jump to navigation

દીકરી March 27, 2010

Posted by Jaydeep in પ્રકીર્ણ.
3 comments

શૈશવમાં સપનામાં જોયેલી પરી
સદેહે અવતરી…
થઈ દીકરી
*
દીકરી…
જૂઈની નાજુક કળી
પ્રભુજીને
ચડાવેલાં ફૂલોની
અવેજીમાં મળી.
*
દીકરી…
દાદાની આંખો પર
કુણા કુણા હાથ દાબે
જાણે પોપચાં પર પવન મૂક્યો
ફૂલોની છાબે
શીતળ સુગંધિત
તાજગી ભરી લ્હેરખી
મીંચાયેલી આંખોથી
પણ ઓળખી.
*
દીકરી… બારમાસી વાદળી
ઝરમરતી ઝરમરતી
રાખે સઘળુંય લીલુંછમ
… બારેય માસ.
* દીકરી…
મનગમતું ગીત
હોઠે રમતું રહે
… નીપજાવે સુરીલું સ્મિત.
*
દીકરી…
કંટક વગરનો બાગ
પંખીએ છેડેલો રાગ
પાનખર વગરની વસંત
સુગંધનો સાગર અનંત.
*
દીકરી…
પતંગિયું-
ફળિયામાં ઊડાઊડની રંગોળી પૂરે.
શરનાઈ કોઈ વગાડે…
એ તો ચૂપચાપ ઊડી જાય
… ને પાછળ રહી ગયેલા રંગો ઝૂરે
*
દીકરી…
ચાંદરડું-
દિવસ આખો ઘરમાં તેજ પાથરે
પકડ્યું પકડાય ના
ઉંબરે ને ઓરડે દોડાદોડી કરે…
દાદર ચડેઊતરે
… સૂરજ સાથે ચાલ્યું જાય આખરે
*
વિદાય લીધેલી માની જગા
દીકરીએ ક્યારે લઈ લીધી
તે ખબરેય ના પડી.

-હર્ષદ ચંદારાણા