jump to navigation

વર્ષા July 5, 2010

Posted by Jaydeep in પ્રકીર્ણ.
Tags:
2 comments

જૂઈનાં ફૂલે વરસ્યાં ઝીણાં જળથી હારી…

 

રાત વચાળે ઊંઘતી રહી હું ને, ગગન ઝરતું ગયું,

છેક સવારે જોઉં તો જૂઈમાં આભલું મરકી રહ્યું,

મટકું નહીં ભરતાં નયન જાય ઓવારી,

જૂઈનાં ફૂલે વરસ્યાં ઝીણાં જળથી હારી…

 

પાછલી રાતે ચાંદની વચ્ચે ટમકે જેવી નભની તારા,

એમ જુઓ આ જૂઈ વચાળે ચમકે બિંદુ તેજની ધારા,

રંગ નહીં તોય રંગમાં ભીંજવે જૂઈની ક્યારી,

જૂઈનાં ફૂલે વરસ્યાં ઝીણાં જળથી હારી…

 

                                         –  ઉષા ઉપાધ્યાય

Advertisements

તું હતી ત્યારે… May 18, 2010

Posted by Jaydeep in પ્રકીર્ણ.
1 comment so far

 
તું હતી ત્યારે
તારી ક્ષણ ક્ષણની હાજરી
ને ક્ષણ ક્ષણની ગેરહાજરીથી
મેં મારો શૂન્યાવકાશ ભર્યો.
તારી એક એક કલ્પના
ને એક એક તરંગોને
મેં ઉમંગથી કેદ કર્યાં,
તારી એક મીઠી નજર
ને તારાં એક સ્પર્શ માટે
હું કેટલું બધું તડપ્યો?

તારા એક એક હાસ્ય
ને એક એક આંસુને
મારી કોરીધકોર આંખોમાં સજાવ્યા.
તારાં એક એક ઉચ્છવાસને મેં કેટલા વિશ્વાસથી
મારાં વિશ્વાસમાં પૂર્યાં?
તારા એક એક ધબકારને
મારા ધબકારો વચ્ચેની ખાલી જગ્યામાં પૂર્યો.

છતાં પણ તું હતી ત્યારે,
હું તારાં તારાપણાથી સજાગ હતો.
તું તું છે અને હું હું છું
તે પ્રત્યે સભાન હતો.
તારી હાજરીની નોંધ અને તારાં સ્પર્શનો આનંદ
આપણાં અલગ અલગ અસ્તિત્વના પ્રમાણ હતાં.

પણ, આપણે જુદાં થયા ને
જેમ જેમ સમય જતો જાય છે
અને હું
મારાં ફેફસામાં પુરાયેલા
તારાં શ્વાસોથી શ્વસુ છું
અને ધબકારો વચ્ચે પુરાયેલા
તારાં ધબકારોથી જીવું છું
ત્યારે,

તારી સાથેની મારી એકરૂપતાનો અહેસાસ
વધતો જાય છે…
બસ, વધતો જ જાય છે…
વધતો જ જાય છે…

ડૉ. જયદીપ શાહ,
અમદાવાદ

ક્યાંથી લાવું? May 11, 2010

Posted by Jaydeep in પ્રકીર્ણ.
1 comment so far

 

તૃષા છે પરંતુ ઝરણ ક્યાંથી લાવું?

વીસરવામાં સહેલું સ્મરણ ક્યાંથી લાવું?

 

નમું સ્હેજમાં તો પળમાં પામું પરમને

સમાધાનકારી વલણ ક્યાંથી લાવું?

 

નથી યાદ રહેતું મને નામ મારું

બીજાનું તો નામાચરણ ક્યાંથી લાવું?

 

પછીની ક્ષણે હો તરત મોક્ષ તારો

હે ‘દરવેશ’ એવું મરણ ક્યાંથી લાવું?

 

                                      — દરવેશ દયાલવી

દીકરી March 27, 2010

Posted by Jaydeep in પ્રકીર્ણ.
3 comments

શૈશવમાં સપનામાં જોયેલી પરી
સદેહે અવતરી…
થઈ દીકરી
*
દીકરી…
જૂઈની નાજુક કળી
પ્રભુજીને
ચડાવેલાં ફૂલોની
અવેજીમાં મળી.
*
દીકરી…
દાદાની આંખો પર
કુણા કુણા હાથ દાબે
જાણે પોપચાં પર પવન મૂક્યો
ફૂલોની છાબે
શીતળ સુગંધિત
તાજગી ભરી લ્હેરખી
મીંચાયેલી આંખોથી
પણ ઓળખી.
*
દીકરી… બારમાસી વાદળી
ઝરમરતી ઝરમરતી
રાખે સઘળુંય લીલુંછમ
… બારેય માસ.
* દીકરી…
મનગમતું ગીત
હોઠે રમતું રહે
… નીપજાવે સુરીલું સ્મિત.
*
દીકરી…
કંટક વગરનો બાગ
પંખીએ છેડેલો રાગ
પાનખર વગરની વસંત
સુગંધનો સાગર અનંત.
*
દીકરી…
પતંગિયું-
ફળિયામાં ઊડાઊડની રંગોળી પૂરે.
શરનાઈ કોઈ વગાડે…
એ તો ચૂપચાપ ઊડી જાય
… ને પાછળ રહી ગયેલા રંગો ઝૂરે
*
દીકરી…
ચાંદરડું-
દિવસ આખો ઘરમાં તેજ પાથરે
પકડ્યું પકડાય ના
ઉંબરે ને ઓરડે દોડાદોડી કરે…
દાદર ચડેઊતરે
… સૂરજ સાથે ચાલ્યું જાય આખરે
*
વિદાય લીધેલી માની જગા
દીકરીએ ક્યારે લઈ લીધી
તે ખબરેય ના પડી.

-હર્ષદ ચંદારાણા

મને ભૂલી તો જો! February 13, 2010

Posted by Jaydeep in પ્રકીર્ણ.
1 comment so far

મને ભૂલી તો જો!
તેં જ મને તારામાં પૂર્યો, એ વાતને કબૂલી તો જો!

લોક બધાં જોતાં કે પાંદડું હલે છે
તને એકને જ દેખાતો વાયરો,
આંખોમાં તુંય હજી આંજે અણસાર
જેમ મારામાં હુંય ભરું ડાયરો;

પોપચાનું અંધારું ઓઢીને, પોયણાંમાં ખૂલી તો જો!

છેટે રહેવાથી નહીં ટાળી શકાય
મારી પડખેનો આવરો ને જાવરો,
થોડી તું ઘેલી કહેવાય અને થોડેરો
હુંય ભલે કહેવાતો બ્હાવરો;

હોઠનાં હિસાબ હશે હૈયામાં, કો’ક દી વસૂલી તો જો!

–વિનોદ જોશી

તું મારું સપનું છે… February 2, 2010

Posted by Jaydeep in પ્રકીર્ણ.
8 comments

તું મારું સપનું છે બેટા, તું મારી સચ્ચાઈ
તું આવ્યો ને દુનિયામાં, મારી ઓળખ બદલાઈ

રખે તું ઊઠી જાય, એ બીકે બદલું નહીં હથેલી
ચડે હાથમાં ખાલી, તો યે લાગે હેત ભરેલી

શાળાનાં દરવાજે જ્યારે પાછું વળી તેં જોયું
કોરી આંખે, આખો દિવસ, હૈયું મારું રોયું

તારી કુમળી હથેળીમાંથી આંગળી મેં છોડાવી
એ ક્ષણની ભીનાશ આ મારી આંખોમાં સચવાઈ—

મને યાદ છે, પહેલીવાર હું તને લડ્યો’તો
જ્યારે તારી આંખનું આંસુ મારી આંખમાં છે અત્યારે

એક જ સરખો ચહેરો આપણો, ઓફિસમાં ને શાળામાં
એકબીજાને શોધતી આંખો સમયનાં વચગાળામાં

ઘરને ઝાંપે જઈ ઊભેલી આંખને મેં સમજાવી
ફરી કદી તારી આંખોમાં નહીં આંસુ રહે છલકાઈ—

કોઈને લાગતો મમ્મી જેવો, કોઈને પપ્પા જેવો
અમે ઈચ્છીએ, બનજે બેટા, તું બસ તારા જેવો

તને ગમે જે સપનું એને કરજે તું સાકાર
અમારી ઈચ્છાઓનો તારા પર ના કોઈ ભાર

તારા પિતા તરીકે જ્યારે કોઈ રહે ઓળખાવી
હરખથી મારું હૈયું છલકે, હોઠ રહે મલકાઈ…

–તુષાર શુક્લ

ગમગીનીનો એક્સ-રે January 19, 2010

Posted by Jaydeep in પ્રકીર્ણ.
3 comments

સ્મરણોનો લેપ છતાં દુ:ખે છે હાડ
ક્યાંક લાગે છે અંદરથી તિરાડ
તો પાડ… મારી ગમગીની નો એકસ-રે તું પાડ

સોળે શણગારે સજાવીને મોકલી
શુકનમાં આપ્યું દહીં
પાછી ફરી તો સાંજ સાવ રે ઉદાસ
એના અંગ ઉપર આભૂષણ નહીં
આંખમાંથી પંખીઓ ઊડ્યાં
જ્યાં અથડાયાં ધ્રાસ્કાનાં બબ્બે કમાડ
તો પાડ… મારી ગમગીની નો એકસ-રે તું પાડ

ફૂલોની ટોપલીમાં સપનાંઓ લાવનાર
રાતનીયે આંખો ઉદાસ
મારે માટે જ સ્મિત લાવનાર દિવસોને
પોતાને ચાલે અમાસ
ખડખડાટ નામનું ગામ મેં વસાવ્યું ને
આંસુએ પાડી જ્યાં ધાડ
તો પાડ… મારી ગમગીની નો એકસ-રે તું પાડ.

–મુકેશ જોષી

રાજેન્દ્ર શાહ January 6, 2010

Posted by Jaydeep in પ્રકીર્ણ.
2 comments


તરસની ભીખ January 5, 2010

Posted by Jaydeep in પ્રકીર્ણ.
2 comments

તમે કે’તા હો તો
એક રાતમાં
કછોટો વાળી નખથી
ખોદી કાઢું કુવો.

તમે કે’તા હો તો પરોઢનું પહેલું
તારોડીયું ઊગે
તે પહેલાં લૈણમાં સૌ પહેલું
મૂકી આવું મારું માટલું.

તમે કે’તા હો તો
એકલી પંડે કોશ હાંકીને
આખા ગામને પાઉં પાણી.

પણ–
આ લેણથી છેટા બેસી
સૌથી છેલ્લા
કોક ઉંચે થી ચાંગળુ પાણી રેડે
માટલામાં
એ સહાતું નથી.

કો’તો
આખો ઉનાળો તરસે મરૂ
પણ
તરસની આ ભીખ માંગતા
એમ થાય છે કે
ધરતી ચ્યમ માર્ગ આપતી નથી
સીતાજીની જેમ?

–પ્રવીણ ગઢવી

ઘર તરફ વળો… January 1, 2010

Posted by Jaydeep in ગઝલો.
add a comment

પૂરો થયો પ્રવાસ હવે ઘર તરફ વળો
કાયમ નથી નિવાસ હવે ઘર તરફ વળો

નીકળ્યા અને પાછા ફર્યા ખોટા સ્થળે સતત
ભૂલા પડેલ શ્વાસ! હવે ઘર તરફ વળો

પાદર, તળાવ, પીપળો ને સાંજનો પ્રહર
વર્ષોથી છે ઉદાસ હવે ઘર તરફ વળો

સંવેદના ઉત્તેજના અચરજ કાં ગુમ થયાં?
પડતી મૂકો તપાસ હવે ઘર તરફ વળો

આ તો નગરનો સૂર્ય છે એ આગ ઓકશે
એમાં નથી પ્રકાશ હવે ઘર તરફ વળો…

— રિષભ મહેતા