jump to navigation

નૌશીન મુબારક December 21, 2006

Posted by Jaydeep in કશ્મીર ડાયરી.
4 comments

kashmir_pic23.jpg

આજે 21મી ડિસેમ્બર. દર વર્ષે આ દિવસે વાદી-એ-કશ્મીરમાં ‘ચિલાઈ કલાન’ની શરૂઆત થાય છે. આ ચિલાઈ કલાન એટલે આજથી આવનારા ચાલીસ દિવસો સુધી ગાત્રો ગાળી નાખતી ઠંડીનો સમયગાળો. ચિલાઈ કલાન પૂરો થશે 31મી જાન્યુઆરીએ. 1લી ફેબ્રુઆરીથી 20 દિવસો માટે શરૂ થશે ‘ચિલાઈ ખુર્દ’. ચિલાઈ ખુર્દમાં ઠંડી થોડીક ઘટે છે. ત્યારબાદ, ઠંડીના 10 દિવસનો અંતિમ સમયગાળો, એટલે કે ‘ચિલાઈ બચ’. એનો અર્થ છે ઠંડીના બચ્યા દિવસો…. અને પછી આવશે ખુશનુમા મૌસમ અને રૂમઝૂમ કરતી વસંત પગરણ માંડશે, ને ભાત ભાતના ફૂલોથી વાદી મહેંકી ઉઠશે… જેના માટે વાદી-એ-કશ્મીર મશહૂર છે. પરંતુ એને તો હજુ ત્રણ મહિનાની વાર છે…!!!

તો હા દોસ્તો, આજથી ચિલાઈ કલાનની શરૂઆત થઈ ગઈ છે. આજે સવારે જ શ્રીનગરમાં કલાકેક માટે બરફવર્ષા થઈ. ત્યારબાદ, વરસાદ પડ્યો. આમ તો ગુલમર્ગ અને સોનમર્ગમાં તો ક્યારનો યે બરફ પડી ચૂક્યો છે. મારી બાલ્કનીમાંથી નજરે પડતા સામેનાં પહાડો (જે ઉપરની તસવીરમાં દૃષ્યમાન થાય છે) પર પણ શ્વેત બરફથી થોડાં આવૃત થઈ ચુક્યા જ છે, પણ શ્રીનગર શહેર માટે આજની બરફવર્ષા એ આ વર્ષની પ્રથમ બરફવર્ષા છે. કાઠિયાવાડમાં જેમ વરસાદ જીવન જરૂરી છે એમ અહીં ઘાટીમાં બરફ એટલો જ જરૂરી છે. લોકો ‘નૌશીન’ (નવાં બરફની) વધાઈ આપે છે. પ્રથમ બરફવર્ષા ટાણે ઘરની નવી વહુને ‘નૌશીન હબી ખોતય’ એટલે કે ‘નવો બરફ મુબારક હો’ એમ કહીને વધાવાય છે. નવી વહુ પોતાના પીયરથી સૌના માટે સ્વાદિષ્ટ વાનગી બનાવી લાવે છે.

ચાલો, તો સૌને જયદીપના ‘નૌશીન મુબારક’…

ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ December 19, 2006

Posted by Jaydeep in સાહિત્યનો ઈતિહાસ.
12 comments

પૂર્વભૂમિકા:

 આજનાં ગુજરાતના મુખ્ય ભાગોમાં કચ્છ, સૌરાષ્ટ્ર અને ગુજરાત તરીકે ઓળખાતા પ્રદેશોનો સમાવેશ થાય છે. કચ્છ એ પ્રાચીન નામ છે, સૌરાષ્ટ્ર એ પણ પ્રાચીન નામ છે જેને વચ્ચે થોડા સમય માટે કાઠિયાવાડ તરીકે ઓળખવામાં આવતું હતું. ગુજરાત પ્રદેશનું કોઈ એક નામ નહોતું. જુદા જુદા સમયે તે આનર્ત, લાટ, શૂર્પારક, અનૂપ અને અપરાન્ત જેવા નામોથી ઓળખાતો હતો. ગુર્જરોએ (ગુર્જરો શક્યત: શક જાતિના એક ભાગ હતાં) પાંચમી સદીમાં  હિન્દુસ્તાનમાં પ્રવેશ કર્યો અને છઠ્ઠી સદીના અંત સુધીમાં પશ્ચિમ રાજસ્થાન અને આજનાં ઉત્તર ગુજરાતનો કબજો કરી લીધો. આ પ્રદેશ ગુર્જરાત્ર, ગુજ્જરત્ત, ગુર્જર દેશ જેવા નામોથી ઓળખાવા લાગ્યો. 8મી સદીના આરબ પ્રવાસીઓએ ગુર્જરનો ઉચ્ચાર જુઝ્ર કે ગુઝ્ર કર્યો. એમાંથી, કાળક્રમે ગુઝ્રાત અને 10મી સદી સુધીમાં ગુજરાત શબ્દ ચલણમાં આવ્યો.ત્યારબાદ, આ પ્રદેશની ભાષાને ગુજરાતી તરીકે ઓળખાવા માટે આશરે બીજા પાંચસો વર્ષ લાગ્યાં. નરસિંહ મહેતા પોતાની ભાષાને અપભ્રષ્ટ ગિરા કહે છે, પદ્મનાભ એને પ્રાકૃત કહે છે તો ભાલણ એને અપભ્રંશ કે ગુર્જર ભાષા તરીકે ઓળખાવે છે.  ભાષા તરીકે ગુજરાતીનો પ્રથમ સંદર્ભ આપણને આપે છે મધ્યકાલીન મહાકવિ પ્રેમાનંદ (1636-1734) અને ત્યારબાદ 1731માં લા ક્રોસ નામનો જર્મન પ્રવાસી.   

16મી સદી સુધી પશ્ચિમ રાજસ્થાન અને ગુજરાતની ભાષા લગભગ સમાન હતી. હા, બન્ને વચ્ચે બોલીગત જેવા કેટલાંક અનિવાર્ય તફાવતો જરૂર હતા. ડૉ. તેસ્સિતોરિ એ ભાષાને જૂની પશ્ચિમી રાજસ્થાની તરીકે ઓળખાવે છે, નરસિંહરાવ દિવેટિયા એને અંતિમ અપભ્રંશ કહે છે અને ઉમાશંકર જોશી એને મારુ-ગુર્જર તરીકે ઓળખાવે છે.  આ ભાષાનો વિકાસ ગૌર્જરીમાંથી થયો હોવાનું મનાય છે. પ્રાકૃત વ્યાકરણશાસ્ત્રી માર્કંડેયના ઈ.સ. 1450ના ગ્રંથ પ્રાકૃત સર્વસ્વ અનુસાર પ્રાકૃતની 24  પૈકીની એક ગૌર્જરી હતી. ગુજરાત અને લાટ પ્રદેશના લોકોની ભાષા વિષેનો સૌપ્રથમ સંદર્ભ ઉદ્યોત્તનસૂરિના ઈ.સ. 788ના ગ્રંથ કુવલયમાલામાં અને ત્યારબાદ, આશરે ઈ.સ. 1000 આસપાસ લખાયેલા ભોજના ગ્રંથ સરસ્વતીકંઠાભરણમાં મળે છે. પરંતુ, આ બન્ને ગ્રંથોમાં એ સમયે ભાષાના વિકાસ અને સ્થિતિ વિષે કશી જ માહીતિ મળતી નથી.ઉત્તર અને મધ્ય ભારતની અન્ય ભાષાઓની જેમ, ગુજરાતી પણ ઈન્ડો-આર્યન કુળની ભાષા છે. તે સંસ્કૃતમાંથી પ્રાકૃત અને અપભ્રંશ જેવા મધ્યવર્તી તબક્કાઓ વટાવીને ઉતરી આવી છે. ગૌર્જર અપભ્રંશ ગુજરાતી અને વ્રજ તથા રાજસ્થાની ભાષાઓની પૂરોગામી છે.ઘણા બધા વિદ્વાનોએ હેમચંદ્રાચાર્ય (1088-1172)ના સમયથી માંડીને આધુનિક ગુજરાતી સુધીની વિકાસયાત્રાનો અભ્યાસ કર્યો છે. એમાં કેશવલાલ ધ્રુવે આપેલા વિકાસના નીચેના ત્રણ તબક્કાઓ સર્વમાન્ય છે:

  1. અપભ્રંશ કે જૂની ગુજરાતી: 10મી કે 11મી સદીથી 14મી સદી સુધી,
  2. મધ્યકાલીન ગુજરાતી: 15મી સદીથી 17મી સદી સુધી, અને
  3. આધુનિક ગુજરાતી: 18મી સદીથી શરૂ થયેલો તબક્કો

નરસિંહરાવ દિવેટીયાએ નીચે પ્રમાણે છ તબક્કાઓમાં ગુજરાતી ભાષાની વિકાસરેખા દોરી છે:

  1. અપભ્રંશ: વિક્રમ સંવત 950 સુધી,
  2. મધ્ય અપભ્રંશ: વિક્રમની 13મી સદી સુધી,
  3. અંતિમ કે ગુર્જર અપભ્રંશ: વિક્રમની 13મી સદીથી વિક્રમ સંવત 1550 સુધી,
  4. જૂની ગુજરાતી: વિ.સં. 1550થી વિ.સં. 1650
  5. મધ્યકાલીન ગુજરાતી: વિ.સં. 1650થી વિ.સં. 1750
  6. આધુનિક ગુજરાતી: વિ.સં. 1750થી આગળ

તો, કેશવરામ શાસ્ત્રી નીચે પ્રમાણે ગુજરાતી ભાષાની વિકાસરેખા આપે છે:

1.       ગૌર્જર અપભ્રંશ કે જૂની ગુજરાતી:(અ) પ્રથમ તબક્કો: ઈસુની 6ઠ્ઠી સદીથી 11મી સદી સુધી(બ) દ્વિતીય તબક્કો: 14મી સદીના પૂર્વાર્ધ સુધી

2.       ગુર્જર ભાષા કે મધ્યકાલીન ગુજરાતી: 14મી સદીના ઉત્તરાર્ધથી 17મી સદીના પૂર્વાર્ધ સુધી,

3.       આધુનિક ગુજરાતી:(અ) પ્રથમ તબક્કો: 17મી સદીના ઉત્તરાર્ધથી 19મી સદીના પ્રથમ 25 વર્ષો સુધી, અને   (બ) દ્વિતીય તબક્કો: હાલની ભાષા

                                                                                                                               વધુ હવે પછી…

માધવી… December 15, 2006

Posted by Jaydeep in મારી કવિતા.
3 comments

madhvi.JPG

મારા કમરામાં લટકતી તારી તસવીર

એ પ્યારભરી આંખોને મંદ મંદ મુસ્કાન

જીવનની શાંત ક્ષણોમાં નિરખુ છું એને,

અપલક નેત્રે ને આશાભરી મૌન ભાષાએ:

ને અચાનક

સાકારનિર્મલ

અને પછી,

ન તો કમરો છે, ન તો તસવીર અને ન તો હું,

છે તો બસ તું

તું અને તું…

                                    —જયદીપ

 

            *********

સૂર્યને શિક્ષા કરો December 14, 2006

Posted by Jaydeep in મારી પ્રિય કવિતાઓ.
4 comments

મૂક
વાતાયન મહીં ઊભી હતી
શ્યામા.

ગાલનાં અતિ સૂક્ષ્મ છિદ્રોથી પ્રવેશી
લોહીની ઉષ્મા મહીં સૂતેલ આકુલતા નરી
સૂર્ય સંકોરી ગયો.
માધુર્ય જન્માવી ગયો.
ઉન્નત સ્તનોને અંગુલિનો સ્પર્શ જેવો
એવી સ્મૃતિ શી લોહીમાં થરકી ગઈ !
ઉદરમાં.

*

આષાઢનું ઘેઘૂર આખું આભ લૈ
પીંજરામાં કલાન્ત અને આકુલ
શ્યામા જોઉં છું, નતશિર
’કોણ છે આ કૃત્યનો કર્તા?’
મૂક શ્યામાના થથરતા હોઠ બે ના ખૂલતા
આંખમાં માધુર્યનાં શબ ઝૂલતાં.
હું કવિ
તીવ્ર કંઠે ચીસ પાડીને કહું છું:
’સૂર્યને શિક્ષા કરો.’
કંઠની નાડી બધીયે તંગ ખેંચીને કહું છું:
’સૂર્યને શિક્ષા કરો.’

                                    -લાભશંકર ઠાકર

ચારણ કન્યા December 13, 2006

Posted by Jaydeep in મારી પ્રિય કવિતાઓ.
11 comments

ગીરમાં તુલસીશ્યામ પાસેના એક નેસમાં હીરબાઈ નામની ફક્ત 14 વર્ષની ચારણ કન્યાએ એકલે હાથે પોતાની વાછરડીને મારનાર સિંહને એનું માંસ ચાખવા નહોતું દીધું અને ફક્ત લાકડીએથી ગીરના સાવજને હાંકી કાઢ્યો હતો. ઝવેરચંદ મેઘાણીની આ કવિતા પ્રાથમિક શાળામાં ભણવામાં આવતી હતી. એનો લય અને શોર્યવંતી ભાષા આજે પણ એવા અને એટલાં જ મોહક છે…

સાવજ ગરજે !

વનરાવનનો રાજા ગરજે
ગીરકાંઠાનો કેસરી ગરજે
ઐરાવતકુળનો અરિ ગરજે
કડ્યપાતળિયો જોદ્ધો ગરજે
મોં ફાડી માતેલો ગરજે
જાણે કો જોગંદર ગરજે
નાનો એવો સમદર ગરજે !
ક્યાં ક્યાં ગરજે ?

બાવળના જાળામાં
ગરજે ડુંગરના ગાળામાં ગરજે
કણબીના ખેતરમાં ગરજે
ગામ તણા પાદરમાં ગરજે
નદીઓની ભેખડમાં ગરજે
ગિરિઓની ગોહરમાં ગરજે
ઉગમણો, આથમણો ગરજે
ઓરો ને આઘેરો ગરજે

થર થર કાંપે !
વાડામાં વાછડલાં કાંપે
કૂબામાં બાળકડાં કાંપે
મધરાતે પંખીડાં કાંપે
ઝાડ તણાં પાંદડલા કાંપે
પહાડોના પથ્થર પણ કાંપે
સરિતાઓના જળ પણ કાંપે
સૂતાં ને જાગંતાં કાંપે
જડ ને ચેતન સૌએ કાંપે

 આંખ ઝબૂકે
કેવી એની આંખ ઝબૂકે
વાદળમાંથી વીજ ઝબૂકે
જોટે ઊગી બીજ ઝબૂકે
જાણે બે અંગાર ઝબૂકે
હીરાના શણગાર ઝબૂકે
જોગંદરની ઝાળ ઝબૂકે
વીર તણી ઝંઝાળ ઝબૂકે
ટમટમતી બે જ્યોત ઝબૂકે

જડબાં ફાડે !

ડુંગર જાણે ડાચાં ફાડે !
જોગી જાણે ગુફા ઉઘાડે !
જમરાજાનું દ્વાર ઉઘાડે !
પૃથ્વીનું પાતાળ ઉઘાડે !
બરછી સરખા દાંત બતાવે
લસ લસ કરતા જીભ ઝુલાવે.

બ્હાદર ઊઠે !

બડકંદાર બિરાદર ઊઠે
ફરસી લેતો ચારણ ઉઠે
ખડગ ખેંચતો આહીર ઊઠે
બરછી ભાલે કાઠી ઊઠે
ઘર ઘરમાંથી માટી ઊઠે
ગોબો હાથ રબારી ઊઠે
સોટો લઈ ઘરનારી ઊઠે
ગાય તણા રખવાળો ઊઠે
દૂધમલા ગોવાળો ઊઠે
મૂછે વળ દેનારા ઊઠે
ખોંખારો ખાનારા ઊઠે
માનું દૂધ પીનારા ઊઠે !
જાણે આભ મિનારા ઊઠે !
ઊભો રે’જે
ત્રાડ પડી કે ઊભો રે’જે !
ગીરના કુત્તા ઊભો રે’જે !
કાયર દુત્તા ઊભો રે’જે !
પેટભરા ! તું ઊભો રે’જે !
ભૂખમરા ! તું ઊભો રે’જે !
ચોર લૂંટારા ઊભો રે’જે !
ગા-ગોઝારા ઊભો રે’જે !

ચારણ કન્યા
ચૌદ વરસની ચારણ કન્યા
ચૂંદડીયાળી ચારણ કન્યા
શ્વેતસુંવાળી ચારણ કન્યા
બાળી ભોળી ચારણ કન્યા
લાલ હિંગોળી ચારણ કન્યા
ઝાડ ચડંતી ચારણ કન્યા
પહાડ ઘૂમંતી ચારણ કન્યા
જોબનવંતી ચારણ કન્યા
આગ ઝરંતી ચારણ કન્યા
નેસ નિવાસી ચારણ કન્યા
જગદમ્બા શી ચારણ કન્યા
ડાંગ ઉઠાવે ચારણ કન્યા
ત્રાડ ગજાવે ચારણ કન્યા
હાથ હિલોળી ચારણ કન્યા
પાછળ દોડી ચારણ કન્યા
ભયથી ભાગ્યો !
સિંહણ, તારો ભડવીર ભાગ્યો
રણ મેલીને કાયર ભાગ્યો
ડુંગરનો રમનારો ભાગ્યો
હાથીનો હણનારો ભાગ્યો
જોગીનાથ જટાળો ભાગ્યો
મોટો વીર મૂછાળો ભાગ્યો
નર થઈ તું નારીથી ભાગ્યો
નાનકડી છોડીથી ભાગ્યો !
***************

તરવર્યા કરે December 9, 2006

Posted by Jaydeep in ગઝલો.
1 comment so far

વરસાદ આખી રાત સતત ઝરમર્યા કરે,
ને શૂન્યતાનું એક નગર વિસ્તર્યા કરે.

એકાંતને ય હોય પ્રતિબિમ્બ જેવું કંઈ
આભાસ દર્પણોનો મને છેતર્યા કરે.

ટહુકાઓનું તો ઠીક બધે વિસ્તરી ગયા
છોડી તને વિહંગ ! પીંછા કરગર્યા કરે.

કે’વાય છે કે, ધુમ્મસોય ઓગળી ગયાં
અજવાળાં તારું નામ કોઈ ચીતર્યા કરે.

આ વેદનાઓ મારી કહો કોને જઈ કહું
ગુલમ્હોર મારી આંખ મહીં પાંગર્યા કરે.

નીંદરનું વૃક્ષ આખું લચે ભીની પાંપણે
ને પાંપણોમાં કોઈ ભીનું તરવર્યાં કરે.

                                          -આશ્લેષ ત્રિવેદી                     

                   **********

-ની યાદ છે December 7, 2006

Posted by Jaydeep in ગઝલો.
3 comments

કોઈને જોયા હશે—ની યાદ છે,
મેળવી ખોયા હશે—ની યાદ છે.

છે હરણની છાપ રણમાં તો હજી,
ઝાંઝવે ટોળાં હશે—ની યાદ છે.

ટેરવાંનાં તોરણો અટકી ગયાં,
સ્પર્શને પ્રોયાં હશે—ની યાદ છે.

આયનામાં ડાઘ કાજલનો હતો,
બિંબ ખુદ મોહ્યાં હશે—ની યાદ છે.

                              -અહમદ મકરાણી
                  *********

જિંદગી December 5, 2006

Posted by Jaydeep in ગઝલો.
3 comments

જિંદગી છે માત્ર અટકળનું નગર,
શ્વાસ જેવા શ્વાસનાં છળનું નગર.

મીટ માંડીને તમે જોયા કરો;
જિંદગી આભાસી વાદળનું નગર.

હર્ષ ને અફસોસની છે આ ધરા,
જિંદગી કેવળ છે ઝાકળનું નગર.

ચોતરફની છે દિશાઓ આંધળી,
જિંદગી છે માત્ર કાજળનું નગર.

લાગણી, સંબંધ ને આ જિંદગી,
વણલખેલા કોઈ કાગળનું નગર.

                                –અનિલ દોશી

છે… December 4, 2006

Posted by Jaydeep in ગઝલો.
3 comments

યાદોનાં પરફ્યુમ્સ ઊડે છે,
ડનલોપી સપનાં આવે છે.

તારી ગલીના લૅમ્પપોસ્ટ પર,
સાઠ વૉલ્ટનું ફૂલ ખીલે છે.

આજકાલ તો તારા બદલે,
નેઈમપ્લેટ ઉત્તર દઈ દે છે.

પ્રેમપત્ર પૂરો થઈ જાતાં,
ટાઈપરાઈટર આહ ભરે છે.

તારા શહેરની રોનક કેવી,
સઘળી ટ્રેનો ત્યાં થોભે છે.

                         –અદમ ટંકારવી