jump to navigation

મને ભૂલી તો જો! February 13, 2010

Posted by Jaydeep in પ્રકીર્ણ.
1 comment so far

મને ભૂલી તો જો!
તેં જ મને તારામાં પૂર્યો, એ વાતને કબૂલી તો જો!

લોક બધાં જોતાં કે પાંદડું હલે છે
તને એકને જ દેખાતો વાયરો,
આંખોમાં તુંય હજી આંજે અણસાર
જેમ મારામાં હુંય ભરું ડાયરો;

પોપચાનું અંધારું ઓઢીને, પોયણાંમાં ખૂલી તો જો!

છેટે રહેવાથી નહીં ટાળી શકાય
મારી પડખેનો આવરો ને જાવરો,
થોડી તું ઘેલી કહેવાય અને થોડેરો
હુંય ભલે કહેવાતો બ્હાવરો;

હોઠનાં હિસાબ હશે હૈયામાં, કો’ક દી વસૂલી તો જો!

–વિનોદ જોશી

તું મારું સપનું છે… February 2, 2010

Posted by Jaydeep in પ્રકીર્ણ.
8 comments

તું મારું સપનું છે બેટા, તું મારી સચ્ચાઈ
તું આવ્યો ને દુનિયામાં, મારી ઓળખ બદલાઈ

રખે તું ઊઠી જાય, એ બીકે બદલું નહીં હથેલી
ચડે હાથમાં ખાલી, તો યે લાગે હેત ભરેલી

શાળાનાં દરવાજે જ્યારે પાછું વળી તેં જોયું
કોરી આંખે, આખો દિવસ, હૈયું મારું રોયું

તારી કુમળી હથેળીમાંથી આંગળી મેં છોડાવી
એ ક્ષણની ભીનાશ આ મારી આંખોમાં સચવાઈ—

મને યાદ છે, પહેલીવાર હું તને લડ્યો’તો
જ્યારે તારી આંખનું આંસુ મારી આંખમાં છે અત્યારે

એક જ સરખો ચહેરો આપણો, ઓફિસમાં ને શાળામાં
એકબીજાને શોધતી આંખો સમયનાં વચગાળામાં

ઘરને ઝાંપે જઈ ઊભેલી આંખને મેં સમજાવી
ફરી કદી તારી આંખોમાં નહીં આંસુ રહે છલકાઈ—

કોઈને લાગતો મમ્મી જેવો, કોઈને પપ્પા જેવો
અમે ઈચ્છીએ, બનજે બેટા, તું બસ તારા જેવો

તને ગમે જે સપનું એને કરજે તું સાકાર
અમારી ઈચ્છાઓનો તારા પર ના કોઈ ભાર

તારા પિતા તરીકે જ્યારે કોઈ રહે ઓળખાવી
હરખથી મારું હૈયું છલકે, હોઠ રહે મલકાઈ…

–તુષાર શુક્લ