jump to navigation

હૃદયનાં દ્વાર May 30, 2013

Posted by Jaydeep in પ્રકીર્ણ.
Tags:
add a comment

નર્યું પાણી જ મારા દર્દનો ઉપચાર લાગે છે
રડી લઉં છું, મને જ્યારે હૃદય પર ભાર લાગે છે.

દિવસ તો જિંદગીના આંખ મીચીને કપાયા પણ,
ઉઘાડી આંખથી રાતો કપાતાં વાર લાગે છે.

મને બેસી જવા કહે છે, ઊઠે છે દર્દ જ્યાં દિલમાં,
હૃદયમાં દર્દ રૂપે દર્દનો દેનાર લાગે છે.

હૃદયની આશને ઓ તોડનારા! આટલું સાંભળ,
કમળ આ માનસરમાં ફક્ત એક જ વાર લાગે છે.

રુદનની ભીખ માંગે છે પ્રસંગો જિંદગાનીના,
કરું છું દાન ને જે મને હકદાર લાગે છે.

સનાતન રૂપ મારી કલ્પનામાં પણ નહીં આવ્યું,
જીવન કવિતા! મને તું બુદ્ધિનો વ્યાપાર લાગે છે.

‘ગની’ વીતેલ જીવનનાં સ્મરણ તાજાં થયાં આજે,
ફરી ખખડાવતું કોઈ હૃદયનાં દ્વાર લાગે છે.

— ‘ગની ’દહીવાલા