jump to navigation

પડખામાં જોયું તો ખાલી September 12, 2008

Posted by Jaydeep in પ્રકીર્ણ.
2 comments

પોપચામાં કાચી કાચી નીંદરનો ભાર અને પડખામાં જોયું તો ખાલી
અહીંતહીં વેંત વેંત ઝૂલતી સવાર અને પડખામાં જોયું તો ખાલી

ખોબે ખોબે દરિયો વીણ્યો જળના ગૂંથ્યા હાર અને પડખામાં જોયું તો ખાલી
આંખમાં જોયું હાથમાં જોયું એટલું જોયું બ્હાર અને પડખામાં જોયું તો ખાલી

એકાદી પોઠ નહીં આખી વણઝાર અને પડખામાં જોયું તો ખાલી
અડી જતા વાયરાની ઝાલી કિનાર અને પડખામાં જોયું તો ખાલી

બારીઓ ખોલી ઝૂલતું આવ્યું ઝાડવું ઘટાદાર અને પડખામાં જોયું તો ખાલી
વારતા કરી વાદળાં જોયાં ટેવને કાઢી ધાર અને પડખામાં જોયું તો ખાલી

કશું ઊગતું કશું ખરતું અને તબકે થડકાર અને પડખામાં જોયું તો ખાલી
ધીમું ધીમું અરુંપરું કશું આરપાર અને પડખામાં જોયું તો ખાલી

રસ્તા પીધા દરિયા પીધા હંસની પીધી હાર અને પડખામાં જોયું તો ખાલી
અહીંથી છેટે તહીંથી છેટે મનસૂબાની પાર અને પડખામાં જોયું તો ખાલી

20-5-1975                                         -રમેશ પારેખ