jump to navigation

ઘર તરફ વળો… January 1, 2010

Posted by Jaydeep in ગઝલો.
add a comment

પૂરો થયો પ્રવાસ હવે ઘર તરફ વળો
કાયમ નથી નિવાસ હવે ઘર તરફ વળો

નીકળ્યા અને પાછા ફર્યા ખોટા સ્થળે સતત
ભૂલા પડેલ શ્વાસ! હવે ઘર તરફ વળો

પાદર, તળાવ, પીપળો ને સાંજનો પ્રહર
વર્ષોથી છે ઉદાસ હવે ઘર તરફ વળો

સંવેદના ઉત્તેજના અચરજ કાં ગુમ થયાં?
પડતી મૂકો તપાસ હવે ઘર તરફ વળો

આ તો નગરનો સૂર્ય છે એ આગ ઓકશે
એમાં નથી પ્રકાશ હવે ઘર તરફ વળો…

— રિષભ મહેતા

Advertisements

પહોંચવું છે… April 8, 2009

Posted by Jaydeep in ગઝલો.
add a comment

અધ:માં છું ને ઊર્ધ્વે પહોંચવું છે;
તળેટીથી યે શિખરે પહોંચવું છે.

કોઈ રીતે સમીપે પહોંચવું છે;
‘હું’ -‘તું’ – ‘તે’ ના અભેદે પહોંચવું છે.

હતો, છું, ને હઈશ કેવળ નદીમાં;
કહ્યું કોણે કે કાંઠે પહોંચવું છે?

બધે રસ્તેથી હું પાછો વળ્યો છું;
ફક્ત એનાં જ દ્વારે પહોંચવું છે.

છે રણમાં સૂર્યની શિરમોર સત્તા;
આ નદી મૃગજળની, તીરે પહોંચવું છે.

કોઈ તારાને ખરતો રોકવાને;
મળે જો પાંખ; આભે પહોંચવું છે.

ઢળી છે સાંજ, ઈંધણ ભીનાં ભીનાં;
ઉતાવળ છે; ચિતાએ પહોંચવું છે.

                                    -ભગવતીકુમાર શર્મા

આ માણસ બરાબર નથી… October 22, 2008

Posted by Jaydeep in ગઝલો.
5 comments

લક્ષ્મીની જેમ જ લાગણીઓ ગણે છે, આ માણસ બરાબર નથી.
ગણે છે ને ઓછી પડે તો લડે છે, આ માણસ બરાબર નથી.

સમી સાંજ દરિયાકિનારે જવું તોયે દરિયા તરફ પીઠ રાખી,
એ, લોકોને, ગાડીને જોયા કરે છે, આ માણસ બરાબર નથી.

સુંદરતા જોવી ગમે છે, સહજ છે, પણ સૌની ર્દષ્ટિમાં છે ફેર,
એ જોવા ની આડશમાં રીતસર ઘૂરે છે, આ માણસ બરાબર નથી.

ન કુદરત, ન ઈશ્વર, ન દુનિયા, અરે સૌ સ્વજનથી યે છેટો રહે છે,
બસ પોતાને માટે જીવે છે, મરે છે, આ માણસ બરાબર નથી.

વધુ એને ચીડવો, વધારે દઝાડો, જલાવો, દયા ના બતાવો,
કારણ એ કાયમ ઈર્ષાથી બળે છે, આ માણસ બરાબર નથી.

જે લુચ્ચું હસે છે, જે ખંધુ હસે છે, જરા એથી ચેતીને ચાલો,
કે આખો શકુનિ એમાંથી ઝરે છે, આ માણસ બરાબર નથી.

                                                   – હિતેન આનંદપરા

હિતેન આનંદપરા અને પ્રવીણ ગઢવીની સુંદર અને અર્થસભર રચનાઓનો પરિચય કરાવવા બદલ જામનગરના મારા મિત્ર જેવા ‘કાકા’ ડૉ. સતીષ ટાટમીયાનો આભાર…

થાઉં તો સારું… May 23, 2008

Posted by Jaydeep in ગઝલો.
1 comment so far

હવે બસ બહુ થયું બુદ્ધિ ! હું પાગલ થાઉં તો સારું !
છલકવાનો સમય આવ્યો, છલોછલ થાઉં તો સારું !

જીવનનો ગરજતો સાગર ઘણો ગંભીર લાગે છે,
હવે હું ચાંદનીની જેમ ચંચલ થાઉં તો સારું !

જુઓ કિરણો વિખેરાયાં, ને ગુંજનગીત રેલાયાં,
હૃદય ઈચ્છી રહ્યું છે આજ : શતદલ થાઉં તો સારું !

મને આ તારી અધબીડેલી આંખોમાં સમાવી લે,
મને તો છે ઘણી ઈચ્છા કે કાજલ થાઉં તો સારું

ભલે હું શ્યામ લાગું, પણ મિલન આવું મળે કોને ?
તમન્ના છે કે તારા ગાલનો તલ થાઉં તો સારું !

યુગો અગણિત ભલે વીતે, મને એની નથી પરવા,
હું પ્રેમી કાજ એક જ પ્રેમની પલ થાઉં તો સારું !

મને એવા રૂપાળા ઘાવ દુનિયાએ કર્યા અર્પણ–
કે ખુદ દુનિયાને થઈ આવ્યું : ઘાયલ થાઉં તો સારું !

જીવનમાં આમ તો ક્યાંથી મળે લયબદ્ધ ચંચળતા
હું તારા ખૂબસૂરત પગની પાયલ થાઉં તો સારું !

તને તો આવડે છે ઠંડી ઠંડી આગ થઈ જાતાં,
મને છે મૂંઝવણ કે આંખનું જલ થાઉં તો સારું !

–શેખાદમ આબુવાલા

ગઝલની દેવી August 9, 2007

Posted by Jaydeep in ગઝલો.
2 comments

ગઝલની દેવી! ઓ દિલોજાન! ત્હને સર્વસ્વ અર્પણ છે,
બધી દુનિયાનું ગઝલિસ્તાન, અનાદિથી સમર્પણ છે.

ત્હને પ્રેમે ધરાવેલું અને ત્હારું જ આપેલું–
‘ત્હને અર્પણ’ લખું ઘેલું! નિરૂપિતનું નિરૂપણ છે.

હૃદય બોલ્યું ફરી બોલે: ભલે! ઓ પ્રાણ! લે ! લે ! લે !
હવે ! ગુજરાતી ગઝલિસ્તાન, ત્હને ત્હારૂં જ અર્પણ છે.

બધાં બ્રહ્માંડ ઝબકોળી-હૃદયરસ તરબતર-ઘોળી
મને ત્હેં પાઈ એ પ્યાલી : તું તો એવી કલાલણ છે.

અને, બસ! ત્હારી પ્રીતિ એ, પ્રિયે! પરમાત્મદર્શન છે:
ગઝલનો સ્નેહસાગર આ, સનમ ! કાયમ સમર્પણ છે.

                                                                –સાગર

માધવ રામાનુજ May 7, 2007

Posted by Jaydeep in ગઝલો.
6 comments

એક એવું ઘર મળે આ વિશ્વમાં,
જ્યાં કશા કારણ વિના પણ જઈ શકું;
એક એવું આંગણું કે જ્યાં મને;
કોઈપણ કારણ વગર શૈશવ મળે !

એક બસ એક જ મળે એવું નગર;
જ્યાં ગમે ત્યારે અજાણ્યો થઈ શકું;
‘કેમ છો ?’ એવું ય ના કહેવું પડે;
સાથ એવો પંથમાં ભવભવ મળે !

એક એવી હોય મહેફિલ જ્યાં મને,
કોઈ બોલાવે નહિ ને જઈ શકું !
એક   ટહુકામાં  જ  આ રૂંવે  રૂંવે,
પાનખરનાં આગમનનો રવ મળે !

તો  ય  તે  ના  રંજ કૈં મનમાં રહે-
અહીંથી ઊભો થાઉં ને મૃત્યુ મળે…

                         -માધવ રામાનુજ

Honeymoon April 27, 2007

Posted by Jaydeep in ગઝલો.
2 comments

આ જાંબલી ને ભૂરી શિરાઓ અને Honeymoon,
આ શ્વાસ શ્વાસ નામનો દરિયો ને Honeymoon.

‘અંધારું’      નામનો      ઉતારી      જોડો     ઉંબરે,
આ  ચાર ભીંત એટલે માળો ને Honeymoon.

ફૂંકાય     છે    પવનની    જેમ     બંધ   બારીઓ,
ઝોકે  ચઢેલો  આંખનો  દીવો  ને  Honeymoon.

નખરાળી    ભીંત    ‘ચાટલા’માં   ‘ થોબડું’   જુએ,
ઝાકળનો હાથ, વાદળી રસ્તો ને Honeymoon.

ખાબોચિયું      ભરાઈ      ગયું      કંઠની      કને,
ખોવાઈ  ગયો  મોરનો  ટહુકો ને  Honeymoon.

જંગલ   તો   આંખ   મીંચી   અને   હાંફતું   રહ્યું,
વીફર્યા તરાપ મારતા સ્પર્શો ને Honeymoon.

                                              -હર્ષદેવ માધવ

અમૃત ઘાયલ March 19, 2007

Posted by Jaydeep in ગઝલો.
7 comments

કેમ ભૂલી ગયા? દટાયો છું,
આ ઈમારતનો હુંય પાયો છું.

હું હજી પૂર્ણ ક્યાં કળાયો છું,
અડધોપડધો જ ઓળખાયો છું.

વિસ્તર્યા વિણ બધેય છાયો છું!
હું અજબ રીતથી ઘવાયો છું!

આમ તો એક બિન્દુ છું કિન્તુ,
સપ્તસિન્ધુથી સંકળાયો છું!

સૂર્યની જેમ સળગ્યો છું વર્ષો,
ચન્દ્રની જેમ ચોડવાયો છું.

વઢ નથી વિપ્ર, આ જનોઈનો,
આમ હું આડેધડ કપાયો છું.

રામ જાણે શું કામ હું જ મને,
સર્પની જેમ વીંટળાયો છું.

એ જ છે પ્રશ્ન: કોણ કોનું છે?
હું ય મારો નથી, પરાયો છું!

સાચું પૂછો તો સત્યના પંથે,
ખોટી વાતોથી દોરવાયો છું!

ઊંચકે કોણ આ પંથ ભૂલ્યાને?
આપ મેળે જ ઊંચકાયો છું.

મીંડું સરવાળે છું છતાં ‘ઘાયલ’,
શૂન્ય કરતાં તો હું સવાયો છું.

                                     -અમૃત ઘાયલ
*********

ધૂની માંડલિયા February 5, 2007

Posted by Jaydeep in ગઝલો.
3 comments

પર્વતોમાં પાતળું પોલાણ પણ હશે,
બેવફા કોરી નદીની તાણ પણ હશે.

માછલી તું મોજથી હરફર કરી શકે,
એટલું તો ઝાંઝવે ઊંડાણ પણ હશે.

મૂઠ દાણા જોઈ પંખી એ ભૂલી ગયું,
આટલામાં પીંજરું ને બાણ પણ હશે.

આંખથી તો ક્યારના એ નીકળી ગયા,
આંસુઓનું માર્ગમાં રોકાણ પણ હશે.

કેટલીયે વાર સામે હું રડી ગયો,
દર્પણોને પૂછો એને જાણ પણ હશે.

                                  -ધૂની માંડલિયા

‘ઓજસ’ પાલનપુરી January 31, 2007

Posted by Jaydeep in ગઝલો.
5 comments

મારી હસ્તી મારી પાછળ એ રીતે વિસરાઈ ગઈ;
આંગળી જળમાંથી નીકળી ને જગા પૂરાઈ ગઈ.

આગમન એનું સુણીને ઊર્મિઓ હરખાઈ ગઈ,
ચાંદ ઉગ્યો પણ નહીં ને ચાંદની ફેલાઈ ગઈ.

દર્દમાં ઠંડક, દિલાસામાં જલન, અશ્રુમાં સ્મિત,
પ્રેમનો ઉત્કર્ષ થાતાં ભાવના બદલાઈ ગઈ.

આત્મા પરમાત્માને, દેહ માટીને દીધું,
જે મતા જેની હતી એને બધી સોંપાઈ ગઈ.

ભેટવા એને હતો હું એટલો વ્યાકુળ કે,
ખુદ કજા મારો ધસારો જોઈને ગભરાઈ ગઈ.

વાસ્તવમાં વિરહ પણ છે એક મૃત્યુનો પ્રકાર,
એ મરણના મુખ મહીં પણ જિંદગી જીવાઈ ગઈ.

મુજને ‘ઓજસ’ના સ્વરૂપે આ જગત જોતું રહ્યું,
આંખ સૌની ‘એને’ ઓળખવામાં ઠોકર ખાઈ ગઈ.

                                          -‘ઓજસ’ પાલનપુરી