગુજરાતીમાં ગઝલની શરૂઆતને સો કરતા પણ વધુ વર્ષો થઈ ગયા છે. ભારતમાં મુઘલ સામ્રાજ્યની સ્થાપના થઈ એ સાથે જ ફારસી ભાષાનો પ્રયોગ વધ્યો. મુઘલ લશ્કરમાં સામેલ ભારતીય અને મુઘલ સૈનિકોની ભાષાના સંમિશ્રણથી ઉર્દૂ ભાષાનો જન્મ થયો. ગુજરાતમાં મુસ્લિમ શાસનનાં પ્રારંભ સાથે ફારસી પણ આવી. ઉચ્ચ હોદ્દાઓ પર બિરાજમાન ગુજરાતના નાગરોએ ફારસી શીખી અને તેમાં ગ્રંથો પણ લખ્યાં. ધીમે ધીમે તેઓનો પરિચય ઉર્દૂ સાથે પણ થયો અને તેમના દ્વારા ગુજરાતીમાં ગઝલની શરૂઆત પણ થઈ. પ્રારંભમાં દયારામે રેખતાઓ લખ્યા. રેખતા એ ઉર્દૂ માટે પ્રયોજાતો શબ્દ છે.

ગઝલ લખવા માટે કુલ 19 છંદો છે: તવીલ, મદીદ, બસીત, વાફિર, કામિલ, હઝજ, રજઝ, રમલ, મુક્તઝબ, મનસરિહ, સરિહ, ખફીફ, મુજતસ, મજગરિઅ, મુતકારિબ, મુતહારિફ, કરીબ, જદીદ અને મશાકિલ. ગઝલનાં સ્વરૂપને સમજવા માટે મત્લા, મક્તા, શેર, રદીફ, કાફિયા, બહેર, ઉલા અને સાની જેવા કેટલાંક શબ્દો સમજવા જરૂરી છે. ગઝલના પ્રથમ શેરને મત્લા અને અંતિમ શેરમાં જ્યારે કવિ પોતાના નામ કે તખલ્લુસનો સમાવેશ કરે, ત્યારે તેને મક્તા કહેવાય છે. પ્રત્યેક શેરના અંત્યાનુપ્રાસ-બીજી પંક્તિના અંતિમ શબ્દથી મળતો પ્રાસ-ને રદીફ તરીકે ઓળખવામાં આવે છે. રદીફની પહેલા આવતા શબ્દથી દર બીજી પંક્તિમા જે પ્રાસ મળે છે, તે શબ્દને કાફિયા કહેવાય છે. જે છંદમાં ગઝલ લખાઈ હોય તે છંદને બહર કહેવાય છે. શેરની પ્રથમ પંક્તિને ઉલા અને દ્વિતીય પંક્તિને સાની કહેવાય છે. ગઝલમાં સામાન્યત: પાંચથી ઓગણીસની સંખ્યામાં જ શેર હોવા જોઈએ.   

દયારામ અને નર્મદે રેખતાઓ જરૂર આપ્યાં, પરંતુ, બાલાશંકર કંથારિયાએ રચનાને ર્દષ્ટિએ ઉત્તમ ગઝલો આપી. જો કે કેટલાંક સાહિત્યકારો ગુજરાતી નાટકમંડળીઓ દ્વારા નાટક માટે રચાયેલી બેતને શરૂઆતની ગઝલ ગણે છે. પણ નામ સૂચવે છે તેમ મોટાભાગની બેત બે પંક્તિની હતી, પૂર્ણ ગઝલ નહોતી. ત્યાર બાદ, કવિ કાન્તે પણ ગઝલ પ્રકાર ખેડ્યો. પણ ગઝલને જનતા સુધી પહોંચાડી કલાપીએ. બાલાશંકર કંથારિયાએ સૌપ્રથમ ગુજરાતીમાં ચૂસ્ત ગઝલો આપી. ત્યાર બાદ, મણિલાલ દ્વિવેદી, સાગર, કલાપી, કાન્તને ગઝલના નોંધપાત્ર રચયિતાઓ કહી શકાય. ગુજરાતી ભાષા પણ ગઝલ માટે સમર્થ છે એમ પોતાને વિપુલ રચનો દ્વારા સાબિત કર્યું શયદાએ. એ ગાળાનાં બીજા નોંધપાત્ર ગઝલકારો છે સાબિર મજનૂ, નસીમ અને સગીર. શયદા, શાહબાઝ, મરીઝ, શૂન્ય, સૈફ તથાં ગની દહીંવાલા જેવાં સર્જકો દ્વારા ગઝલ વધારે ખીલી અને તેમનાં અનુગામી કવિઓએ ઉત્તમ રચનાઓ દ્વારા ગુજરાતીમાં ગઝલને ઉચ્ચ દરજ્જો અપાવ્યો.

મરીઝના આગમન સાથે જ ગુજરાતીને સંપન્ન ગઝલકારોને જાણે કે એક સમૂહ મળી ગયો. જેમાં મરીઝની સાથોસાથ, શૂન્ય, સૈફ, ઘાયલ, ગની, બેફામ, પતીલ, અનિલ, ગાફિલ તથાં મકરંદ દવેનો સમાવેશ થાય છે. આ પછીની પેઢીમાં શેખાદમ આબુવાલા, આદિલ મન્સૂરી, મનહર, ચિનુ મોદી, રાજેન્દ્ર શાહ, મનોજ ખંડેરિયા ઉપરાંત, વ્રજ, જલન માતરી, કાબિલ, હરીન્દ્ર દવે, નૂરી, ઓજસ અને નઝીર ભાતરી આપણા નોંધપાત્ર ગઝલકારો છે. આ બધામાં મરીઝ ટોચ પર રહે છે.

આધુનિક ગુજરાતી ગઝલોની શરૂઆત સુરેશ જોષીથી થઈ. ઉપરાંત, શેખ ગુલામ મોહમ્મદ, અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ, પ્રાસન્નેય, લાભશંકર ઠાકર, શ્રીકાન્ત, ચિનુ મોદી, મનહર મોદી, રાવજી પટેલ, સિતાંશુ યશશ્ચંદ્ર, રાજેન્દ્ર શુક્લ, મનોજ ખંડેરિયા, રમેશ પારેખ, પ્રબોધ પરીખ, દિલીપ ઝવેરી, મણિલાલ દેસાઈ  નોંધપાત્ર પ્રદાન કરે છે. આ પછીનાં તબક્કામાં ભગવતીકુમાર શર્મા, જવાહર બક્ષી, અદમ ટંકારવી, હનીફ સાહિલ, જયેન્દ્ર શેખડીવાળા, સરૂપ ધ્રુવ, શ્યામ સાધુ, હરીશ મીનાશ્રુ, રાજેશ વ્યાસ, દિલીપ વ્યાસ, જગદીશ વ્યાસ, હરીશ ધોબી, હર્ષદ ત્રિવેદી, બાપુદાન ગઢવી, મુકુલ ચોક્સી, વિનોદ જોશી જેવા સર્જકો નોંધપાત્ર છે.

આ ઉપરાંત પણ બીજા ઘણા નામી-અનામી સર્જકો ગુજરાતી ગઝલ ક્ષેત્રે પ્રવૃત્ત છે.

                                                                                           *********

Advertisements